બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદમાં ખાડા કે રસ્તા? ચોમાસામાં AMCની કામગીરી સામે લોકોનો આક્રોશ
Last Updated: 11:44 AM, 4 August 2026
અમદાવાદ શહેરમાં ચોમાસાની સીઝન વચ્ચે ફરી એકવાર AMCની કામગીરી ચર્ચામાં આવી છે. સામાન્ય રીતે ચોમાસા શરૂ થાય તે પહેલાં પૂર્ણ થવાના વિકાસ અને ડ્રેનેજ સંબંધિત કામો હજુ પણ અનેક વિસ્તારોમાં અધૂરા જોવા મળી રહ્યા છે. વરસાદી માહોલ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં ખોદકામ ચાલુ હોવાથી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. સ્થાનિકો અને વાહનચાલકોનું કહેવું છે કે ચોમાસા પહેલાં પૂર્ણ થઈ જવા જોઈએ તેવા કામ હવે વરસાદ દરમિયાન કરવામાં આવી રહ્યા છે, જેના કારણે રોજિંદા જીવન પર સીધી અસર પડી રહી છે.
ADVERTISEMENT

શહેરના અનેક વિસ્તારોમાં AMC દ્વારા ડ્રેનેજની કામગીરી માટે રસ્તાઓ ખોદવામાં આવ્યા છે. ઘણા સ્થળોએ મોટા ખાડા ખોદીને તેની આસપાસ માત્ર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. પરંતુ ખાડા ભરવાની અથવા રસ્તાને ફરી પૂર્વવત્ કરવાની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. પરિણામે રસ્તાઓ સાંકડા બન્યા છે અને વાહનવ્યવહાર પણ પ્રભાવિત થઈ રહ્યો છે. વરસાદી પાણી ભરાતા ખાડા દેખાતા ન હોવાથી અકસ્માતની શક્યતા પણ વધી રહી છે.
ADVERTISEMENT

ડ્રેનેજ કામગીરી દરમિયાન કેટલાંક વિસ્તારોમાં રસ્તા પણ ઉખડી ગયા છે. અનેક સ્થળોએ રસ્તા પરની કપચી બહાર આવી ગઈ છે, જેના કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને બાઇકચાલકો માટે આ સ્થિતિ વધુ જોખમી બની છે. વરસાદ દરમિયાન કપચી અને કાદવને કારણે વાહન સ્લિપ થવાની શક્યતા વધી રહી છે, જેના કારણે અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે.
ADVERTISEMENT
વાહનચાલકો અને સ્થાનિક રહિશોએ AMCની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે. લોકોનું કહેવું છે કે ચોમાસા પહેલાં રસ્તા અને ડ્રેનેજના કામ પૂર્ણ થઈ જવા જોઈએ હતા, પરંતુ હવે વરસાદ દરમિયાન ખોદકામ થતાં લોકોને અનાવશ્યક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં રોજિંદી અવરજવર મુશ્કેલ બની ગઈ છે અને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે. વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓ પણ સતત ધૂળ, કાદવ અને અવરજવરની મુશ્કેલીથી પરેશાન છે.
ADVERTISEMENT
સ્થાનિકોએ તંત્ર પર આયોજનના અભાવનો આક્ષેપ કરતાં જણાવ્યું છે કે માત્ર ખાડા ખોદીને તેની આસપાસ બેરિકેડ મૂકી દેવું પૂરતું નથી. કામગીરી ઝડપથી પૂર્ણ કરીને રસ્તાઓને સુરક્ષિત બનાવવાની જરૂર છે. લોકોનું કહેવું છે કે લાંબા સમય સુધી અધૂરી કામગીરીના કારણે સામાન્ય નાગરિકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. વરસાદી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બની રહી છે, છતાં સમસ્યાના ઝડપી નિરાકરણ માટે અસરકારક પગલાં લેવામાં આવતા નથી.
ADVERTISEMENT
વાહનચાલકો અને સ્થાનિકોએ AMCના જવાબદાર અધિકારીઓને પોતે રસ્તા પર આવીને વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કરવાની સલાહ આપી છે. લોકોની માંગ છે કે અધૂરા પડેલા તમામ કામોને તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે, ઉખડેલા રસ્તાઓનું સમારકામ કરવામાં આવે અને ખોદાયેલા ખાડાઓ ઝડપથી પુરવામાં આવે. સાથે જ વરસાદી સિઝનમાં નાગરિકોની સુરક્ષા અને સુવિધાને પ્રાથમિકતા આપવામાં આવે, જેથી અકસ્માતના જોખમમાં ઘટાડો થાય અને લોકોને દૈનિક અવરજવરમાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.