બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ત્રાસની હદ! પતિના અત્યાચારથી પત્નીનું 20 કિલો વજન ઘટ્યું, પતિ માતા સાથે વાત કરતો રહ્યો અને પરિણીતા પિયરે પહોંચી
Last Updated: 02:37 PM, 4 August 2026
લગ્નજીવન સુખમય બનવાના બદલે સતત માનસિક અને શારીરિક ત્રાસના કારણે એક નવપરિણીતાનું માત્ર નવ મહિનામાં જ ૨૦ કિલો વજન ઘટી ગયું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સેટેલાઈટ વિસ્તારમાં રહેતી મીના (નામ બદલ્યું છે)એ આનંદનગર પોલીસ સ્ટેશનમાં પતિ અમિત અને સાસુ ગીતા સામે ઘરેલુ હિંસા અને દહેજની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, સમાજના રીતરિવાજ મુજબ થયેલાં લગ્નના બે મહિના બાદ જ પતિએ હેરાનગતિ શરૂ કરી હતી.
ADVERTISEMENT

મીનાનો મોબાઇલ છીનવી લેવામાં આવ્યો, માતા-પિતા સાથે વાત કરવા દેવામાં આવતી નહોતી અને તેને ઘરની બહાર પણ જવા દેવામાં આવતી નહોતી. પતિ પોતે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતો હોવાનું કહી લગ્ન કર્યાં હતાં, પરંતુ બાદમાં તે બેરોજગાર હોવાનું સામે આવ્યું હતું. આરોપ છે કે પતિ પોલીસ અને ગુંડાઓમાં મોટી ઓળખાણ હોવાનો દાવો કરીને પત્ની તથા તેના પરિવારને સતત ધમકાવતો હતો. સતત માનસિક તણાવ અને ત્રાસના કારણે મીનાનું વજન આશરે ૨૦ કિલો ઘટી ગયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ADVERTISEMENT
એટલું જ નહીં, કરિયાવરમાં મળેલા ૩૫ તોલા સોનાના દાગીના પણ લઈ લેવાયા હોવાનો આક્ષેપ છે. ઉપરાંત મીનાના પિતાએ પરત આપવાની શરતે આપેલા ૩૨ લાખ રૂપિયામાંથી ૧૭.૬૬ લાખના ચેક બાઉન્સ થયા હતા, જ્યારે બાકીની રકમ દહેજમાં ગણી લેવાનું કહેવામાં આવ્યું હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. એક દિવસ પતિ અને સાસુ રૂમમાં વાતચીતમાં વ્યસ્ત હતા ત્યારે મીનાએ તકનો લાભ લઈ ઘર છોડ્યું અને માતા-પિતાના ઘરે પહોંચી ગઈ હતી. બાદમાં પતિ ત્યાં પહોંચતાં તેણે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. પોલીસ પહોંચતા જ આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.