નાણામંત્રાલયે GSTને લગતી ફરિયાદો કે અરજીઓનાં નિવારણ માટે 31 પીઠો બનાવી છે. આ પીઠ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થાપિત કરવામાં આવશે. જાણો વિસ્તારથી.
નાણામંત્રાલયે GSTને લગતી 31 પીઠોનું નિર્માણ કર્યું
દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થાપિત થશે પીઠ
વેપારીઓની ટેક્સ સંબંધિત ફરિયાદો અને અરજીઓનું નિવારણ પીઠ કરશે
દેશનાં લાખો વેપારીઓ માટે સારી ખબર છે. નાણામંત્રાલયે GSTની 31 પીઠ બનાવી છે. આ પીઠ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થાપિત કરવામાં આવશે. આ પગલાંથી ટેક્સ સંબંધિત 14000થી વધારે ફરિયાદો કે મામલાઓને ઝડપથી ઉકેલવામાં આવશે. વર્તમાનમાં ટેક્સ ઓફિસર્સનાં નિર્ણયથી અસંતુષ્ટ કરદાતાઓને સંબંધિત ઉચ્ચ ન્યાયાલયોનાં ચક્કર કાપવા પડે છે. અરજીઓ ઉકેલવામાં લાંબો સમય લાગી જાય છે કારણકે ઉચ્ચ ન્યાયાલયોમાં પહેલાથી જ ઢગલો કેસો પેંડિંગ પડ્યાં છે. આ ઉપરાંત GST મામલા માટે કોઈ વિશિષ્ટ પીઠ બનાવવામાં આવી નથી.
14 હજારથી વધારે મામલાઓ
લોકસભામાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર કેન્દ્રીય GST અધિકારીઓની તરફથી કરવામાં આવેલી કર માંગની સામે દાખલ કરવામાં આવેલી અપીલની સંખ્યા જૂન અંત સુધીમાં 14227 થઈ ગઈ જે માર્ચ 2021માં 5499 હતી. GSTની રાજ્ય સ્તરીય પીઠોની સ્થાપનાથી કંપનીઓ સંબંધિત વિવાદોનો જલ્દીથી ઉકેલ આવશે.
31 પીઠોનું નિર્માણ
નોટિફિકેશન અનુસાર ગુજરાત તથા અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશો દાદરાનગર હવેલી અને દમણ-દીવમાં GSTની 2 પીઠો હશે જ્યારે ગોવા અને મહારાષ્ટમાં કુલ 3 પીઠ સ્થાપવામાં આવશે. કર્ણાટક અને રાજસ્થાનમાં 2-2 પીઠો જ્યારે ઉત્તરપ્રદેશમાં 3 પીઠ રહેશે. પ.બંગાળ, સિક્કિમ, અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ, તમિલનાડુ, પોંડીચેરીમાં કુલ 2-2 GST પીઠ રહેશે. કેરળ અને લક્ષદ્વીપમાં 1 પીઠ રહેશે. સાત પુર્વોત્તર રાજ્યો અરુણાચલ પ્રદેશ, અસમ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરની એક પીઠ હશે. અન્ય રાજ્યોમાં પણ GSTની 1-1 પીઠ રહેશે.
દ્વિતીય ચરણનું કામ શરૂ કરવામાં આવશે
AMRGનાં એસોસિએટ સીનિયર પાર્ટનર રજત મોહને કહ્યું કે હવે ટ્રિબ્યુનલ માટે યોગ્ય સ્થાનો પસંદ કરવા, યોગ્ય સદસ્યોની નિમણૂક અને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંસાધનો ઉપલબ્ધ કરાવવાનું કામ દ્વિતીય ચરણમાં શરૂ કરવામાં આવશે. ઉદ્યોગ મંડળ CIIનાં મહાનિર્દેશક ચંદ્રજીત બેનર્જીએ કહ્યું કે આ પ્રકારનાં ટ્રિબ્યુનલ ન હોવાને કારણે વેપારીઓએ હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવવા પડે છે જે સામાન્યરૂપે લાંબી પ્રક્રિયા છે અને તેમાં ઘણાં પૈસા પણ ખર્ચાઈ જતાં હોય છે. આ સિવાય ઉચ્ચ ન્યાયલયો પર બોજ પણ વધી જાય છે.