બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / '50 લાખ આપો નહીં તો લાશ મળશે' પરંતુ 3 દિવસ બાદ ખુલ્યું એવું રહસ્ય કે સૌ ચોંકી ગયા
Last Updated: 10:02 AM, 18 June 2026
કહેવાય છે ને કે પૈસાની લાલચ માણસને એવી રાહ પર લઈ જાય છે જ્યાં તે સાચા-ખોટાનો ભેદ પણ ભૂલી જાય છે. સુરતમાં પણ કંઈક આવું જ બન્યું. એક પત્ની પોતાના ગુમ થયેલા પતિની ચિંતામાં દિવસ-રાત આંસુ વહાવી રહી હતી, તો બીજી તરફ પોલીસ અપહરણકારોને શોધવા માટે રાત-દિવસ એક કરી રહી હતી. મોબાઈલમાં ધમકીભર્યા મેસેજ આવી રહ્યા હતા, 50 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી રહી હતી અને દરેકને લાગતું હતું કે કોઈ મોટું અપહરણકાંડ બન્યું છે. પરંતુ જ્યારે પોલીસ સત્યની નજીક પહોંચી ત્યારે જે હકીકત સામે આવી તેણે સૌને ચોંકાવી દીધા હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT
સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં સામે આવેલા આ કેસમાં 50 લાખ રૂપિયા મેળવવા માટે એક વ્યક્તિએ પોતાના જ અપહરણનું આખું નાટક રચી નાખ્યું હતું. શરૂઆતમાં આ ઘટના એક ગંભીર અપહરણ કેસ જેવી લાગી રહી હતી, પરંતુ પોલીસની સઘન તપાસમાં ધીમે-ધીમે રહસ્યના પડદા ઊંચકાતા ગયા. આખરે જે વ્યક્તિને અપહરણનો ભોગ માનવામાં આવી રહ્યો હતો, તે જ સમગ્ર કાવતરાનો માસ્ટરમાઈન્ડ નીકળ્યો હતો. આ ઘટનાએ માત્ર પરિવારજનોને જ નહીં પરંતુ પોલીસ તંત્રને પણ આશ્ચર્યમાં મૂકી દીધું હતું.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, ગત તા. 12/05/2026ના રોજ એક મહિલાએ પોતાના પતિ જીગ્નેશભાઈ તળાવિયા ગુમ થયા હોવાની ફરિયાદ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ફરિયાદ નોંધાયા બાદ મામલો વધુ ગંભીર ત્યારે બન્યો જ્યારે ગુમ થયેલા પતિના જ મોબાઈલ ફોનમાંથી પત્નીને હિન્દી ભાષામાં ધમકીભર્યો મેસેજ મળ્યો હતો. મેસેજમાં લખવામાં આવ્યું હતું કે, "એકાઉન્ટમાં 50 લાખ રૂપિયા નાખો, નહીં તો લાશ મળશે અને પોલીસને કીધું તો મારી નાખીશું." આ મેસેજ મળતા પરિવારજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. માત્ર એટલું જ નહીં, પરંતુ પત્નીના મોબાઈલમાં એવા ફોટા અને માહિતી પણ મોકલવામાં આવી હતી કે જાણે અપહરણકર્તાઓએ જીગ્નેશભાઈને બાંધીને રાખ્યા હોય અને તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો હોય.
ADVERTISEMENT
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ઉત્રાણ પોલીસની અલગ-અલગ ટીમોને તાત્કાલિક તપાસ માટે કામે લગાડવામાં આવી હતી. પોલીસે CCTV કેમેરાની તપાસ, હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ સહિતના આધુનિક સાધનોનો ઉપયોગ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
ADVERTISEMENT
તપાસ દરમિયાન મહત્વની કડીઓ મળતા પોલીસે તા. 15/05/2026ના રોજ ગુમ થયેલા જીગ્નેશભાઈ તળાવિયા (ઉંમર 36 વર્ષ)ને ગોધરા, જિલ્લા પંચમહાલ ખાતે આવેલી શિવ હોટેલમાંથી સહીસલામત શોધી કાઢ્યા હતા. શરૂઆતમાં અપહરણનો મામલો લાગતો આ કેસ પોલીસની પૂછપરછમાં સંપૂર્ણપણે અલગ જ દિશામાં ગયો હતો.

ADVERTISEMENT
ઉતરાણ પોલીસ દ્વારા કરવામાં આવેલી કડક પૂછપરછ દરમિયાન જીગ્નેશભાઈએ આખરે સત્ય કબૂલ્યું હતું. તપાસમાં ખુલાસો થયો કે દેવું ચૂકવવા અથવા પૈસા મેળવવાના હેતુથી તેમણે પોતે જ પોતાના અપહરણ અને ખંડણીનું આખું નાટક રચ્યું હતું. પરિવારજનો અને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ખોટા મેસેજ મોકલવામાં આવ્યા હતા અને અપહરણ જેવી સ્થિતિ ઉભી કરવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે આ પ્રકારની ખોટી માહિતી આપીને માત્ર પરિવારજનોને જ નહીં પરંતુ સમગ્ર પોલીસ તંત્રને પણ ભ્રમિત કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં પોલીસનો કિંમતી સમય, માનવબળ અને સરકારી સંસાધનોનો બિનજરૂરી ઉપયોગ થયો હતો. આથી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખોટી માહિતી આપવા અને ખોટા પુરાવા ઊભા કરવા બદલ જીગ્નેશ તળાવિયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023 (BNS)ની કલમ 212, 217 અને 233 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે સુરત પોલીસના DCP લખધીરસિંહ ઝાલાએ પણ વિગતો આપી હતી. પોલીસનું કહેવું છે કે કાયદાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને આવા ગુનાઓને કોઈ પણ સંજોગોમાં પ્રોત્સાહન આપવામાં આવશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.