પોલિટિક્સ /
એના ખર્ચે જ એને હરાવવાનો...: જસદણ બાદ મોરબીની AUDIO CLIP વાયરલ થતાં રાજકારણ ગરમાયું
Team VTV11:58 AM, 07 Dec 22
| Updated: 12:57 PM, 07 Dec 22
જસદણના BJP ઉમેદવાર કુંવરજી બાવળીયાને હરાવવાની વાતચીતનો ઓડિયો વાયરલ થયા બાદ હવે મોરબીના ભાજપ ઉમેદવાર કાંતિ અમૃતિયાને હરાવવાનો ઓડિયો વાયરલ થતા રાજકારણમાં ગરમાવો.
જસદણ બાદ હવે મોરબીનું રાજકારણ ગરમાયું
કાંતિ અમૃતિયાને હરાવવાનો ઓડિયો વાયરલ
ઓડિયોમાં કોંગ્રેસ ઉમેદવારને મત આપવાનો ઉલ્લેખ!
આવતીકાલે 8 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. ત્યારે એ પહેલાં બે ઓડિયો ક્લિપ વાયરલ થતા ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. જસદણ બાદ હવે મોરબીના ભાજપ ઉમેદવાર કાંતિ અમૃતિયાને હરાવવાનો એક ઓડિયો વાયરલ થયો છે.
ઓડિયોમાં ચૂંટણીના દિવસે કોંગ્રેસ ઉમેદવારને મત આપવાનો ઉલ્લેખ!
મોરબીના ભાજપ ઉમેદવાર કાંતિ અમૃતિયાને હરાવવાનો એક ઓડિયો વાયરલ થયો છે. આ ઓડિયોમાં કાંતિ અમૃતિયાને હરાવવાની વાતચીત ચાલી રહી છે. ઓડિયોમાં મુંગા મોઢે મારવાની વાતચીત થઇ રહી છે. આ સાથે ઓડિયોમાં ચૂંટણીના દિવસે કોંગ્રેસ ઉમેદવારને મત આપવાનો પણ ઉલ્લેખ કરાયો છે. આ ઓડિયોમાં ભાજપના 2 કાર્યકરો વચ્ચે વાતચીત થઇ રહી છે. ઘાટીલા ગામના આગેવાન સાથે સહકારી ક્ષેત્રના આગેવાને ચર્ચા કરી હોવાની આશંકા સેવાઇ રહી છે.
જુઓ ઓડિયો ક્લિપમાં શું થઇ વાતચીત?
ગઇકાલે જસદણના BJP ઉમેદવાર કુંવરજી બાવળીયાને હરાવવાનો ઓડિયો થયો હતો વાયરલ
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પણ જસદણના ભાજપ ઉમેદવાર કુંવરજી બાવળીયાને હરાવવાની વાતચીતનો ઓડિયો વાયરલ થયો હતો. જેના લીધે જસદણ-વિછીયાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગઇકાલે ભાજપના બે કાર્યકરો વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થવા મુદ્દે કુંવરજી બાવળીયા અને પ્રદીપસિંહ વાઘેલાની પ્રતિક્રિયા પણ સામે આવી હતી.
ચૂંટણી વખતે મારી વિરૂદ્ધમાં કામ કરાયું: બાવળીયા
કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, 'આજે ગજેન્દ્રભાઈ રામાણીની ઓડિયો ક્લિપ મને સાંભળવા મળી. આ ઓડિયો ક્લિપ સાબિત કરી બતાવે છે કે તેમણે ચૂંટણી વખતે મારી વિરુદ્ધમાં ખુલ્લેઆમ કામ કર્યું છે.'
ભાજપના કાર્યકરો સાંકેતિક ભાષામાં કોંગ્રેસના ઉમેદવારને મત આપવા પ્રચાર કરતા: બાવળીયા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગજેન્દ્રભાઈ રામણીવાળી ટોળકીએ મતદાન વખતે અને એ પહેલા પણ ખુલ્લેઆમ પાર્ટી વિરુદ્ધમાં કોંગ્રેસના ઉમેદવારને મત આપવા માટે સાંકેતિક ભાષામાં પ્રચાર કર્યો છે. આ ઓડિયો ક્લિપ હું હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરીશ. જે રીતે ગજેન્દ્રભાઈ બોલે છે તેનાથી સાબિત થાય છે કે આની પાછળ ભરત બોઘરા કામ કરી રહ્યાં છે.'
ભાજપના કાર્યકર્તા શિસ્તબદ્ધ સૈનિકો છે: પ્રદીપસિંહ વાઘેલા
જસદણની ઓડિયો ક્લિપ મામલે પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની પણ પ્રતિક્રિયા સામે આવી હતી. તેઓએ જણાવ્યું કે, ભાજપના કાર્યકર્તા શિસ્તબદ્ધ સૈનિકો છે. કાર્યકરોના પરિશ્રમના કારણે સરકાર બને છે. અમૂક જગ્યાએ કાર્યકર્તા આશિસ્તમાં હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આવા કાર્યકર્તા વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. જોકે, VTV ન્યુઝ આ બંને વાયરલ ઓડિયોની પુષ્ટિ નથી કરતું.