Ahmedabad News: અમદાવાદમાં ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમના ભંગ બદલ 11 દિવસમાં 1379 કેસ નોંધ્યા છે. જેમાં રેસિંગના 368 અને નંબરપ્લેટ વિના વાહન ચલાવવાના 673 કેસ નોંધાયા છે.
અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસની ખાસ ડ્રાઈવ
11 દિવસોમાં નોંધ્યા 1379 કેસ, ડ્રિંક એન્ડ ડ્રાઈવના 316 કેસ
રોંગ સાઇડ, ડ્રિંક એન્ડ ડ્રાઇવ અને બાઇક સ્ટંટના નોંધાયા કેસ
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત બાદ ટ્રાફિક પોલીસ દ્વારા સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ટ્રાફિક નિયમો તોડનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે 22 જુલાઈથી 02 ઓગસ્ટ સુધીના કેસના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. અમદાવાદમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ ટ્રાફિક વિભાગે 11 દિવસમાં 1379 કેસ નોંધ્યા છે.
ફાઈલ ફોટો
ટ્રાફિક પોલીસે નોંધ્યા 1379 કેસ
ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ અમદાવાદમાં હાથ ધરવામાં આવેલી ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત ટ્રાફિક પોલીસ દ્વારા કુલ 1379 કેસ નોંધવામાં આવ્યા છે. જેમાંથી ઓવર સ્પિડના 695 કેસ, નંબર પ્લેટ વગર વાહન ચલાવવાના 673 કેસ, રેસિંગના 368 કેસ નોંધાયા છે.
316 કેસ તો ડ્રિંક એન્ડ ડ્રાઈવના નોંધાયા
અહીં સૌથી નોંધનીય બાબત તો એ છે કે ગુજરાતમાં એક તરફ દારૂબંધી છે, ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદ શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના 316 કેસ નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરમાં રોંગ સાઈડ વાહન ચલાવવાના 162 કેસ નોંધાયા છે. આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ટ્રાફિક પોલીસના સહયોગથી સરખેજ તથા જોધપુર વોર્ડમાં આવતા ઇસ્કોન ચાર રસ્તાથી કર્ણાવતી ક્લબ ચાર રસ્તા થઈને ઉજાલા સર્કલ સુધીના એસજી હાઈવેની બંને તરફના સર્વિસ રોડ ઉપર ગેરકાયદે પાર્ક કરાયેલા કુલ 49 વાહનોને તાળા મારી કુલ 24500નો દંડ વસુલાયો હતો.
ફાઈલ ફોટો
ગુજરાતમાં નોંધાયા 20 હજારથી વધુ કેસ
સમગ્ર રાજ્યની વાત કરીએ તો રાજ્યભરમાં એક અઠવાડિયાની ટ્રાફિક ડ્રાઈવમાં 20 હજારથી વધુ કેસ નોંધાયા છે. 22 જુલાઈથી 31 જુલાઈ સુધીમાં માત્ર ઓવર સ્પીડના 20,737 કેસ નોંધાયા છે. જ્યારે ડ્રિંક એન્ડ ડ્રાઈવના 2737 કેસ, ભય જનક રીતે વાહન ચલાવવાના 6174 કેસ નોંધાયા છે. આ ઉપરાંત પોલીસ દ્વારા 8766 વાહનો જપ્ત પણ કરાયા છે.
9 લોકોના થયા હતા મૃત્યુ
અત્રે ઉલ્લેખનીય છે કે, 19 જુલાઈની રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. એસ.જી હાઈવે પર આવેલા કર્ણાવતી ક્લબ તરફથી ફૂલ સ્પીડમાં આવી રહેલા જેગુઆર કારચાલકે ઇસ્કોનબ્રિજ પર લોકોના એક ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ, હોમગાર્ડ જવાન સહિત 9 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. જે બાદ રાજ્યભરમાં ટ્રાફિક પોલીસે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી હતી.