ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દીપડાની હાજરીએ બદલી નાખી શરણદીપ સોસાયટીના લોકોની જિંદગી, આખી રાત લોકો જાગ્યા, બધા એક જ સવાલ પૂછે છે..

ભયનો માહોલ / દીપડાની હાજરીએ બદલી નાખી શરણદીપ સોસાયટીના લોકોની જિંદગી, આખી રાત લોકો જાગ્યા, બધા એક જ સવાલ પૂછે છે..

Published By: Bhavin Rawal

Last Updated: 01:27 PM, 21 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દીપડો દેખાયા બાદ સમગ્ર સોસાયટીમાં ફફડાટનો માહોલ છે. દીપડો સોસાયટીમાં ઘૂસ્યો હોવાની જાણ થતાં જ લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. રાતભર સોસાયટીનું વોટ્સએપ ગ્રુપ રણકતું રહ્યું અને લોકો એકબીજાને ફોન કરીને એક જ સવાલ પૂછતા રહ્યા- 'દીપડો પકડાયો કે નહીં?'

ADVERTISEMENT

24 કલાક પહેલાં જ્યાં બાળકો ગાર્ડનમાં રમતા હતા, લોકો મોર્નિંગ વોક માટે નીકળતા હતા અને મોડી રાત સુધી સોસાયટીમાં ચહલપહલ જોવા મળતી હતી, ત્યાં હવે અચાનક સન્નાટો છવાયો છે. ઘુમા ગામના VIP રોડ પર આવેલી શરણદીપ સોસાયટીમાં 19 જુલાઈની રાત્રે લગભગ 1 વાગ્યે દીપડો દેખાયા બાદ સમગ્ર સોસાયટીમાં ફફડાટનો માહોલ છે. દીપડો સોસાયટીમાં ઘૂસ્યો હોવાની જાણ થતાં જ લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. રાતભર સોસાયટીનું વોટ્સએપ ગ્રુપ રણકતું રહ્યું અને લોકો એકબીજાને ફોન કરીને એક જ સવાલ પૂછતા રહ્યા- 'દીપડો પકડાયો કે નહીં?'

દીપડો સોસાયટીમાં દેખાયા બાદ વન વિભાગે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સોસાયટીની અંદર અને બહાર મળીને ચાર જેટલા પાંજરા ગોઠવવામાં આવ્યા છે. જોકે દીપડો સોસાયટીમાંથી બહાર નીકળ્યો હોવાના કોઈ CCTV ફૂટેજ સામે આવ્યા નથી. જેના કારણે રહેવાસીઓની ચિંતા વધુ વધી છે. વન વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે સોસાયટીના લોકોને સાંજે 7 વાગ્યા બાદ બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી હતી. પરિણામે સામાન્ય રીતે મોડી રાત સુધી લોકોની અવરજવરથી ધમધમતી સોસાયટીમાં રાત્રે જાણે કર્ફ્યૂ જેવો માહોલ જોવા મળ્યો હતો.

'રાતે 2 વાગ્યાથી સવાર સુધી જાગતા રહ્યા... ક્યાંકથી અચાનક આવી જાય તો?'

શરણદીપ સોસાયટીમાં છેલ્લા 25 વર્ષથી રહેતા બળદેવ મકવાણાએ જણાવ્યું હતું કે,

'આવો બનાવ પહેલીવાર જોયો છે. રાતે 2 વાગ્યાથી સવાર સુધી જાગતા રહ્યા. પ્રોટોકોલ પ્રમાણે જાગવું જ પડે. ડરનો માહોલ હતો. ક્યાંકથી અચાનક આવી જાય તો? નાના બાળકોને લઈને પણ સાવચેતી રાખવી પડે. બીક તો સો ટકા લાગે છે. બધા વારાફરતી જાગતા રહ્યા.'

દીપડાની દહેશતના કારણે સોસાયટીના અનેક પરિવારોએ આખી રાત ઊંઘ્યા વિના પસાર કરી હતી. કોઈ બારીમાંથી બહાર જોવા તૈયાર નહોતું, તો કોઈએ ટેરેસના દરવાજા પણ બંધ રાખ્યા હતા. લોકો એકબીજાના સંપર્કમાં રહીને દીપડાની કોઈ હિલચાલની માહિતી મળતી રહે તેની રાહ જોતા રહ્યા હતા.

'બીકને કારણે જમ્યા પણ નહીં... આખી રાત જાગતા રહ્યા'

શાંતાબેને કહ્યું હતું કે,

'બીકને લીધે આખી રાત જાગતા રહ્યા. બીક લાગતી હતી. જમ્યા કે નહીં જમ્યા એવું... બીકના કારણે કંઈ સમજાતું નહોતું.'

દીપડો ક્યારે અને ક્યાંથી ફરી દેખાઈ જાય તેની ચિંતાને કારણે સોસાયટીના લોકો પોતાના ઘરમાં જ પુરાઈ રહ્યા હતા. સામાન્ય દિવસોમાં સાંજે બાળકો અને વડીલો ગાર્ડનમાં જતા હતા, પરંતુ દીપડાની હાજરીના સમાચાર બાદ ગાર્ડન પણ ખાલી જોવા મળ્યું હતું.

'બાળકોને વહેલા બોલાવી લીધા, હાથમાં દંડા રાખ્યા'

હંસાબેને જણાવ્યું હતું કે,

'આખી રાત જાગ્યા સાહેબ. નાના નાના બાળકો છે. છોકરાઓને વહેલા બોલાવી લીધા. વહેલું જમી લીધું. હાથમાં દંડા રાખીએ છીએ. છોકરાઓને નોકરી પરથી પણ વહેલા બોલાવી લીધા. બહાર તો નીકળ્યા જ નથી, ઘરમાં જ છીએ. દીપડો પકડાય નહીં ત્યાં સુધી રહેવાનું કેવી રીતે?'

સોસાયટીના અનેક પરિવારોએ બાળકોને ઘરની બહાર જવા દીધા નહોતા. જે લોકો નોકરી કે કામ માટે બહાર ગયા હતા તેમને પણ શક્ય તેટલા વહેલા ઘરે બોલાવી લેવામાં આવ્યા હતા. સિક્યુરિટી ગાર્ડ પણ હાથમાં લાકડી લઈને સોસાયટીમાં ફરજ બજાવતા જોવા મળ્યા હતા.

'મોર્નિંગ વોક પણ બંધ... અજવાળું થતાં લોકો બહાર નીકળ્યા'

મનોજ ધરે જણાવ્યું હતું કે,

'કાલની રાતથી ડરનો માહોલ છે. બાળકોને પણ ઘરમાં જ રાખ્યા છે. મેડ આવે છે તેમને પણ વહેલા આવી જવાનું કહ્યું છે. વહેલી સવારે મોર્નિંગ વોક માટે પણ કોઈ નીકળતું નથી. દીપડો પકડાય નહીં ત્યાં સુધી ડરનો માહોલ છે.'

સામાન્ય રીતે વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળતા લોકો પણ દીપડાના ભયને કારણે ઘરની બહાર આવ્યા નહોતા. અજવાળું થયા બાદ જ ધીમે ધીમે લોકો બહાર નીકળવા લાગ્યા હતા.

24 કલાકમાં જ આખી લાઈફ બદલાઈ ગઈ: 'કર્ફ્યૂ જેવો માહોલ'

શરણદીપ સોસાયટીના રહેવાસી ગૌરાંગ શાહે કહ્યું હતું કે,

'24 કલાક પહેલાં તો સાવ નોર્મલ લાઈફ હતી. બેફિકર હતા. લોકો વૉક કરતા હતા, મોડી રાત સુધી બહાર રહેતા હતા. ચહલપહલ હતી. હવે કર્ફ્યૂ જેવો માહોલ છે. કામ વગર ઘરની બહાર કોઈ નીકળતું નથી. સોસાયટીના રસ્તા પણ સૂમસામ છે. બધા એક જ સવાલ પૂછે છે- દીપડો પકડાયો કે નહીં? હવે ક્યારથી ફરી નોર્મલ લાઈફ થશે એ સવાલ છે.'

એક દીપડાની હાજરીએ માત્ર 24 કલાકમાં સમગ્ર સોસાયટીની દિનચર્યા બદલી નાખી છે. જ્યાં સામાન્ય રીતે સાંજે બાળકોની રમતો અને લોકોની અવરજવર જોવા મળતી હતી, ત્યાં હવે લોકો ઘરના દરવાજા અને બારીઓ બંધ રાખીને દીપડો પકડાય તેની રાહ જોઈ રહ્યા છે.

ચાર પાંજરા ગોઠવાયા, હવે દીપડો ક્યારે પાંજરે પુરાશે?

વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે સોસાયટીની અંદર અને બહાર ચાર જેટલા પાંજરા ગોઠવવામાં આવ્યા છે. જોકે દીપડો સોસાયટીમાંથી બહાર નીકળ્યો હોવાના કોઈ CCTV ફૂટેજ સામે ન આવતા રહેવાસીઓની ચિંતા હજુ યથાવત છે.

દરમિયાન હવે દીપડો ચાંદખેડા વિસ્તારમાં જોવા મળ્યો હોવાની માહિતી સામે આવી છે. જો આ એ જ દીપડો હોય તો તે ઘુમાથી ચાંદખેડા સુધી કેવી રીતે પહોંચ્યો અને હાલ ક્યાં છુપાયો છે તે અંગે વન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

હાલ શરણદીપ સોસાયટીના લોકોની નજર એક જ વાત પર છે- દીપડો ક્યારે પાંજરે પુરાશે અને ક્યારે સોસાયટીમાં ફરી પહેલાની જેમ સામાન્ય જીવન શરૂ થશે?

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Update Breaking News Ahmedabad News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ