Navjivan co-operative society was a fraud in Gujarat Rajasthan
છેતરપિંડી /
અમદાવાદમાં અહીં તમે રોકાણ કર્યું છે તો તમારા રૂપિયા ડૂબ્યાં
Team VTV03:36 PM, 20 Nov 19
| Updated: 03:47 PM, 20 Nov 19
બેન્ક કરતાં ઊંચું વ્યાજ આપવાની લોભામણી લાલચ આપીને અલગ અલગ યોજનાઓ પર કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર રાજસ્થાનના બાડમેરની નવજીવન ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીના સંચાલકો વિરુદ્ધમાં ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ છે. ઇસનપુરમાં ૨૦૦થી ૨૫૦ લોકોને રિકરિંગ ડિપોઝિટ, બીટિયા ભવિષ્યનિધિ જેવી યોજના સમજાવીને ૧.૨૦ કરોડ રૂપિયા પડાવી લીધા હતા. ગુજરાત અને રાજસ્થાનમાં કુલ ૩૫૦ બ્રાંચ બંધ થઇ જતાં સમગ્ર કૌભાંડનો આંકડો ૩૦૦ કરોડને પાર થાય તેવી શક્યતા છે.
ઊંચું વ્યાજ અને પાકતી રકમ આપવાનું કહીને ફસાવતા
રાજસ્થાન અને ગુજરાતમાં ૩૫૦ બ્રાન્ચ
રાજસ્થાનમાં નવજીવનનું ઉઠમણું
રામોલ વિસ્તારમાં સોહમ સાંનિધ્ય ફ્લેટ રહેતા રોનક પટેલે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં રાજસ્થાનની નવજીવન ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીના સંચાલકો વિરુદ્ધમાં છેતરપિંડીની ફરિયાદ કરી છે. રોનક પટેલ વર્ષ ૨૦૧૫થી નવજીવન ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીમાં માર્કેટિંગ મેનેજર તરીકે નોકરી કરતા હતા.
ઊંચું વ્યાજ અને પાકતી રકમ આપવાનું કહીને ફસાવતા
ઇસનપુર અને તેના આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને શેર કેપિટલ ડિપોઝિટ, રિકરિંગ ડિપોઝિટ, ફિક્સ ડિપોઝિટ, ડેઈલી ડિપોઝિટ, નવજીવન સિલ્વર કાર્ડ, નવલક્ષ્મી બોર્ડ તથા બીટિયા ભવિષ્યનિધિ યોજના જેવી અલગ અલગ યોજનાઓ સમાજાવીને બેન્ક કરતાં ઊંચું વ્યાજ અને પાકતી રકમ આપવાનું કહીને નવજીવન ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીમાં રૂપિયા ભરવા માટે રોનક પટેલ સમજાવતા હતા.
રાજસ્થાન અને ગુજરાતમાં ૩૫૦ બ્રાન્ચ
વર્ષ ૨૦૧૫થી ૨૦૧૯ સુધી નવજીવન ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીની ઇસનપુર બ્રાન્ચમાં ૨૦૦થી ૨૫૦ લોકોએ ૧.૨૦ કરોડ રૂપિયા ભર્યા હતા. નવજીવન ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીની રાજસ્થાન અને ગુજરાતમાં ૩૫૦ બ્રાન્ચ છે. જેની મેઇન ઓફિસ બાડમેરમાં આવેલી છે. જુલાઇ મહિનામાં નવજીનવ ક્રેડિટ સોસાટીનું મુખ્ય સર્વર બંધ થઇ જતાં તમામ વ્યવહારો અટવાઇ ગયા હતા અને તમામ કર્મચારીઓના પગાર પણ રોકાઇ ગયા હતા જેથી.
રાજસ્થાનમાં નવજીવનનું ઉઠમણું
રોનક પટેલે હેડ ઓફિસમાં ફોન કર્યો હતો. જેથી થોડાક દિવસોમાં સર્વર શરૂ થઇ જશે તેવી બાંયધરી આપી હતી. સર્વર શરૂ નહીં થતાં તેમણે ફરીથી હેડ ઓફિસમાં ફોન કર્યો હતો. જોકે કોઇએ ફોન નહીં ઉપાડતાં તેમણે ગુજરાતના જનરલ મેનેજરનો સંપર્ક કર્યો હતો. ગુજરાતના મેનેજર ચંદ્રભૂષણ વ્યાસે બાડમેર જઇને તપાસ કરી તો જાણવા મળ્યુે હતુંકે નવજીનવ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીનું ઊઠમણું થઇ ગયું છે.
રાજકોટમાં CIDમાં ફરિયાદ
રોનકે તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે, રાજકોટમાં પણ નવજીનવ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીએ કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવતાં સીઆઇડીમાં ફરિયાદ થઇ છે. રોનક પટેલે નવજીવન સોસાયટીના એમ.ડી ગિરધરસિંગ સોઢા, મુખ્ય સલાહકાર સંતોષ જોષી, ચીફ જનરલ મેનેજર જોગેન્દરસિંગ રાઠોડ, દિનેશ શર્મા સિનિયર જનરલ મેનેજર, પરષોતમ જાંગડ અને પવન જોશી વિરુદ્ધમાં ફરિયાદ કરી છે.
રાજસ્થાન અને ગુજરાતમાં આ આંકડો ૩૦૦ કરોડ રૂપિયાને પાર
પોલીસે આ મામલે ૧.૨૦ કરોડ રૂપિયાની ચીટિંગનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માત્ર ઇસનપુરની બ્રાંચમાં ૧.૨૦ કરોડની ચીટિંગની ફરિયાદ થઇ છે ત્યારે રાજસ્થાન અને ગુજરાતમાં આ આંકડો ૩૦૦ કરોડ રૂપિયાને પાર કરે તેવી શક્યતા છે. લોકોને યોજનાઓની લાલચ આપીને હજારો લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લીધા છે.