બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ramayana lord ram ravan vibhishan

ધર્મ / રામાયણઃ જ્યારે વિભિષણે રામ ભગવાનને રાવણના મૃત્ય અંગેનું જણાવ્યું રહસ્ય

Divyesh

Last Updated: 03:21 PM, 11 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાવણે વિરાટ રાક્ષસ સેના સાથે યુદ્ધ ભૂમિ તરફ પ્રયાણ કર્યું. ચોતરફ એમનાં શંખ મૃદંગનો ધ્વનિ અને રાક્ષસોનો કોલાહલ ગાજી રહ્યો. રાવણે યુદ્ધ ભૂમિમાં પગ મૂકતાં જ વાનરોનો સંહાર શરૂ કર્યો. તેથી વાનરો ડરના માર્યા નાસભાગ કરવા લાગ્યા.રાક્ષસ સેના અને વાનર સેના વચ્ચે સતત તેર તેર દિવસથી યુદ્ધ ચાલી રહ્યું હતું.

એ યુદ્ધનો ચૌદમો દિવસ આવ્યો. રાવણની નજર સામે જ બલિષ્ઠ રાક્ષસ વીરો હણાઈ ગયા. તેથી રાવણ મુંઝાઈ ગયો. હવે રામ લક્ષ્મણનો વધ કરવો એ જ તેનું મુખ્ય લક્ષ્ય હતું. હજારો વાનરો ભેદી ન શકાય તેવી દીવાલની જેમ રામની આગળ ગોઠવાયેલા હતા. રાવણે 'તમસ' નામના અસ્ત્ર વડે એમને ભસ્મીભૂત કરવા માંડ્યા. તેથી વાનરો આઘાં પાછાં થઈ ગયાં.

લક્ષ્મણે રાવણને રોકવા અસંખ્ય બાણો વરસાવ્યાં પણ રાવણ લક્ષ્મણનાં બાણોને અટકાવીને રામ સામે પહોંચી ગયો.રામ અને રાવણ વચ્ચે ઘોર સંગ્રામ થયો. રામે રાવણ પર રૌદ્રાસ્ત્ર અને આગ્નેયાસ્ત્રનો પ્રયોગ કર્યો. રાવણે રામની ઉપર માયાસુરનું અસ્ત્ર ચલાવ્યું. રામે એને ગંધર્વ અસ્ત્ર વડે નિષ્ફળ બનાવી દીધું.

હવે રાવણે સૂર્યાસ્ત્રનો પ્રયોગ કર્યો. એમાંથી મોટાં મોટાં તેજ વલયો નીકળતાં હતાં. રામે એના ટુકડે ટુકડા કરી દીધા. રામ અને રાવણ બંને લડતાં લડતાં સારી પેઠે ઘાયલ થઈ ગયા હતા. એવામાં લક્ષ્મણે રાવણનું ધનુષ્ય તોડી નાખ્યું અને તેના સારથિનું મસ્તક ઉડાવી દીધું. વિભીષણે રાવણના રથના અશ્વોને ઢાળી દીધા.રાવણને ભારે હાનિ થતાં એ છંછેડાઈ ગયો. તેણે વિભીષણની ઉપર બે વખત દિવ્ય શક્તિનો ઉપયોગ કર્યો.

એને બચાવવા જતાં લક્ષ્મણ એ શક્તિનો ભોગ બન્યા અને મૂર્છિત થઈ ઢળી પડ્યા. રામે લક્ષ્મણની છાતીમાંથી એ શક્તિ બહાર ખેંચી કાઢી.ત્યાર પછી રામે રાવણ પર ભારે બાણ વર્ષા કરી. રાવણ એનો જીવ બચાવવા નાસી ગયો. પછી રામ લક્ષ્મણ પાસે આવ્યા. લક્ષ્મણને બેહોશ અને લોહી લુહાણ થઈ ગયેલા જોઈને એ વ્યથિત થઈ ગયા. સુષેણે એમને સાંત્વન આપીને સંજીવની ઔષધિ વડે લક્ષ્મણનો ઉપચાર કર્યો. લક્ષ્મણ પાછો ભાનમાં આવ્યો ત્યારે રામના જીવમાં જીવ આવ્યો.

રાવણનો વધ
રાવણ નવાે રથ અને સારથિને લઈને રણ ભૂમિ પર આવી પહોંચ્યો. રામ જમીન પર ઊભા રહીને એની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેથી ઇન્દ્રે પોતાના સારથિ માતલિ સાથે એક દિવ્ય રથ રામની પાસે મોકલી આપ્યો. રામ તેમાં સવાર થયા. ત્યાર પછી રામ અને રાવણ વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું.રાવણે રામની ઉપર શૂળનો પ્રહાર કર્યો.

રામે ઇન્દ્રની શક્તિ વડે એને નિષ્ફળ બનાવ્યું. એમનાં શસ્ત્રો એકબીજા સાથે અથડાતાં હતાં ત્યારે પ્રચંડ અવાજો થતા હતા. રામે એક બાણ વડે રાવણનું એક મસ્તક છેદી નાખ્યું. રાવણ દશાનન હતો. એને દસ માથાં હતાં. તેણે એવી માયાજાળ બિછાવી હતી કે તેનું એક મસ્તક કપાઈ જાય તો તેને સ્થાને તરત જ બીજું મસ્તક આવી જતું. રામે એની છાતીમાં અનેક બાણો માર્યાં. તે છતાં રાવણ ઉપર તેની કશી અસર ન થઈ. આથી રામે વિભીષણ સામે જોયું.વિભીષણને રાવણના મૃત્યુનું રહસ્ય રામને જણાવ્યું, "રાવણની નાભિમાં સંજીવની છે. તેની નાભિમાં બાણ મારશો તો જ એ મરશે."

આ સાંભળી રામે નિશાન તાકી બાણ છોડ્યું - બાણે રાવણની નાભિ વીંધી કાઢી. એમાં રહેલું સંજીવની દ્રવ્ય બહાર નીકળી ગયું ને રાવણ મરણને શરણ થઈ ઢળી પડ્યો. રાવણનો વધ થઈ જવાથી રાક્ષસો રણભૂમિ પરથી નાસી છૂટ્યા.લંકામાં રાવણ વધના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા. એથી આખા નગરમાં હાહાકાર મચી ગયો.

રાવણની પટરાણી મંદોદરી અને અંતઃપુરની સમસ્ત રાણીઓ હ્રદયસ્પર્શી રુદન કરતી કરતી રાવણના મૃતદેહની પાસે દોડી આવી. તેમણે રાવણના સદ્દગુણો અને તેના બાહુબળની પ્રશંસા કરતાં કરતાં ભારે રોકકળ કરી મૂકી. વિભીષણ પણ વિલાપ કરવા લાગ્યો. રામે તેને સમજાવીને શાંત કર્યો અને તેને રાવણની અંતિમ ક્રિયા કરવાનું સૂચન કર્યું.વિભીષણે રાવણની રાણીઓ આશ્વાસન આપ્યું. પછી વિભીષણે એક પવિત્ર સ્થાનમાં તેના ભાઈના પાર્થિવ દેહનો અગ્નિ સંસ્કાર કર્યો. • 
- શાસ્ત્રી હિમાંશુ વ્યાસ
 

સંકળાયેલા મુદ્દાઓ

Ram Ramayana Ravana રામ રામાયણ રાવણ religious
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ