Odisha Train Accident News: ઓડિશા પોલીસે કહ્યું છે કે, કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવાનો કરી રહ્યા છે પ્રયાસ
બાલાસોરમાં દર્દનાક ટ્રેન દુર્ઘટના બાદ ઓડિશા પોલીસ એક્શનમાં
લોકો ટ્રેન દુર્ઘટના વિશે કોઈપણ પ્રકારની ભ્રામક પોસ્ટ શેર કરવાનું ટાળે
કેટલાક આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવાનો કરી રહ્યા છે પ્રયાસ: ઓડિશા પોલીસ
ઓડિશાના બાલાસોરમાં દર્દનાક ટ્રેન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ તરફ દુર્ઘટના પછી રવિવારે (4 જૂન) ઓડિશા પોલીસે એક નિવેદન જાહેર કર્યું છે. ઓડિશા પોલીસ કહ્યું છે કે, કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે, તેઓ ટ્રેન દુર્ઘટના વિશે કોઈપણ પ્રકારની ભ્રામક પોસ્ટ શેર કરવાનું ટાળે.
ઓડિશા પોલીસે કહ્યું કે, ખોટી અને ગેરમાર્ગે દોરનારી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સમુદાયોને એકબીજા વિરુદ્ધ ઉશ્કેરવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
શું કહ્યું ઓડિશા પોલીસે ?
ઓડિશા પોલીસે નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, અમે તમામ લોકોને અપીલ કરીએ છીએ કે, જેઓ અકસ્માત અંગે ખોટી સોશિયલ મીડિયા પોસ્ટ્સ શેર કરી રહ્યાં છે, તેઓ આમ કરવાથી દૂર રહે. ખોટી અફવાઓ ફેલાવીને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ટ્રેન અકસ્માતનું કારણ અને અન્ય તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
We appeal to all concerned to desist from circulating such false and ill-motivated posts. Severe legal action will be initiated against those who are trying to create communal disharmony by spreading rumours.
અશ્વિની વૈષ્ણવે આ અકસ્માતના કારણ વિશે શું કહ્યું ?
અકસ્માત અંગે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, અકસ્માતનું સાચું કારણ જાણી લેવામાં આવ્યું છે અને તેના માટે જવાબદાર દોષિતોની ઓળખ કરી લેવામાં આવી છે. બાલાસોર જિલ્લામાં દુર્ઘટના સ્થળે હાજર હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, તે (અકસ્માત) ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ અને પોઈન્ટ મશીનમાં કરવામાં આવેલા ફેરફારને કારણે થયો હતો. આ સાથે અધિકારીઓએ કોરોમંડલ એક્સપ્રેસના ડ્રાઈવરને પણ ક્લીનચીટ આપી હતી અને કહ્યું હતું કે તેની પાસે આગળ વધવાની ગ્રીન સિગ્નલ હતી અને તે અનુમતિથી વધુ ઝડપે ટ્રેન ચલાવી રહ્યો ન હતો.
ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં 275 લોકોના મોત
નોંધનીય છે કે, શુક્રવારે (02 જૂન) બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ અને એક માલસામાન ટ્રેનને સાંકળતી આ ભયાનક દુર્ઘટના લગભગ સાંજે 7 વાગ્યે થઈ હતી, જેમાં ઓછામાં ઓછા 275 લોકોના મોત થયા હતા અને 1,100 થી વધુ ઘાયલ થયા હતા.