Tuesday, August 20, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

વિવાદ / મ.પ્ર સરકારની આડોડાઇ નહીંતર ગુજરાતની જીવાદોરી નર્મદા આજે વહેતી હોત બેકાંઠે

મ.પ્ર સરકારની આડોડાઇ નહીંતર ગુજરાતની જીવાદોરી નર્મદા આજે વહેતી હોત બેકાંઠે

નર્મદાના પાણી વહેંચણીના મુદ્દે ફરીએકવાર મધ્યપ્રદેશ અને ગુજરાત સરકાર સામસામે આવી ગઈ છે. ગુજરાતે સરદાર સરોવર ડેમના દરવાજાની ક્ષમતા તપાસવા માટે મધ્યપ્રદેશ પાસે પાણી માગ્યું તો મધ્યપ્રદેશે પાણી આપવાના બદલે પાણી દેખાડવાનું શરૂ કર્યું.

ઉલ્લેખનીય છે કે,  ડેમની સર્વોચ્ચ સપાટી સુધી પાણી ભરાય તો જ ડેમના દરવાજાની ક્ષમતા જાણી શકાય તેમ છે પરંતુ મધ્યપ્રદેશ સરકારે પાણી છોડવાનો ઇનકાર કરી દીધો છે. મધ્યપ્રદેશે કેમ કર્યો છે ઈનકાર અને કેમ સર્જાયો જળવિવાદ જોઈએ આ અહેવાલમાં. 

રાજ્યમાં હાલ ચોમાસાએ વિલંબ સર્જ્યો છે. એટલે નર્મદા ડેમમાં પાણીની આવક ઘટી ગઈ છે પરિણામે સરકારે હવે મધ્યપ્રદેશ તરફ નજર દોડાવી છે. સરકારનું માનવું છે કે, જો મધ્યપ્રદેશ નર્મદા નદીમાં પાણી છોડે તો નર્મદાડેમના દરવાજાની ક્ષમતા તપાસી શકાય. પરંતુ મધ્યપ્રદેશ સરકારે નર્મદા ડેમમાં પાણી છોડવાનો ધરાર ઈનકાર કરી દીધો છે. મધ્યપ્રદેશની કોંગ્રેસી સરકારે સ્પષ્ટ કહી દીધું કે, પાણીના બદલામાં જે વીજળી મળવી જોઈએ, તે નથી મળી રહી. જેના કારણે મધ્યપ્રદેશ ગુજરાતમાં નર્મદાનું પાણી નહી આપે.

 MPના સીએમ કમલનાથે કહ્યું ગુજરાત નિયમ કરતાં વધુ પાણી ના માંગે

નર્મદાડેમ માટે પાણી છોડવાના મધ્યપ્રદેશના ઈનકાર બાદ બન્ને રાજ્યોની સરકારો સામ સામે આવી ગઈ છે. મધ્યપ્રદેશ સરકારના આ  પ્રકારના વલણને ગુજરાત સરકારે રાજકીય બદ ઈરાદો ગણાવ્યો છે. મુખ્યમંત્રી વિજયરૂપાણીએ કહ્યું કે,કોર્ટના આદેશ મુજબ પાણી મેળવવું તે ગુજરાત સરકારનો અધિકાર છે, 2024 સુધી કોઈ એક બીજાને ઓછું પાણી ન આપી શકે. 

એક તરફ નર્મદા મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી મધ્યપ્રદેશ સરકાર સામે આક્રમક હતા તો બીજી તરફ રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આ મામલે ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું. ભાજપના નેતાઓનો આક્ષેપ  હતો કે આ મામલે રાજ્યની કોંગ્રસ સરકાર મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર સાથે કૂણુવલણ ધરાવે છે. ભાજપના પ્રવક્તા ભરત પંડયાએ તો આ મુદ્દે ચૂપ રહેલી કોંગ્રેસને ખેડૂત વિરોધી ગણાવી દીધી. એટલું જ નહીં રાજ્યહિતના પુરાવા આપવા તેમણે ગુજરાત કોંગ્રેસને કમલનાથ સામે ધરણા કરવાની સલાહ પણ આપી દીધી. પરંતુ કોંગ્રેસે ભાજપના આ આક્ષેપોનો જે જવાબ આપ્યો તેણે ભાજપને બચાવની મુદ્રામાં લાવી દીધો છે. કોંગ્રેસે ભાજપને રોકડું પરખાવી દીધું કે ખેડૂતોને પાણી આપવામાં અને કેનાલ નેટવર્ક સમયસર પૂરું કરવામાં નિષ્ફળ રહેલી સરકાર રાજ્યના નાગરિકોનું ધ્યાન ભટકાવી રહી છે.  
 

નર્મદા જળ વિવાદ મામલે CM રૂપાણીએ કહ્યું- મધ્યપ્રદેશ પાણી મુદ્દે રાજકારણ ન કરે

આપને જણાવી દઇએ કે, અહીં રાજ્યમાં ભાજપ નર્મદાના પાણી મુદ્દે જેટલા મધ્યપ્રદેશ સામે આક્રમકતા નથી દર્શાવાતી તેટલી ગુજરાત કોંગ્રેસ પર  આક્ષેપો કરી રહી છે. જેના કારણે આ વિવાદ જાણે ગુજરાતની કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. પરંતુ રાજ્યોના નાગરિકોએ હકીકત જાણવી જરૂરી છે. નર્મદા પાણીની રાજ્યોવાર વહેંચણી 1979ના સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે કરવામાં આવી રહી છે. જળ વહેચણીની સમીક્ષા 2024 બાદ જ થઈ શકે તેમ છે.  

હાલ ગુજરાતને આ યોજનાથી 9 મિલિયન એકર ફૂટ પાણી આપવાની જોગવાઈ છે. તો  મધ્ય પ્રદેશને ફાળે 18.25 મિલિયન એકરફૂટ પાણી જાય છે. રાજસ્થાનને 0.50મિલિયન એકરફૂટ  પાણી આપવાની શરત છે. તો  મહારાષ્ટ્ર 0.25 મિલિયન એકરફૂટ પાણીનું હકદાર છે. ચોમાસું અને પ્રાપ્ત જથાના પ્રમાણે રાજ્યોને વધતા ઓછો પ્રમાણમાં પાણી મળે છે. એ જ પ્રમાણે નર્મદા નદી પર સ્થાપવામાં આવેલા વિદ્યુત મથકોમાંથી ઉત્પન્ન થતી વીજળીની વહેંચણીની વાત કરીએ તો ગુજરાત 16 ટકા વિજળી મેળવવાનું હકદાર છે.  

સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો, 27 હજાર ક્યૂસેક પાણીની આવક

તો મહારાષ્ટ્રને 27 ટકા વીજળી મેળવે છે. અને મધ્યપ્રદેશને ભાગે 57 ટકા વીજળી આવે છે. પરંતુ આજે દેશમાં  મેઘરાજા રિસાયા છે. અને આ તરફ પાણીનું રાજકારણ શરૂ થયું છે. લોકો માટે જીવન એવા પાણીને પક્ષાપક્ષીનો  સાપ  દંશી ગયો છે. જળવિતરણ અને વીજવિતરણ કાયદાનો કોણ ભંગ કરી રહ્યું છે તે તો નર્મદા વોટર ડિસ્ટ્રીબ્યૂરી પંચને ખબર. પરંતુ આ મુદ્દે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ હમણાં ઝુકવાના મૂડમાં નથી.  

પાણીની આ  કાયદાકીય લડાઈમાં કોણ જીતશે તે તો  ભવિષ્યમાં ખબર પડી જશે. આ આવા વિવાદ પણ સામાન્ય જનસમૂહને ન સમજાય તેવા હોય છે. પરંતુ જનતાને એટલી તો ખબર પડે  જ છે કે, પક્ષાપક્ષીનું રાજકારણ જ પાણીના જ નહીં નાગરિકોના જીવનના પ્રવાહો પણ નક્કી કરી નાખે છે.  

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ