ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પ્રદેશ કોંગ્રેસ Vs જિલ્લા કોંગ્રેસ! ગુલાબસિંહની ટીમ રદ થતા બનાસકાંઠા કોંગ્રેસમાં ઉકળતો ચરુ!
Last Updated: 12:59 PM, 15 September 2026
ADVERTISEMENT
ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર આંતરિક મતભેદો સામે આવ્યા છે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં સ્થિતિ ઉકળતા ચરુ જેવી બની હોવાનું સામે આવ્યું છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે ત્રણ દિવસ પહેલાં પોતાની ટીમની જાહેરાત કરી હતી, પરંતુ પ્રદેશ કોંગ્રેસ દ્વારા તેમની જાહેર કરાયેલી ટીમને રદ કરવામાં આવતા સંગઠનમાં ખળભળાટ મચ્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના આ નિર્ણય બાદ બનાસકાંઠા કોંગ્રેસના કેટલાક નેતાઓ અને કાર્યકરોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
પ્રદેશ કોંગ્રેસના નિર્ણય બાદ જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે સોશિયલ મીડિયા પર નામ લીધા વિના કટાક્ષ કરતા લખ્યું કે, “લડાઈ અમારી સામે નહીં પરંતુ ભાજપ સામે હોવી જોઈએ.” તેમના આ નિવેદનને પ્રદેશ કોંગ્રેસના નિર્ણય સામેના પ્રહાર તરીકે જોવામાં આવી રહ્યું છે. જિલ્લા અને પ્રદેશ નેતૃત્વ વચ્ચે સર્જાયેલા આ મતભેદો આગામી દિવસોમાં કોંગ્રેસના સંગઠન અને સ્થાનિક રાજકારણ પર કેવી અસર કરશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
ADVERTISEMENT
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસની કારોબારી યાદી રદ
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં કારોબારી યાદીને લઈને આંતરિક વિવાદ સામે આવ્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તાત્કાલિક અસરથી જિલ્લા કોંગ્રેસની જાહેર કરાયેલી કારોબારી યાદી રદ કરી છે. આ મામલે બનાસકાંઠા કોંગ્રેસના ઉપપ્રમુખ મુકેશ ચૌહાણે ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું કે, પ્રદેશ કોંગ્રેસની મંજૂરી લીધા વિના જ કારોબારીની યાદી જાહેર કરવામાં આવી હતી. તેમણે વધુમાં દાવો કર્યો કે યાદીમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયનો સિક્કો તેમજ તારીખનો પણ ઉલ્લેખ નહોતો. મુકેશ ચૌહાણના આક્ષેપ મુજબ, ગુલાબસિંહ રાજપૂતે મનસ્વી રીતે કારોબારીની રચના કરી હતી અને વ્હાલા-દવલાની નીતિ અપનાવી પોતાના અંગત લોકોને કારોબારીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. હવે પ્રદેશ પ્રમુખ દ્વારા યાદી રદ કરાતા બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનાત્મક મુદ્દે ચર્ચા તેજ બની છે.
ADVERTISEMENT
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતનો મોટો ધડાકો
ADVERTISEMENT
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં આંતરિક મતભેદોને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે મોટો ધડાકો કર્યો છે. VTV NEWS સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટતા કરી કે પક્ષમાં કોઈને કોઈ પ્રકારનું મનદુઃખ નથી, પરંતુ કેટલાક લોકો કોંગ્રેસમાં રહીને જ પક્ષને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસની લડાઈ ભાજપ સામે હોવી જોઈએ. ગુલાબસિંહ રાજપૂતે વધુમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે કોંગ્રેસના કેટલાક આગેવાનોને ભાજપના આગેવાનો સાથે મિટિંગ કરાવવા માટે લઈ જવામાં આવ્યા હતા અને જે લોકો ખોટું કરી રહ્યા છે તેમને છાવરવામાં આવી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે આવા લોકોને ટૂંક સમયમાં ખુલ્લા પાડવામાં આવશે અને આગામી બે દિવસમાં તેઓ સમગ્ર મામલે સંકળાયેલા લોકોના નામ જાહેર કરશે.
ADVERTISEMENT
બનાસકાંઠા કોંગ્રેસમાં આંતરિક કકળાટ પર રાજ્યમંત્રી પ્રવીણ માળીના પ્રહાર
બનાસકાંઠા કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક કકળાટને લઈને રાજ્યમંત્રી પ્રવીણ માળીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. પ્રવીણ માળીએ જણાવ્યું કે, બનાસકાંઠા કોંગ્રેસમાં જોવા મળી રહેલી ખેંચતાણ માત્ર જિલ્લા પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર રાજ્યમાં કોંગ્રેસની આવી જ સ્થિતિ છે. તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસમાં ન તો નેતા રહ્યા છે કે ન તો યોગ્ય નેતૃત્વ જોવા મળી રહ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે, જે લોકો પોતાના પરિવારને સાચવી શકતા નથી તેઓ રાજ્યને સાચવવાની વાત કરી રહ્યા છે. કોંગ્રેસ પાસે કોઈ નક્કર મુદ્દો ન હોવાથી આવી આંતરિક ખેંચતાણ અને વિવાદો ચાલી રહ્યા હોવાનો પણ પ્રવીણ માળીએ દાવો કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.