બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શિપ બિલ્ડિંગ ક્લસ્ટર પોરબંદરને ફળવાતાં ભાવનગરના ઉદ્યોગકારોમાં અસંતોષ, ઉઠાવ્યા ગંભીર સવાલો
Last Updated: 06:10 PM, 10 August 2026
અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ધરાવતા ભાવનગરના દરિયાઈ વિકાસ અને વિવિધ પ્રોજેક્ટ્સને લઈને ઉદ્યોગકારોમાં ફરી એકવાર નારાજગીનું મોજું ફરી વળ્યું છે. અગાઉ મરીન યુનિવર્સિટી ભાવનગરમાંથી ગાંધીનગર ખસેડવામાં આવી હતી અને હવે શિપ બિલ્ડિંગ ક્લસ્ટર પોરબંદરને ફાળવવામાં આવ્યું છે. આ નિર્ણય બાદ વેપારીઓ અને ઉદ્યોગસાહસિકોમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે "ભાવનગરનો હક વારંવાર કેમ છીનવાઈ રહ્યો છે?"
ADVERTISEMENT

અલંગ શિપ બ્રેકિંગ એસોસિએશન, રોલિંગ મિલ એસોસિએશન અને સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર, ભાવનગર પાસે દરિયાઈ વિકાસ માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. જિલ્લામાં વિશાળ દરિયાકાંઠો, ડ્રાય ડોક, કુશળ માનવબળ અને મરીન ક્ષેત્રનો દાયકાઓ જૂનો અનુભવ છે. તેમ છતાં મહત્વના દરિયાઈ પ્રોજેક્ટ્સ અન્ય શહેરોને ફાળવાતા સ્થાનિક ઉદ્યોગકારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT

ઉદ્યોગકારોનું માનવું છે કે અલંગમાં શિપ રિસાયકલિંગ, શિપ બિલ્ડિંગ અને ટ્રેડિંગને એકસાથે જોડતી મજબૂત ઇકોસિસ્ટમ ઉભી કરી શકાય છે. અલંગ વિશ્વપ્રસિદ્ધ શિપ બ્રેકિંગ યાર્ડ તરીકે ઓળખાય છે અને અહીં વર્ષોથી જહાજોના રિસાયકલિંગનું કાર્ય થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં શિપ બિલ્ડિંગ માટે જરૂરી અનેક સંસાધનો પણ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ થઈ શકે છે.
ADVERTISEMENT
સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ, અલંગમાંથી મળતી સામગ્રી, રડાર અને અન્ય ઇક્વિપમેન્ટ્સને રિફર્બિશ કરીને ફરીથી શિપ બિલ્ડિંગમાં ઉપયોગમાં લઈ શકાય છે. આ મોડલથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થવાની સાથે સ્થાનિક ઉદ્યોગોને પણ સીધો લાભ મળી શકે છે. તેઓનું કહેવું છે કે જો ભાવનગરમાં શિપ બિલ્ડિંગ શરૂ કરવામાં આવે તો સમગ્ર મરીન ઉદ્યોગને નવી દિશા મળી શકે છે.
ADVERTISEMENT
ઉદ્યોગકારોનું વધુમાં માનવું છે કે જો ભાવનગરમાં શિપ બિલ્ડિંગનો પ્રોજેક્ટ શરૂ થાય તો એક મોટા યાર્ડમાં અંદાજે 2 હજાર જેટલા લોકોને સીધી રોજગારી મળી શકે છે. આ ઉપરાંત, જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મંદીનો સામનો કરી રહેલી રોલિંગ મિલોને પણ નવું જીવનદાન મળી શકે છે. શિપ બિલ્ડિંગ સાથે જોડાયેલા વિવિધ સહાયક ઉદ્યોગો શરૂ થતાં સ્થાનિક અર્થતંત્રને પણ મજબૂતી મળી શકે છે.
ADVERTISEMENT
માહિતી મુજબ વર્ષ 2019થી 2021 દરમિયાન કન્ટેનર અને શિપ બિલ્ડિંગ ક્લસ્ટરની જાહેરાતો કરવામાં આવી હતી. જોકે, આ જાહેરાતો બાદ જમીની સ્તરે કોઈ નોંધપાત્ર કામગીરી થઈ નહોતી. હવે શિપ બિલ્ડિંગ ક્લસ્ટર પોરબંદરને ફાળવાતા ભાવનગરના ઉદ્યોગકારો અને વેપારીઓમાં વધુ નિરાશા જોવા મળી રહી છે.
ADVERTISEMENT
સ્થાનિક ઉદ્યોગસાહસિકોનું કહેવું છે કે ભાવનગર પાસે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અનુભવી માનવબળ અને મરીન ક્ષેત્રનો લાંબો અનુભવ હોવા છતાં સતત મોટા પ્રોજેક્ટ્સ અન્ય શહેરોમાં જતા રહે છે. તેમના મતે, જો આવા પ્રોજેક્ટ્સ ભાવનગરને ફાળવવામાં આવે તો માત્ર અલંગ જ નહીં પરંતુ સમગ્ર જિલ્લાનું અર્થતંત્ર મજબૂત બની શકે. હાલ શિપ બિલ્ડિંગ ક્લસ્ટર પોરબંદરને ફાળવાતા સ્થાનિક ઉદ્યોગો અને વેપારીઓમાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.