બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / GPCB officers scam in chemical water Pollution in Ahmedabad
Last Updated: 09:08 AM, 13 September 2019
ADVERTISEMENT
ક્લોઝર નોટિસ મારવાની પણ કંપનીઓ પૈસા લઈ શરૂ રાખવાની
અમદાવાદની ઇન્ટાસ ફાર્માને ક્લોઝર નોટિસ આપ્યાં બાદ તેની પાસેથી વધારે રૂપિયા મળી જતાં તે ક્લોઝર નોટિસને પરત ખેંચી લેવામાં આવી હતી. ભયંકર પ્રદૂષણ ફેલાવનાર સંખ્યાબંધ ક્લોઝર નોટિસ મેળવનાર મેઘમણી ગ્રુપને હાલમાં ખૂબ જ સાચવવામાં આવી રહી છે. તેમની તમામ કંપનીઓનાં પ્રદૂષણ અંગે કોઇ પણ પ્રકારનાં પ્રશ્નો કર્યા વગર તેમનાં તમામ પ્રોજેક્ટ્સને મંજૂરીઓ આપવામાં આવી રહી છે. વારંવાર GPCBનાં ક્લોઝરનો ભોગ બનેલી અને ભયંકર પ્રદૂષણ કરનારી મેઘમણી ગ્રુપની કંપનીઓને પણ પર્યાવરણનાં ભોગે સાચવી લેવાની આવડત GPCBનાં ઉચ્ચ અધિકારીઓએ સાચવી લીધી હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
ક્લોઝર નોટિસ બાદ પણ સુરતની કલર ટેક્સને અધિકારીઓની છૂટછાટ
સુરતની કલર ટેક્સનો પણ મામલો સામે આવ્યો છે. આ કંપનીને ક્લોઝરની નોટિસ આપ્યાં બાદ તે પછીની કાર્યવાહી અધૂરી રહી હોવાનું પણ સામે આવ્યું છે. કાયદાની ઐસી કી તૈસી કરીને અધિકારીઓ ખુશ થાય તે માટે પ્રદૂષણ કરનારાઓને બેરોકટોક પ્રદૂષણ કરવાની છૂટછાટ મળી હોવાનું લોકોનું કહેવું છે.
GPCBનાં અધિકારીઓને અમદાવાદની બોડલ કેમિકલ્સનાં માલિકો સાથે એટલી ફાવટ આવી ગઇ છે કે તેમનાં અધિકારીઓ જો બોડલ કેમિકલ્સમાં તપાસ કરવા નીકળે તે પહેલાં જ તેનાં માલિકને અગાઉથી જાણ કરી દેવામાં આવે છે. જેથી બધું આપમેળે જ વ્યવસ્થિત થઇ જાય છે.
પ્રદૂષણ ફેલાવવનાં આક્ષેપો પણ કંપનીઓને ક્લિનચીટ
બીજી બાજુ અમદાવાદનાં અરવિંદ ગ્રુપ સાથે પણ આ જ પ્રકારનો વ્યવહાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદનાં કીરી ડાઇઝનાં એકમ સામે પ્રદૂષણ ફેલાવવાનાં પણ આક્ષેપો કરવામાં આવ્યાં છે તેમ છતાં આ કંપનીને ક્લિનચિટ આપી દેવામાં આવી છે. આ કંપની પણ GPCBનાં ઉચ્ચ અધિકારીઓને સાચવી લેવાની આવડત ધરાવે છે.
દહેજનો દરિયો પ્રદૂષિત કરવામાં અધિકારીઓનો જ હાથ
આ જ રીતે દરિયામાં પણ ગંદા પાણીનો નિકાલ કરવાની છૂટછાટ આપીને ગ્લેનમાર્કે (દહેજ)ને પણ ખૂબ સાચવવામાં આવી છે. વાગરાનાં જ્યુબિલિયન્ટ ગ્રુપનાં પ્રદૂષણ સામે પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનાં અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે. પ્રદૂષણ નિયંત્રણનાં તમામ નિયમોને નેવે મૂકીને ગુજરાત ફ્લુરો કેમિકલ્સને GPCBનાં અધિકારીઓ વિશેષપણે દેખભાળ રાખી રહ્યાં છે.
આ ઉપરાંત પાનોલીની પી.આઇ ઇન્ડસ્ટ્રીઝને પણ માનવ આરોગ્ય માટે જોખમી ગેસ છોડવાની અનુમતિ મળી ગઇ છે તેવું જાણવા મળ્યું છે. મહત્વનું છે કે સામાન્ય માનવીની સમસ્યા પરત્વે આંખ આડા કાન કરવામાં GPCBનાં અધિકારીઓ કે અન્ય કોઇ રાજકારણીઓને બિલકુલ ફર્ક નથી પડતો.
ખેતીની જમીનોને પણ નુકશાન પણ ઈન્ડસ્ટ્રીઓને જલસા
મહત્વનું છે કે GPCBનાં અધિકારીઓ ખેતીની જમીન ભલે ખરાબ થાય પણ અધિકારીઓ ખુશ રહેવા જોઇએ તેની પર જ ઉદ્યોગોએ ધ્યાન આપવું જેવી માનસિકતા સાથે તેઓ કામ કરી રહ્યાં છે. GPCBનાં અધિકારીઓની માંગણી સામે વિરોધ નોંધાવનારા આરતી ગ્રુપનાં પ્રમોટરોએ GPCBનાં અધિકારીઓ હેરાન કરી રહ્યાં છે જેવી નનામી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. ઉપરાંત સુરતનાં સ્પેક્ટ્રમ ડાઇઝનાં એકમને પણ અધિકારીઓએ ખરીદી લીધાં હોવાંની ફરિયાદ થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે gpcb મોટા ઉદ્યોગો પાસેથી 1થી 2 કરોડની બેંક ગેરન્ટી માંગે છે. ત્યાર બાદ જપ્ત કરી લેવાની ધમકી આપી તેને સમયાંતરે વસુલતું રહે છે.
જાગૃત નાગરિકની પ્રદૂષણ અંગે સાચી વાત
મહત્વનું છે કે અમદાવાદનાં એક જાગૃત નાગરિક સંતોષસિંહ રાઠોડ દ્વારા અમદાવાદમાં થઇ રહેલા પ્રદૂષણ મામલે જાણવા મળ્યું કે, હાલમાં રાજ્ય સરકાર દ્વારા સાબરમતીને સ્વચ્છ કરવાનાં પ્રયાસો થઇ રહ્યાં છે. પરંતુ તેમ છતાં ક્યાંકને ક્યાંક હજી પણ કેટલીક કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલમાં જે દેશની જે 10 પ્રદૂષિત નદીઓ છે તેમાં પ્રથમ ગંગા નદી છે કે જેની પાછળ શુદ્ધિકરણ માટે 900 કરોડ ખર્ચ કરવામાં આવ્યાં હતાં અને તે પછી બીજા નંબરની જે નદી છે તેમાં સાબરમતી નદીનો સમાવેશ થાય છે. જેની પાછળ શુદ્ધિકરણ માટે 200 કરોડનો ખર્ચ કરાયો હતો. જો કે STP પ્લાન્ટ દ્વારા હાલમાં કોર્પોરેશન દ્વારા શુદ્ધ પાણી છોડવામાં આવી રહ્યું છે.
જો કે હજી પણ ક્યાંક ને ક્યાંક નદીમાં જે કંપનીઓ દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે તેની પાછળ અંતે તો GPCB અને કોર્પોરેશન જ જવાબદાર છે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જે-જે કેમિકલ કંપનીઓ ધરાવતા વિસ્તારો છે જેવાં કે અમદાવાદમાં વટવા GIDC અને અંકલેશ્વર જેવી તમામ કંપનીઓનાં પાણીને એક લાંબી પાઇપલાઇન દ્વારા દરિયાનાં અમુક હદમાં જઇને છોડી દેવામાં આવશે પરંતુ અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે પછી જો આ પાણી મધદરિયે છોડવામાં આવશે તો અંતે તેમાં રહેલા જે અબોલા જીવ તેનો નાશ થવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.