બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / મોંઘા ભાવના ફ્લેટ્સ બની ગયા, પણ પાણી જવાનો રસ્તો બનાવવાનું તંત્ર ભૂલી ગયું! શેલા-બોપલમાં આખરે કોણે કરી બેદરકારી?
Last Updated: 02:54 PM, 4 August 2026
Ahmedabad Bopal Ghuma Rain : એક સમય હતો જ્યારે અમદાવાદમાં વરસાદ પડતો એટલે ઓઢવ, નરોડા, અમરાઈવાડી કે બાપુનગરમાં પાણી ભરાય તેવી ચર્ચા થતી. હવે તસવીર બદલાઈ ગઈ છે. કરોડોના ફ્લેટ, ગેટેડ સોસાયટીઓ અને હાઈ-એન્ડ ટાઉનશિપ ધરાવતા શેલા-બોપલ-ઘુમા જેવા પોશ વિસ્તારો પણ થોડા કલાકના વરસાદમાં જ તળાવ બની જાય છે. પ્રશ્ન માત્ર પાણી ભરાવાનો નથી, પ્રશ્ન એ છે કે સેંકડો કરોડના બજેટ બાદ પણ આ વિસ્તારોનું પ્લાનિંગ ક્યાં ખૂટ્યું? ભૂલ કોની છે?
ADVERTISEMENT
શેલા-બોપલમાં છેલ્લા દસેક વર્ષમાં સૌથી વધુ રહેણાંક વિકાસ થયો છે. કરોડો રૂપિયાના ફ્લેટ, વૈભવી બંગલાં, પહોળા રસ્તાઓ અને આધુનિક ટાઉનશિપ ઊભી થઈ ગઈ, પરંતુ વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી સ્ટોર્મ વોટર નેટવર્ક પૂરું જ બનાવાયું નહીં. સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદનું પાણી તો મોટી માત્રામાં વિસ્તારમાં આવે છે, પરંતુ તેને બહાર કાઢવા માટે જરૂરી સબસિડિયરી લાઇનો મુખ્ય નેટવર્ક સાથે જોડવામાં આવી નથી. પરિણામે થોડા કલાકના વરસાદમાં આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે.
ADVERTISEMENT
સ્થાનિકોના કહેવા મુજબ બોપલ-ઘુમા મનપામાં ભળ્યાને પાંચ વર્ષ થઈ ગયા, છતાં ઔડાના સમયની જૂની ડ્રેનેજ લાઇનો આજે પણ યથાવત છે. જે નેટવર્ક વર્ષો પહેલાંના ગામ માટે બનાવાયું હતું, એ જ નેટવર્ક આજે હજારો ફ્લેટ અને લાખોની વસતીનો ભાર સહન કરી રહ્યું છે. પરિણામે વરસાદ વધતાં જ ડ્રેનેજ સિસ્ટમ ઠપ્પ થઈ જાય છે અને પાણી સીધું લોકોના ઘરમાં ઘૂસી જાય છે.
ADVERTISEMENT
શેલા વિસ્તારમાં મોટી સંખ્યામાં ખાળકૂવા હોવાથી વરસાદી પાણીનો નિકાલ તેની ઉપર નિર્ભર રહે છે. પરંતુ ભારે વરસાદમાં ખાળકૂવા પોતાની ક્ષમતા ગુમાવી દે છે.
ADVERTISEMENT
સ્થાનિક જશુભાઈ પટેલનું કહેવું છે કે,
"અહીં સ્ટોર્મ વોટર લાઇન નાખેલી છે, પણ મેઇન લાઇન સાથે હજુ જોડવાની બાકી છે. વરસાદનું પાણી જાય ક્યાંથી? ખાળકૂવાની ક્ષમતા ઓછી પડે એટલે આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે."
ADVERTISEMENT
અર્થાત્ કરોડો ખર્ચીને પાઇપ તો નખાઈ, પરંતુ તેને જોડવાનું જ ભૂલી જવાયું.
'બે કલાક વરસાદ પડે એટલે ઘરે પહોંચવું મુશ્કેલ બની જાય'
ADVERTISEMENT
બોપલના રહેવાસી પ્રણવ ગાંધી માટે વરસાદ હવે રાહત નહીં, પરંતુ મુશ્કેલીનું નામ બની ગયો છે.
પ્રણવભાઈ આક્રોશ સાથે કહે છે,
"વરસાદ પડે એટલે ઓછામાં ઓછા બે કલાક સુધી ભારે હાલાકી થાય છે. વચ્ચે રસ્તામાં ગાડી મૂકીને ચાલતા ઘરે આવવું પડે છે. અહીં રહેવા આવ્યા ત્યારે કલ્પના પણ નહોતી કે આવી સ્થિતિનો સામનો કરવો પડશે."
કરોડો રૂપિયા ખર્ચીને ખરીદેલું ઘર જ્યારે વરસાદમાં ટાપુ બની જાય, ત્યારે સ્માર્ટ સિટીનો અર્થ શું રહે?
વોટર એન્ડ સુએજ કમિટીના ચેરમેન ધરમશી દેસાઈએ સ્વીકાર્યું કે બોપલ-ઘુમા વિસ્તારમાં કેટલાક ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર નેટવર્કના કનેક્શન અધૂરા છે. તેમણે જણાવ્યું કે ઘુમા અને બોપલના તળાવો સાથે સ્ટોર્મ વોટર નેટવર્ક જોડવાની કામગીરી હાથ ધરાઈ છે. ઉપરાંત જ્યાં જરૂર પડશે ત્યાં જૂની ડ્રેનેજ લાઇન બદલી નવી લાઇન પણ નાખવામાં આવશે. શીલજ સર્કલ સહિતના વિસ્તારોમાં નવી પાઇપલાઇન નાખીને કાયમી ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
શેલા-બોપલમાં છેલ્લા કેટલાક વર્ષોમાં હજારો રહેણાંક પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્માર્ટ સિટીના દાવા કરે છે. કરોડો રૂપિયાના ફ્લેટ વેચાય છે. પ્રીમિયમ લોકેશનના નામે લોકો જીવનભરની બચત ખર્ચી નાખે છે. પરંતુ થોડા કલાકના વરસાદમાં રસ્તા નદી બની જાય, ઘરમાં પાણી ઘૂસી જાય અને લોકોને વાહનો રસ્તા પર મૂકીને પગપાળા ઘરે જવું પડે છે, તો પછી સવાલ માત્ર વરસાદનો નથી.
આ પણ વાંચો : અમદાવાદના ખાડારાજને લઈ લોકોએ VTV સમક્ષ ઠાલવ્યો બળાપો, ...એ લોકોને જ ખાડામાં નાખીએ
સવાલ છે અધૂરા પ્લાનિંગનો, બેદરકારીનોઅને વિકાસના તે મોડેલનો, જેમાં ઇમારતો પહેલાં ઊભી થઈ ગઈ, પરંતુ વરસાદી પાણી જવા માટેનો રસ્તો આજે પણ અધૂરો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.