મોદી સરકારે મિડલ ક્લાસ માટે ટૂંક સમયમાં 60,000 કરોડની એક લોન વ્યાજ સબસિડીની યોજના જાહેર કરી શકે છે.
ચૂંટણીની સિઝનમાં સરકાર જાહેર કરી શકે
લોન વ્યાજ રાહતની 60,000 કરોડની યોજના
25 લાખ લોન અરજદારોને સસ્તી મળી શકે હોમ લોન
લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર શહેરી મધ્યમ વર્ગ માટે નવી આવાસ યોજના લાવી રહી છે. આ અંતર્ગત લોકોને બેંકો પાસેથી લોન લેવા પર વ્યાજમાં મોટી રાહત આપવામાં આવશે. આ માટે સરકાર આગામી 5 વર્ષમાં 60,000 કરોડનો ખર્ચ કરવા પર વિચાર કરી રહી છે.
શું છે પ્લાન?
આ યોજના હેઠળ 90 લાખ રૂપિયા સુધીની લોનમાં 3-6.5 ટકાની વચ્ચે વાર્ષિક વ્યાજ સબસિડી આપવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે 20 વર્ષના સમયગાળા માટે લેવામાં આવેલી 5 કરોડ રૂપિયાથી ઓછી હોમ લોન સૂચિત યોજના માટે પાત્ર રહેશે. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, વ્યાજમાં રાહત લાભાર્થીઓના હોમ લોન ખાતામાં એડવાન્સ તરીકે જમા કરવામાં આવશે. આ યોજના 2028 સુધી લાગુ કરી શકાય છે. આ યોજનાથી શહેરી વિસ્તારોમાં ઓછી આવક ધરાવતા જૂથોમાં 25 લાખ લોન અરજદારોને લાભ થઈ શકે છે. બે બેંક અધિકારીઓએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આ યોજના અંગે સરકારી અધિકારીઓ સાથે બેઠક કરે તેવી સંભાવના છે. બેંકોએ લાભાર્થીઓની ઓળખ કરવાનું શરૂ કર્યું હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. જો કે, આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય અને નાણાં મંત્રાલયે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
ચૂંટણીઓની સિઝનમાં સરકાર રાહત જાહેર કરી શકે
આ વર્ષના અંતમાં ઘણા રાજ્યોમાં વિધાનસભાની અને લોકસભાની ચૂંટણી યોજાવાની છે. સરકાર અલગ-અલગ ક્લાસ માટે રાહત જાહેર કરી રહી છે. તાજેતરમાં એક ચોક્કસ વર્ગ માટે વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી છે. મોંઘવારી ઘટાડવા સરકારે ઘરેલું એલપીજીના ભાવમાં લગભગ 200 રુપિયાનો ઘટાડો કર્યો હતો.