આરંભ હૈ પ્રચંડ /
PAAS-કોંગ્રેસની લડાઈમાં સુરતમાં 22 વર્ષની પાટીદાર યુવતીને મળી ટિકિટ અને મેળવી જીત
Team VTV08:51 PM, 23 Feb 21
| Updated: 09:01 PM, 23 Feb 21
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસના હાથને મતદારોનો સાથ સાંપડ્યો નથી અને સુરતમાં કોંગ્રેસના પ્રપંચ પર AAP નો પંચ પાવરફૂલ નીવડ્યો હતો.
સુરતમાં કોંગ્રસના પંજા પર AAPનું ઝાડું ફરી વળ્યું
સુરતમાં કોંગ્રેસને હંફાવી AAP પાર્ટીએ બીજું સ્થાન મેળવ્યું
AAP કાર્યકરોએ આ જીતની ઉજવણી કેક કાપીને કરી
આજે જાહેર થયેલા 6 મનપાના ચૂંટણી પરિણામોના લીધે કોંગ્રેસ ભલે આઘાતમાં સ્તબ્ધ થઇ ગઈ હોય પણ સુરતના પરિણામોથી તો કોમામાં જ સરી પડે તેવી સ્થિતિ દ્રશ્યમાન થઈ રહી છે, મહત્વનું છે કે આ વખતે સુરતમાં કોંગ્રેસને મોટો ઝાટકો તેના પરંપરાગત શત્રુ ભાજપથી નહિ પણ ગુજરાતમાં નવીસવી એન્ટર થયેલી આમ આદમી પાર્ટી તરફથી મળ્યો છે અને એમાં પણ સુરતની એક 22 વર્ષીય યુવતીએ જીત મેળવીને તો રંગ રાખી દીધો છે.
પ્રથમ ચૂંટણી લડી રહેલી AAP એ 25 બેઠક જીતી
દિલ્હીમાં તખ્તનશીન AAP પાર્ટી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસનો વિકલ્પ બની છે. અહીં કૉંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. બીજી તરફ ગુજરાતમાં પ્રથમ વખત જ ચૂંટણી લડી રહેલી AAP એ 25 બેઠક જીતી લીધી છે. આમ આદમી પાર્ટીના 25 જેટલા ઉમેદવારો જીત્યા હોવાની કાર્યકરો ખુશ હતા આને AAP કાર્યકરોએ આ જીતની ઉજવણી કેક કાપીને કરી હતી. વિજેતા ઉમેદવારોમાં વોર્ડ નંબર 16ની 22 વર્ષીય પાયલ કિશોરભાઈ સાકરીયાનો પણ સમાવેશ થાય છે.
નોંધનીય છે કે આમ આદમી પાર્ટીની સામાન્ય પરમ્પરા પ્રમાણે તે યુવાનોને રાજકારણમાં આગળ લાવવા મથતી હોય છે. કઈંક આવા જ પ્રકારની ગતિવિધિ આ વખતે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પણ કરવામાં આવી હતી, પણ બીજે ક્યાંય નહિ તો પણ સુરતમાં AAP પાર્ટીએ મજબૂત પ્રદર્શન કર્યું છે અને કોંગ્રેસને પાછળ રાખીને બીજા નમ્બરની પાર્ટી બની છે.
ચૂંટણીમાં શહેરની સૌથી નાની વયની ઉમેદવાર બની પાયલ
નોંધનીય છે કે પાયલ કિશોરભાઈ સાકરીયા 22 વર્ષની ઉંમરે જ રાજકારણમાં આવી છે, અને તે આ વખતે ચૂંટણીમાં શહેરની સૌથી નાની વયની ઉમેદવાર હતી, અને આ વખતે તે AAP પાર્ટીની આખી પેનલ સાથે વિજેતા બની છે, નોંધનીય છે કે તેની જીત પછી સોસાયટીના લોકોએ ઢોલ વગાડીને તેનું સ્વાગત કર્યું હતું, સાથે જ તેને ફૂલહાર પહેરાવીને તેનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાયલે જણાવ્યું હતું કે હું મારા વિસ્તારોમાં ખૂબ જ સારા કામો કરીશ.
એવું મનાઈ રહ્યું છે કે અહીં આ વખતે પાસ અને કોંગ્રેસના ટિકિટ સંઘર્ષના વિવાદને પગલે કોંગ્રેસને ભયંકર નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે અને પાટીદારોએ હાર્દિક પટેલના પ્રચાર છતાં પણ કોંગ્રેસના બદલે ગોપાલ ઈટાલીયાની આમ આદમી પાર્ટી પર પસંદગી ઉતારી છે.