ગાંધીનગરમાં માણસામાં શિક્ષકની શૈતાની હરકત સામે આવી છે. જેને લઈને પોલીસે તેની અટકાયત કરી છે. ગાંધીનગરના માણસામાં એક શિક્ષકની વિકૃત માનસિકતા સામે આવી છે. શિક્ષકે સ્ટાફની શિક્ષિકાઓના નામે આખા ગામમાં બિભત્સ પોસ્ટર ચોંટાડી શૈતાની હરકત કરી છે.
શિક્ષિકાઓને બદનામ કરવાનો પ્રયાસ
શિક્ષકએ વિકૃત હરકત કરીને શિક્ષિકાઓને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે.આરોપી શિક્ષકનું નામ છે અશોક પ્રજાપતિ. આરોપી શિક્ષક મહુડી પાસેની એસ.એસ.રાઠોડ વિદ્યાલયમાં ફરજ બજાવે છે. સ્ટાફની એક શિક્ષિકા સાથે તેને એકતરફી પ્રેમ હતો જેમાં શિક્ષિકા પોતાના તાબે ન થતા તેમણે શિક્ષિકાઓના નામે બિભત્સ પોસ્ટર છપાવી આખા ગામમાં ચોંટાડ્યાં હતા. એટલું જ નહીં ગામની દિવાલો પર કલરથી નામ લખી બદનામ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. શૈતાન શિક્ષકે વિદ્યાર્થીઓને લાલચ આપીને તેની પાસે અભદ્ર પોસ્ટર ચોંટાડાવ્યા હોવાનું સામે આવ્યું છે.
શિક્ષકની હેવાનિયત ભરી હરકત
અંગ્રેજીના શિક્ષક સામે અગાઉ પણ સહકર્મીઓ સાથે ગેરવર્તનની ફરિયાદો ઉઠી હતી. ત્યારે ફરી એકવાર આ શિક્ષકની હેવાનિયત ભરી હરકતના કારણે ગામમાં ચકચાર મચી છે. હાલ તો પોલીસે ફરિયાદના આધારે આરોપી શિક્ષકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આવા વિકૃત માનસિકતા ધરાવતા લોકો સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી છે.