બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / 'એમ તો હુંય નથી પીતો, પણ આ તો હમણાં જરા ચક્કર...' ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 27

વેવિશાળ / 'એમ તો હુંય નથી પીતો, પણ આ તો હમણાં જરા ચક્કર...' ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 27

ઝવેરચંદ મેઘાણી

Last Updated: 08:01 PM, 21 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

"તમે ઇસ્પિતાલે પડ્યા હતા ત્યારે મારે તબિયત જોવા આવવું હતું હો - સોંગદપૂર્વક કહું છું," એમ કહેતા કહેતા નાના શેઠ જે મુખભાવે જોઇ રહ્યા તેમાં લુચ્ચાઇ કરતાં બેવકૂફી જ વિશેષ હતી એવું સુખલાલને લાગ્યું.

"ઘરની રસોઇ ગમે તેવી મીઠી થાય, પણ ખરી ભૂખ તો રેસ્ટોરાંમાં જ છીપે છે - નહીં?" નાના શેઠ ખાતાં ખાતાં ભારી લિજ્જતથી પૂછવા લાગ્યા.

"મને બહુ અનુભવ નથી."

સુખલાલનો જવાબ ઠંડોગાર હતો. એને આ માણસ વધુ ને વધુ બેવકૂફ લાગ્યો હતો; પણ કોણ જાણે કેમ, એ માણસનો ચહેરો એ માણસની બધી બેવકૂફીને માફ કરવા લાયક બનાવી દેતો હતો. નાસ્તો ખાતો ખાતો સુખલાલ એ ચહેરામાં જ મશગૂલ હતો. આ ચહેરાની સાથે સુશીલાના ચહેરાને સરખાવીને એ સુશીલાના મોંની એક સો ને એક ખાંપણો એકઠી કરતો હતો, ને મનમાં મનમાં દાઝે બળી દાંત ભીંસતો હતો કે, સુશીલાને કોણ રૂપાળી કહી શકે? મારી તો ભૂખરાતેય એને રૂપાળી કહેવા તૈયાર નથી!

"તમે ઇસ્પિતાલે પડ્યા હતા ત્યારે મારે તબિયત જોવા આવવું હતું હો - સોંગદપૂર્વક કહું છું," એમ કહેતા કહેતા નાના શેઠ જે મુખભાવે જોઇ રહ્યા તેમાં લુચ્ચાઇ કરતાં બેવકૂફી જ વિશેષ હતી એવું સુખલાલને લાગ્યું.

સુખલાલે કશું પૂછ્યું નહીં - પૂછવાનો વિચાર કરવા પણ એનું મન નવરું નહોતું, કેમ કે એ તો લાગી પડેલો આ માણના મોંને ખોતરી ખોતરીને ત્યાં દટાયેલા સુશીલાના મોંને બહાર કાઢવા ! એણે ન પૂછ્યું તોપણ નાના શેઠે મોંમાં પાંઉરોટીનો ટુકડો મૂકતે મૂકતે કહ્યું: "તમે પૂછશો કે તો પછી કેમ ન આવ્યા? પણ શું કરું, ભાઇ! મોટાભાઇને લપછપ ઝાઝી ગમે નહીં ને! અરે, મારે ક્યાંઇક નાટક-સિનેમામાં જવું હોય તોય મોટાભાઇ રોકે કે, નાનુ, તારી આંખો બગડે, તારું પેટ બગડે, આ બગડે ને તે બગડે."

આ પણ વાંચો: 'હું પોતે માણસમાં નથી, માટે આ વેવિશાળમાંથી...' ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 3

પોતાની માંગણી અને નાટક-સિનેમા, બેઉને, એક જ કક્ષામાં ખપાવનારો આ ભૂતકાલીન સસરો ગજબ બેવકૂફ, ભાઇ! આની સાથે આજ ક્યાંથી પનારું પડ્યું ! આ તે વીશ વર્ષની છોકરીનો આડત્રીશેક વર્ષનો બાપ છે કે મોટાભાઇની આંગળીએ વળગીને સંસારમાં પા પા પગલી માંડતો કોઇ બચુડો છે! સુખલાલ કંટાળતો હતો - પણ વળી બીજી જ ક્ષણે એને દયા ખાવાનું દિલ થઇ આવતું.

ચા-નાસ્તો પતાવી લીધા પછી નાના શેઠે મોં પર બે આંગળીઓ મૂકવાની ઇશારત કરીને સુખલાલને પૂછ્યું: "તમને કાંઇ આનો વાંધો નથી ને?"

"હું નથી પીતો." સુખલાલ સિગારેટી વાત સમજી જઇને બોલ્યો.

"એમ તો હુંય નથી પીતો. પણ આ તો હમણાં જરા ચક્કર આવે છે, ને એટલે આંહીં આવીને એકાદ પીઉં છું - એકાદ, વધુ કોઇ દા'ડો નહીં, હો! મોટાભાઇને બહુ ચીડ છે. નાનપણમાં મને એક વાર મારેલો, હાડકાં ખોખરાં કરી નાખેલાં, એટલે આ તો આંહીં જરા દિલને ગોઠતું ન હોય તો વાત વિસારે પડે એટલા સારુ - અને તમને પણ વાંધો ન હોય તો જ હો !"

"મને કાંઇ વાંધો નથી."

"તો બસ - તો પછી બસ," એવું કહીને બેવકૂફ બાળકની અદાથી હસતે હસતે એણે વેઇટર પાસે એક સિગારેટ મંગાવીને સળગાળી. દરમિયાન સુખલાલ "હું હાથ ધોઇને આવું છું," એમ કહીને કૅબિનની બહાર ગયો. થોડી વારે પાછો આવીને બેઠો. પછી બન્ને જણ ઊઠીન બહાર નીકળ્યા. કાઉન્ટર (થડા) પાસે આવતાં નાના શેઠે પૈસા ચૂકવવા ગજવામાં હાથ નાખ્યો એટલે કહ્યું:

"ચાલો, હવે ચાલો."

"થોભો, હું બિલ ચૂકવી લઉં."

"એ તો થઈ ગયું !"

કાઉન્ટ પર બેઠેલો ઇરાની હસતો હતો.

નાના શેઠ થોડી વાર તો હાથમાં ઉઘાડેલું ખીસાપાકીટ અને તેમાંથી કાઢેલી રૂપિયા પાંચની નોટ ઝાલી થંભી જ ગયા, કાંઇ બોલી ન શક્યા. શરમિંદ બનીને ધીરે ધીરે નીચે ઊતર્યા ને એટલું જ બોલતા રહ્યા: "આ તો બહુ અઘટિત કર્યું, ભારી કર્યું, તમે મને છેતર્યો. મને સુશીલાએ કહેલું તે સાચું પડ્યું કે, બાપુ તમે તો બહુ ભોળા છો; કોઇક તમને છેતરી જશે."

આ પણ વાંચો: 'અમારા દેશમાં એક તાવને 'લવ ફિવર' કહે છે, તું દૂર રહેજે..', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 19

આ શબ્દો બોલતાં તો બોલાઇ ગયા, પણ સુશીલાના નામનો ઉચ્ચાર પોતે એવે સ્થાને કરી નાખેલ છે કે જો મોટાભાઇને ખબર પડે તો માથે માછલાં ધોવાય એવી એને દહેશત લાગી. એણે પોતાને જુદા પડવાનો ખાંચો આવ્યો ત્યારે 'જે જે' કર્યા, ક્યાં રહો છો, વગેરે પૂછી લીધું, ને એમ પણ કહી દીધું કે "હું આ સિવાય બીજા કોઇ રેસ્ટોરાંમાં જતો નથી. રોજ આ વખતે જાઉં છું, મને ફેરફાર કર્યા કરવાનું ગમતું જ નથી. કેબિન પણ બનતાં સુધી આજે આપણે બેઠા હા તેની તે જ. છેવાડાની કેબિન જ મને ફાવે છે."

સુખલાલે જવાબ ન દીધો, તોપણે નાના શેઠે કહી લીધું: "જો વાંધો ન હોય તો કોઇ કોઇ વાર આંહીં આવો ! મને બીજા કોઈ જોડે જવું ગમતું નથી. બીજા કોઇ જો બહુ બોલ બોલ કરે તો મારું માથું પાકી જાય છે. તમારા જેવા શાંત માણસ હોય તો આપણે બેઉ શાંત સ્વભાવના ભેગા થઇને કાંઇ પણ વસ્તુનો લોહીઉકાળો કર્યા વગર નિરાંત બેસીએ બે ઘડી-બીજું શું? કોઇને કહેવાની કાંઇ જરૂર નથી. મોટાભાઇ જરા આકરા છે ખરા ને !"

પોતાને મળતા નિમંત્રણનું ખરું રહસ્ય સુખલાય પારખી ગયો હતો. એટલે 'આપણ બેઉ શાંત માણસો' એવો ઉચ્ચાર સાંભળીને એણે માંડ-માંડ હસવું ખાળી રાખ્યું; સાચું રહ્સ્ય તો એક જ હતું - કે આ બેવકૂફ માણસને પોતાની કશા જ શકરવાર વગરની વાતો સાંભળવા કોઇક સાથી જોઇએ છે. બાકી તો આવા જડ પ્રકૃતિના માણસને કોઇ સૂક્ષ્મ પ્રકારની મનોવેદના હોવાનો સંભવ નથી. મને આંહીં નોતરવામાં એનો પ્રેમભવ તે શો હોય? છતાં તે સોબતનો સહેજ ભૂખ્યો છે. "જોઇશ" કહીને એ જુદો પડ્યો.

"વાત કહું," એમ કહેતા નાના શેઠ ચારે બાજુ ચકળવકળ જોતા જોતા પાછા સુખલાલની નજીક ગયા; જઇને પૂછ્યું: "ધંધામાં કાંઇ સગવડની જરૂર છે? હોય તો કહેજો હો !"

આ પણ વાંચો: "ગુનેગાર કોક, ને ગુનો ઓઢી લે વળી બીજું કોક..." ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 16

"હો." તિરસ્કારની એક લાગણી લઇને સુખલાલ ચાલી નીકળ્યો.

પણ એ તિરસ્કારની છાશ દયાના માખણની ચીકાશ વગરની નહોતી. સુખલાલને હૈયે આટલી જિંદગીમાં કોઇને માટે જે 'બિચારો' એવો ઉદ્ગાર નહોતો ઊઠ્યો (કારણ કે એની પોતાની જ જિંદગીમાં ભરપૂર બિચારાપણું પડેલું) તે ઉદ્ગાર પહેલવહેલો આ ભૂતકાળના 'થયા હોત' તે સસરાને માટે ઊઠ્યો. પછી બીજો વિચાર એને સારી પેઠે ચીડવનારો ખડો થયો : સુશીલાના બાપની બેવકૂફીની મેં અત્યારે જે બરદાસ કરી, તેની ખબર સુશીલાને ક્યાંથી પડવાની હતી ? એણે મારા બાપા આંહીં આવ્યા ત્યારે તેમને પ્રત્યે કેવી વર્તણૂક બતાવી હશે ! એના ધરથી મારા બાપ તુચ્છકાર લઇને જ ભગ્નહ્રદયે પાછા ગયા છે, એ વાત તો નક્કી ને? એ તુચ્છકારમાં સુશીલાએ કોણ જાણે કેવોય ભાગ ભજવ્યો હશે ! ન ભજવ્યો હોય તોપણ મારા પિતાનું વેર આ આખા કુટુંબને માથે વાળવાની અત્યારે જ તક હતી. એ તક મેં નાહકની જતી કરી છે. મારે એની પટકી પાડવી જોઇતી હતી; એવું કંઇક કહેવું જોઇતું હતું, કે જેથી આ માણસ પેઢી પર જઇ પોતાના મોટાભાઇ પાસે રોયા વગર રહી ન શકે. એવી થોડીક ગાળો વીણી વીણીને ચોપડાવવાની જરૂર હતી. તે દિવસ રાતે અમને વચન આપનાર કે 'કાલ આવજો, હું કાગળિયાં આપી દઇશ' તે માણસ વળતા દિવસે તો કુટુંબને પણ દેશમાં વળાવી નાખે છે, ને પોતેય પગ વચ્ચે પૂંછડી નાખીને બહારગામ ભાગી જાય છે - ત્યાંથી હજુ પાછો પણ આવેલ નથી - તે માણસ પર વેર વાળવાની ખરી તક ખોઇને મેં બેવકૂફે ઊલટાના રેસ્ટોરાંના પૈસા ચૂક્વ્યા !

બેવકૂફ તે હું કે આ સુશીલાનો બાપ ?

ઠીક છે. હવે કાલ વાત છે. બનશે તો કાલે ખુશાલભાઇને સાથે લઇને આવીશ. એ બાજુમાં હશે તો મને કાંઇક ચાનક ચડશે.

આ પણ વાંચો: 'શરમનો છાંટોય છે નફ્ફટને ! હું આંહીં ઊભી છું તેની પરવા પણ નથી કરતી', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 6

પણ નવાઇ તો મને આ થાય છે કે આવા નાદાન અને બીકણ માણસની દીકરી એટલી બધી નીડર ક્યાંથી નીવડી ! ને એ તો આવી ભોટ પણ નથી લાગતી. એ પણ પક્કી તો ખરી જ ને ! રાતે મને કહે છે કે, કાલે તમે આવશો ત્યારે વધુ વાતો કરશું. ને રાતની રાતમાં કોણ જાણે શો ગોટાળો વળી ગયો કે સવાર પડતાં જ ભાભુની સોડમાં ગરીને ભાગી નીકળી ! પક્કી લાગે છે, પક્કી. મારા પર ફક્ત ભાવ દેખાડતી હશે કે ખરેખર દિલમાં ભરેલ હશે ? ગમે તેમ હોય, પણ પેલો મોટો શેઠ જ્યાં એને પોતાની ઇસ્કામતના વારસાના ડુંગરા દેખાડતો હશે તે ઘડીએ જ એના અંતરના ભાવ સાવ થીજીને હિમ થઇ જતા હશે. એનેય એક વાર જો આ વિજયચંદ્ર જેવો તાલીમબાજ ભેટી જાય ને, તો મારા હ્રદયની પૂરેપૂરી દાઝ સંતોષાય. ભલે પછી ઇસ્કામતના ઢગલા ઉપર બેસીને માણ્યા કરે...

app promo3

આમ કલ્પનાના જગતમાં સુશીલાને બાપુકી ઇસ્કામતના ઢગલા પર બેસારીને પછી સુખલાલ એની બાજુમાં વિજયચંદ્રને બેસારે છે-પણ પછી શું? પછી એ બેઉ વચ્ચે શા શા સંસ્કારો ગુજરે તો સુશીલા પર દાઝ વળી રહે, એવું કલ્પતાં એના હાથમાં કશું આવતું નથી. એ નિરાશ થાય છે, કેમ કે સુશીલાના બાપ ભલે બેવકૂફ હોય, એનો મોટો બાપુજી એવા નાદાન ક્યાં છે કે વિજયચંદ્ર જેવાના હાથમાં વારસો સોંપી કરીને સૂઇ જાય ! બહુ બહુ તો વિજયચંદ્ર સાથે મેળ ન મળે, તો સુશીલા પાછી પિયરમાં આવીને જિંદીભર લહેર શું કામ ન કરી શકે ? એમાં મારું મોઢું મીઠું કરવા કયો ગળ્યો કોળિયો મને મળી જાય છે?

માટે આ સુશીલા-કુશીલા પર વેળ વાળવાની વાતો છોડીને હાલ જીવ, કાલથી પાછો વાસણ વેચવા મંડી જા. એક મહિના પછી હું રૂપિયા ૫૦નું બીજું રજિસ્ટર મોકલું તો જ ખરો મરદ. મા મારી હિંમતમાં આવીને ઉગરી જાય ને, તો હું આખી દુનિયાને પહોંચી વળીશ. 'દીકરાની વહુ' 'વહુ' કરતી મા, જો મરશે તો સુશીલા માથે દાઝ કાઢવી-ન કાઢવી બધું સરખું જ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati Literature Zaverchand Meghani Vevishal
ઝવેરચંદ મેઘાણી

ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે, એવા શ્રી ઝવેરચંદ મેઘાણીના નામથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હશે. સૌરાષ્ટ્રના ગામો ખૂંદીને અનેક લોકકથાઓ ઝવેરચંદ મેઘાણીએ આપણા સુધી પહોંચાડી છે. પત્રકાર, અનુવાદક, સાહિત્યકાર અને ઉંચા દરજ્જાના લેખક મેઘાણીએ ગુજરાતી ભાષાને સૌરાષ્ટ્રની રસધાર, જેલ ઓફિસની બારી, માણસાઈના દીવા સહિત સંખ્યાબંધ ઉત્તમ પુસ્તકો આપ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ