ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઘુમા સુધી આવેલા દીપડાના આતંકની યાદગીરી માટે રહીશોએ લીધો ચોંકાવનારો નિર્ણય
Last Updated: 01:20 PM, 9 November 2026
ADVERTISEMENT
આ વર્ષે જુલાઈ મહિનામાં અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલી એક વૈભવી સોસાયટીમાં દીપડો ઘૂસી આવ્યો હતો. લગભગ એક અઠવાડિયા સુધી આ ઘટનાના પગલે સમગ્ર સોસાયટીમાં ભયનો માહોલ રહ્યો હતો. સામાન્ય રીતે શાંતિપૂર્ણ રહેતી અને મોટા ભાગે વેપારી પરિવારો વસવાટ કરતા હોય તેવી આ સોસાયટી અચાનક ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ હતી. આ ઘટનાના લગભગ ચાર મહિના બાદ સેરેનદીપ મેન્શન્સે આ ઘટનાની યાદગીરીને દીવાલ પર ભીંતચિત્રના સ્વરૂપમાં કાયમી સ્થાન આપ્યું છે.
ADVERTISEMENT
દીપડો સોસાયટીના પરિસરમાં ઘૂસી આવ્યો હતો તે દૃશ્ય દર્શાવતું ફાઈબરનું ભીંતચિત્ર એ જ સ્થળે લગાવવામાં આવ્યું છે, જ્યાં સોસાયટીના સીસીટીવી કેમેરામાં ૨૦ જુલાઈના રોજ વહેલી સવારના લગભગ બે વાગ્યે આ દીપડો જોવા મળ્યો હતો. તે સમયે દીપડો સોસાયટીની સીમાની દીવાલ કૂદીને અંદર પ્રવેશ્યો હતો અને સોસાયટીના રસ્તાઓ પર ફરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આ વીડિયો વ્યાપક પ્રમાણમાં જોવાયો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગે અનેક ટીમો તહેનાત કરી હતી. દીપડાને શોધવા અને બચાવવા માટે થર્મલ ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જોકે આ હાઈ પ્રોફાઈલ રહેણાક વિસ્તારમાં થોડો સમય વિતાવ્યા બાદ દીપડો માત્ર સાત મિનિટમાં જ સોસાયટીમાંથી બહાર નીકળીને રસ્તો ઓળંગી નજીકના વનસ્પતિથી ઘેરાયેલા પ્લોટમાં જતો રહ્યો હતો. આ પ્લોટમાં ગાંડા બાવળનાં ઘટાટોપ વૃક્ષો હતાં.
ADVERTISEMENT
ઘુમા વિસ્તારમાં જુલાઈમાં રહેણાક સોસાયટીમાં ઘૂસી આવેલા દીપડાની ઘટનાને ચાર મહિના બાદ ભીંતચિત્રમાં કંડારાઈઃ સેરેનદીપ મેન્શન્સના રહીશોએ દુર્લભ ઘટનાને કાયમી યાદગાર બનાવી #Ahmedabad #Ghuma #Leopard #WallArt #VTVDigital https://t.co/rfNNkyS2yG
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 9, 2026
વન વિભાગે આસપાસના વિસ્તારોમાં દીપડાની શોધખોળ ચાલુ રાખી હતી અને પાંચ જેટલાં પાંજરાં પણ ગોઠવ્યાં હતાં, જોકે અનેક દિવસોની શોધખોળ છતાં દીપડો પકડાયો નહોતો. માનવામાં આવે છે કે તે પોતાના કુદરતી રહેઠાણમાં પાછો ફર્યો હતો.
ADVERTISEMENT
સોસાયટીના રેસિડેન્ટ વેલ્ફેર એસોસિયેશનના પ્રમુખ ગૌરાંગ શાહે જણાવ્યું છે કે અમે આ દીપડાનું ભીંતચિત્ર બે કારણોસર બનાવડાવ્યું છે. અમદાવાદ જેવા શહેરમાં દીપડો રહેણાક સોસાયટીમાં ઘૂસી આવે તે અત્યંત દુર્લભ ઘટના છે. શરૂઆતમાં આ ઘટનાથી સૌ કોઈ ભયભીત થઈ ગયા હતા, જોકે તે પછી અમને લાગ્યું કે આ દિવસ અને આ ક્ષણને સૌ માટે કાયમી યાદગાર બનાવવી જોઈએ. આ અમારી સોસાયટીની ઓળખનો પણ એક હિસ્સો બની ગયો છે. દીપડાના કારણે અમારી સોસાયટીનું નામ પણ લોકોમાં જાણીતું બન્યું હતું.
સેરેનદીપ મેન્શન્સ અમદાવાદના ઘુમા વિસ્તારમાં એસપી રિંગ રોડ નજીકના વીઆઈપી રોડ પર આવેલી છે. આ રહેણાક સોસાયટીમાં ૧૦૫ બંગલા છે, જેનું ક્ષેત્રફળ ૩૫૦થી ૧,૫૦૦ ચોરસ યાર્ડ સુધીનું છે.
ADVERTISEMENT
સોસાયટીના રહેવાસી અને અમદાવાદની એક સોફ્ટવેર કંપનીના સહસ્થાપક તથા અધ્યક્ષ પ્રણવ પંડ્યાએ તે સમયની ઘટનાને યાદ કરતાં જણાવ્યું કે જ્યારે દીપડો સોસાયટીમાં જોવા મળ્યો હતો અને થોડી મિનિટો સુધી ત્યાં રહ્યો હતો ત્યારે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, જોકે તે પછી સૌએ સ્વીકાર્યું કે આવી ઘટના બની શકે છે. દીપડો શરમાળ પ્રાણી છે અને આપણે પણ તેની સાથે સાવધાનીપૂર્વક વર્તવું જોઈએ. દીપડો સોસાયટીમાં પ્રવેશ્યો તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. અમે રહીશોએ ખુશીથી આ ક્ષણને ભીંતચિત્રના માધ્યમથી ફરી જીવંત કરવાનો નિર્ણય લીધો હતો.
આ માટે સોસાયટીએ અમદાવાદના વ્યાવસાયિક ભીંતચિત્ર કલાકાર પાનેરી શાહની પસંદગી કરી હતી. તેમણે ક્લબ હાઉસ નજીક દીપડાનું ભીંતચિત્ર તૈયાર કર્યું હતું. પાનેરીના જણાવ્યા અનુસાર દીપડો સોસાયટીમાં ઘૂસી આવ્યો હતો તે ઘટનાને કાયમી યાદગાર બનાવવાનો આ પ્રોજેક્ટ હતો.
ADVERTISEMENT
ભીંતચિત્ર બનાવવાની પ્રક્રિયા વિશે તેમણે જણાવ્યું હતું કે દીપડાના સ્નાયુઓ સહિત શરીરની વિવિધ વિગતોને માટીના આકારમાં હાથેથી કંડારવામાં આવી હતી. ત્યાર બાદ તેનું મોલ્ડ તૈયાર કરીને અંતિમ આકારને ફાઈબરના માધ્યમથી બનાવવામાં આવ્યો હતો. અમે દીપડો જે સ્થળે અને જે સ્થિતિમાં જોવા મળ્યો હતો બરાબર એ જ સ્થળે તેનું ભીંતચિત્ર લગાવ્યું છે. ફાઈબરનો ઉપયોગ કરવાથી આ રચના મજબૂત, હળવી અને વર્ષો સુધી બહારના વાતાવરણમાં ટકી શકે તેવી બની છે.
તેમના જણાવ્યા અનુસાર શરૂઆતમાં દીપડો જોવા મળ્યો હતો તે જ દીવાલ પર ભીંતચિત્ર બનાવવાના વિકલ્પ અંગે ચર્ચા થઈ હતી, જોકે અલગ-અલગ વિકલ્પો પર વિચારણા ચાલી રહી હતી ત્યારે દીપડો જ્યાં જોવા મળ્યો હતો તે જ દીવાલ પર આ સમગ્ર ઘટના ફરી બની હતી અને વન વિભાગે સોસાયટીમાં કામગીરી હાથ ધરતાં કામ અટકાવવું પડ્યું હતું. ત્યાર બાદ પરિસ્થિતિ સામાન્ય થતાં પાનેરી અને સોસાયટીના રહીશો ફરી મળ્યા હતા. ત્યાર બાદ દીપડાનું જ ભીંતચિત્ર બનાવવાનો નિર્ણય લેવાયો અને તે પણ દીપડો જે સ્થળેથી દીવાલ કૂદીને અંદર આવ્યો હતો તે જ સ્થળે તૈયાર કરવામાં આવ્યું.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે દીપડાની વસ્તીની દૃષ્ટિએ ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. વર્ષ ૨૦૨૩ની છેલ્લી વસ્તી ગણતરીમાં રાજ્યમાં કુલ ૨,૨૭૪ દીપડા નોંધાયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો