ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરમાં પુત્રની ઘેલછામાં પિતાએ પેટ ચીરી નાખ્યું, માનતાના દાણા અને ₹100ની નોટ ગળી જતા સ્થિતિ બગડી!
Last Updated: 02:18 PM, 4 September 2026
ADVERTISEMENT
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા 36 વર્ષીય યુવકનો કેસ હાલ ચર્ચામાં છે. સામાન્ય રીતે લોકો માનતા પૂરી કરવા માટે અલગ-અલગ રીત અપનાવતા હોય છે, પરંતુ અહીં એક યુવકે પુત્રની લાલસામાં એવી હરકત કરી કે વાત સીધી હોસ્પિટલ સુધી પહોંચી ગઈ. ત્રણ દીકરી બાદ પુત્ર થાય તે માટે યુવકે માનતા રાખી હતી. આ દરમિયાન ₹100ની નોટ ગળી જવાની ઘટના બની હતી. નોટ ગળી ગયા બાદ યુવકને એવું લાગ્યું કે હવે માનતા પૂરી નહીં થાય અને કદાચ પુત્ર મળવો પણ મુશ્કેલ બની જશે. ત્યારબાદ તેણે નોટ બહાર કાઢવા માટે પોતાના જ પેટમાં ચાકુ જેવા સાધનથી ઘા મારી દીધા.
ADVERTISEMENT

ADVERTISEMENT
પેટમાં ગંભીર ઈજા થતાં 29 ઓગસ્ટની સવારે યુવકને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલ પહોંચ્યો ત્યારે શરૂઆતમાં તે ભાનમાં હતો અને ચાલતો-બોલતો પણ હતો. જોકે, પેટમાં થયેલી ઈજા ગંભીર હોવાથી ડોક્ટરોએ સમય બગાડ્યા વગર તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. સવારે આશરે 9:30 વાગ્યે તેનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
સર્જરી દરમિયાન ડોક્ટરોને જાણવા મળ્યું કે યુવકના પેટની આગળની દીવાલ એટલે કે એન્ટિરિયર વોલને ગંભીર નુકસાન થયું હતું. ડોક્ટરોએ ટાંકા દ્વારા પેટની દીવાલનું સમારકામ કર્યું હતું. ખોરાક માટે આંતરડામાં નળી પણ મૂકવામાં આવી હતી. આ સાથે પેટના અન્ય અંગોને પણ તપાસવામાં આવ્યા હતા. આશરે દોઢથી બે કલાકમાં સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ઓપરેશન બાદ યુવકને ICUમાં રાખવામાં આવ્યો હતો અને ડોક્ટરોની સતત દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી હતી. ઓપરેશનના 5થી 6 દિવસ બાદ તેની સ્થિતિ સ્થિર થઈ હતી. હાલ યુવકને ICUમાંથી વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે અને તેની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. સર્જરી અને એનેસ્થેસિયા ટીમની સંયુક્ત મહેનતથી આ ગંભીર કેસમાં સારવાર સફળ રહી છે.
ADVERTISEMENT
સિવિલ હોસ્પિટલના સર્જરી હેડ ડો. નિયતિ લાખાણીએ સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું કે સરકાર દ્વારા દીકરીઓ માટે ‘બેટી પઢાઓ’ સહિત અનેક અભિયાન ચલાવવામાં આવે છે અને દીકરીઓનું ગૌરવ પણ કરવામાં આવે છે. પરંતુ આ ઘટનામાં ત્રણ બાળકીના પિતાએ પુત્રની લાલસામાં માનતા રાખી હતી. કોઈએ તેને ₹100ના દાણા નાખવાની વાત કરી હતી, પરંતુ ભૂલથી તેના બદલે ₹100ની નોટ ગળી ગઈ હતી.

ADVERTISEMENT
નોટ ગળી ગયા બાદ યુવકે પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું અને તેને લાગ્યું કે હવે કદાચ પુત્ર મળવો અશક્ય બની જશે. આ વિચારે તેણે પોતાની પાસે રહેલા દાંતરડા જેવા સાધનથી પોતાનું પેટ ચીરી નાખ્યું અને પેટમાંથી ₹100ની નોટ શોધવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર ઈજાના કારણે બાદમાં તે બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ સગા-સંબંધીઓ તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા.
ડોક્ટરોએ સમય બગાડ્યા વગર સારવાર શરૂ કરી હતી અને આશરે 30 મિનિટની અંદર તેને ઓપરેશન ટેબલ પર લઈ જઈ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે તેની સ્ટમકની આખી આગળની દીવાલને નુકસાન થયું હતું. સર્જરી દરમિયાન અંતે તે ₹100ની નોટ પણ મળી આવી હતી, જેને હોસ્પિટલ દ્વારા પોલીસને જમા કરાવવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે ગંભીર ઈજા છતાં એક અઠવાડિયાની સારવાર બાદ યુવક હવે પોતાની રીતે ખાઈ શકે છે અને તેની સ્થિતિ સ્થિર છે. ડોક્ટરોની મહેનતથી ત્રણ નાની દીકરીઓએ પોતાના પિતાને ગુમાવવાથી બચી ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ