Anupam Aanand will become Gujarat chief electoral officer replacing Dr.S.Murali Krishna
નિયુક્તિ /
ગુજરાતના નવા CEO તરીકે આ અધિકારીની નિમણૂક નક્કી, 2022ની વિધાનસભા ચૂંટણીની રહેશે જવાબદારી
Team VTV05:30 PM, 06 Mar 21
| Updated: 07:11 PM, 06 Mar 21
રાજ્યને નવા CEO (ચીફ ઈલેક્ટોરલ ઓફિસર) મળવાની તૈયારી છે ત્યારે IAS અનુપમ આનંદની નિમણૂક જલ્દીથી થાય તેવી ચર્ચા ચાલી રહી છે. અનુપમ આનંદ ડો.એસ મુરલી કૃષ્ણાનું સ્થાન સંભાળશે.
આઈએએસ અનુપમ આનંદ ગુજરાતના નવા ચીફ ઈલેક્ટોરલ ઓફિસર બનશે
અનુપમ આનંદ આદિવાસી વિકાસ સેક્રેટરી છે
અનુપમ આનંદ ડો.એસ મુરલી કૃષ્ણાનું સ્થાન સંભાળશે
રાજ્યના આદિવાસી વિકાસ વિભાગમાં સેક્રેટરી પદે ફરજ બજાવી રહેલા આઈએએસ અધિકારી અનુપમ આનંદ થોડા વખતમાં રાજ્યના ચીફ ઈલેક્ટોરલ ઓફિસર તરીકે નિયુક્ત થવાની તૈયારીઓ છે.
હાલમાં ચીફ ઈલેક્ટોરલ ઓફિસર પદે ડો.એસ મુરલી કૃષ્ણા આરુઢ છે અને અનુપમ આનંદ ડો.એસ મુરલી કૃષ્ણાનું સ્થાન સંભાળશે. નોંધપાત્ર વાત એ છે કે જો તેમની નિયુક્તિ થઈ તો 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી નવા ચીફ ઈલેક્ટોરલ ઓફિસર અનુપમ આનંદની દેખરેખ હેઠળ યોજાશે.
કોણ છે અનુપમ આનંદ
અનુપમ આનંદ 2000ની બેચના ગુજરાત કેડરના આઈએસ અધિકારી છે. 1 સપ્ટેમ્બર 2019 ના દિવસે તેમને આદિવાસી વિભાગમાં સેક્રેટરી તરીકે ટ્રાન્સફર કરાયા હતા. અનુપમ આનંદની ગણના એક બાહોશ અધિકારી તરીકે થાય છે. 18 જુન 2015 ના દિવસે તેઓ યુજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પણ જોડાયા હતા. 2000 ની બેચના ગુજરાત કેડરના આઈએસએસ અધિકારી અનુપમ આનંદ હિસ્ટ્રીમાં ગ્રેજ્યુએટ અને ઈન્ટરનેશલ પોલિટિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટની ડીગ્રી ધરાવે છે.
કલેક્ટર અને મ્યુનિ. કમિશ્નર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યાં છે
અનુપમ આનંદે દેવગઢ બારિયાના આસિ.કલેક્ટર તરીકે પોતાની કારકીર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાર બાદ તેમણે સાબરકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી, ત્યાર પછી દાહોદ, ડાંગ અને સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે પણ સેવાઓ પ્રદાન કરી હતી. અનુપમ આનંદ જામનગરના મ્યુનિસિપલ કમિશનર પણ રહી ચૂક્યા છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન ખાતે પણ તેઓ એડિશનલ ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર તરીકે સેવા આપી ચૂક્યા છે.