Drugs case: 50 people attack raiding NCB team, two officers injured
નાર્કોટિક્સ /
ડ્રગ્સ કેસ: દરોડા પાડવા ગયેલી NCBની ટીમ પર 50 લોકોનો હુમલો, બે અધિકારી ઘાયલ
Team VTV08:59 PM, 23 Nov 20
| Updated: 08:59 PM, 23 Nov 20
મુંબઈના ઉપનગરીય વિસ્તાર ગોરેગાંવમાં એક ડ્રગ પેડલર પર દરોડા પાડવા ગયેલી NCB ની ટીમ પર હુમલાની ઘટના બનવા પામી હતી. મળતી માહિતી પ્રમાણે લગભગ 50 જેટલા લોકોના ટોળા દ્વારા ટીમ પર હુમલો કરાયો હતો જેમાં અમુક અધિકારીઓ ઘાયલ થયા હોવાની જાણકારી પણ સામે આવી હતી.
મુંબઈમાં NCB ટીમ પર હુમલો
દરોડા પાડવા ગયેલી ટીમને ટોળાં દ્વારા બનાવાઇ નિશાન
50 જેટલા લોકોના હુમલાથી NCB ના બે અધિકારીઓ ઘાયલ
પ્રાપ્ત જાણકારી અનુસાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCB ના અધિકારીઓની ટીમ મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં દરોડો પાડવા માટે ગઈ હતી તે દરમિયાન 50 જેટલી સંખ્યા ધરાવતા લોકોના ટોળાએ તેમની પર હુમલો કર્યો હતો, જેમાં બે અધિકારીઓ ઘાયલ થયા હતા. NCB ના એક અધિકારીએ સોમવારે આ અંગેની માહિતી આપી.
આ હુમલાની જાણકારી NCB અધિકારીઓએ આપી હતી
તેમણે કહ્યું કે રવિવારે સાંજે બનેલી આ ઘટના સંદર્ભે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ દરોડા માટે NCB ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે અને પોલીસ અધિક્ષક વિશ્વ વિજય સિંહ સહિતની પાંચ સભ્યોની ટીમ દોડી ગઈ હતી. અધિકારીએ જણાવ્યું કે, NCB ની ટીમ ગોરેગાંવમાં ભગતસિંહ નગર વિસ્તારમાં પહોંચી કે તરત જ મહિલાઓ સહિત આશરે 50 લોકો ત્યાં એકઠા થયા અને તે પછી હુમલો કરનારાઓએ તેમના પર હુમલો કર્યો.
ત્રણ આરોપીઓની ધરપકડ કરાઇ હતી
તેમણે કહ્યું કે કેટલાક લોકો ટોળાને NCB અધિકારીઓ પર હુમલો કરવા ઉશ્કેરતા હતા અને તેમને 'અપહરણકર્તાઓ' કહેતા હતા. વાનખેડેએ હુમલો કરનાર ટોળાને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. અધિકારીએ જણાવ્યું કે આ ઘટનામાં NCB ટીમના બે સભ્યો ઘાયલ થયા છે.
જો કે ત્યારબાદ, NCB ટીમના સભ્યો સાથે સ્થાનિક પોલીસે ત્રણેય હુમલાખોરોની ધરપકડ કરી હતી અને તેમને ગોરેગાંવ પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓની ઓળખ યુસુફ શેખ, તેના પિતા અમીન શેખ અને પ્રખ્યાત આગ્રા તરીકે થઈ છે. તેમણે જણાવ્યું હતું કે આ કેસમાં તપાસ ચાલી રહી છે.