બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કોટ વિસ્તારમાં નવા ઉદ્યોગો, હોલસેલ માર્કેટ, મોટી હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને મંજૂરી નહીં
Last Updated: 03:11 PM, 4 August 2026
વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવતા અમદાવાદના કોટ વિસ્તાર (જૂના શહેર)માં મોટા પાયે વ્યાવસાયિક અને સંસ્થાકીય વિકાસ પર અંકુશ લાવવા રાજ્ય સરકારે નવા ડ્રાફ્ટ નિયમો જાહેર કર્યા છે. જો આ સુધારાઓ અમલમાં આવશે તો કોટ વિસ્તારમાં અનેક પ્રકારનાં નવાં બાંધકામો અને પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાગશે.
ADVERTISEMENT
શહેરી વિકાસ વિભાગે કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (સીજીડીસીઆર)માં સુધારાનો ડ્રાફ્ટ જાહેર કરીને ૩ ઓક્ટોબર સુધી વાંધા-સૂચનો મંગાવ્યાં છે. પ્રથમ વખત કયા પ્રકારના બાંધકામો અને ઉપયોગોને મંજૂરી નહીં મળે તેની સ્પષ્ટ યાદી રજૂ કરવામાં આવી છે.
ડ્રાફ્ટ મુજબ, કોટ વિસ્તારમાં નવા ઉદ્યોગો, હોલસેલ માર્કેટ, ગોડાઉન, કોલેજો, પોલિટેકનિક, મોટી શૈક્ષણિક સંસ્થાઓ, સિનેમા, મલ્ટિપ્લેક્સ, થિયેટર, કન્વેન્શન સેન્ટર, પ્રદર્શન હોલ, સ્ટેડિયમ, મ્યુઝિયમ, કોમ્યુનિટી હોલ, ક્લબ અને ગોલ્ફ કોર્સને મંજૂરી આપવામાં આવશે નહીં. આ ઉપરાંત ૨૦થી વધુ બેડ ધરાવતી હોસ્પિટલો, સિવિલ, ચેપી રોગો અને માનસિક હોસ્પિટલો, મેડિકલ કોલેજો તથા રિસર્ચ સેન્ટરો પણ પ્રતિબંધિત શ્રેણીમાં રહેશે.
ADVERTISEMENT
ડ્રાફ્ટમાં કતલખાના, માંસ અને ચામડાં પ્રોસેસિંગ એકમો, કેમિકલ ઉદ્યોગો, ઇંધણ સંગ્રહ કેન્દ્રો, ગેસ પ્લાન્ટ, થર્મલ પાવર પ્લાન્ટ, કોલ્ડ સ્ટોરેજ, ઓક્સિજન પ્લાન્ટ અને અન્ય પ્રદૂષણકારક ઉદ્યોગો પર પણ પ્રતિબંધનો પ્રસ્તાવ છે.
મહત્ત્વની જોગવાઈ મુજબ, પ્રતિબંધિત શ્રેણીમાં આવતી મિલકતોનો પુનઃવિકાસ થયા બાદ પણ અગાઉ જે પ્રકારનો ઉપયોગ થતો હતો તે ફરી શરૂ કરી શકાશે નહીં. એટલે કે, હાલના હોલસેલ માર્કેટ કે અન્ય પ્રતિબંધિત ઉપયોગો પુનઃવિકાસ બાદ પણ ચાલુ રાખી શકાશે નહીં.
ADVERTISEMENT
ડ્રાફ્ટમાં કોટ વિસ્તારમાં નવા અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ્સ પર પણ રોકનો પ્રસ્તાવ છે. બંધ થઈ ગયેલી ટેક્સટાઇલ મિલોની જમીન પર આવા આવાસ યોજનાઓને પણ મંજૂરી નહીં મળે.
આ પણ વાંચોઃ ઓગસ્ટમાં સરકારી કર્મચારીઓને 10 દિવસની રજા, એક દિવસની રજા મૂકતાં મળશે 4 દિવસનું મિની વેકેશન
ADVERTISEMENT
અધિકારીઓના જણાવ્યા મુજબ, ૨૦૧૭માં અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યા બાદ જૂના શહેરમાં વધી રહેલા વ્યાપારી દબાણને નિયંત્રિત કરીને વિસ્તારનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્વરૂપ જાળવી રાખવા આ સુધારા સૂચવવામાં આવ્યા છે. નિયમો અમલમાં આવ્યા બાદ તેઓ શહેરના વિકાસ માટે નવા માળખાકીય ધોરણ તરીકે કામ કરશે. રાજ્ય સરકાર ૩ ઓક્ટોબર સુધી મળનારા વાંધા અને સૂચનોના આધારે અંતિમ નિર્ણય લેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.