બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / ગુજરાતી ફિલ્મ 'સાસણ' ગીરના સિંહની ડણકની જેમ ગાજે છે કે નહીં? જોવા જતા પહેલા આ ખાસ વાંચી લેજો
Last Updated: 11:07 AM, 25 November 2024
ગીર. ભારતનું એક માત્ર જંગલ જ્યાં એશિયાટિક લાયન જોવા મળે છે. આ ગીરના ડાલમથ્થા વિશે આપણે ઝવેરચંદ મેઘાણીની ચારણકન્યાથી લઈને બીજી અનેક રચનાઓ વાંચી છે, પરંતુ સિલ્વર સ્ક્રીન પર ગીરના સિંહોને ભાગ્યે જ સ્થાન મળ્યું છે. જો કે, તાજેતરમાં જ રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ સાસણ નામ પ્રમાણે જ સાસણગીરની વાર્તા લઈને આવી છે. સાસણગીર એટલે એવું જંગલ જ્યાં સિંહની ડણક વચ્ચેય માલધારીઓ પોતાની રોજિંદી જીંદગી જીવતા હોય છે. પણ કેવી છે આ ફિલ્મ? જોવા જવાય કે નહીં?
ADVERTISEMENT
ફિલ્મની વાર્તા
ફિલ્મની શરૂઆત નેધરલેન્ડની અદાલતના એ દ્રશ્યથી થાય છે જેમાં ગીરના માલધારીઓને સિંહોના દુશ્મન ગણાવી તેમના પર આક્ષેપ થયા છે અને જંગલમાંથી તેમને દtર કરવા માટે અપીલ કરાઇ છે. માલધારીઓ સિંહના દુશ્મન છે તેવું પુરવાર કરવા માટે ત્રણ મહિનાનો સમય અદાલત દ્વારા અપીલકર્તાને અપાય છે. જે બાદ પૂરાવા મેળવવા માટે નેધરલેન્ડથી માઇકલ (ચેતન ધાનાણી) ગીર પહોંચે છે, અને ટુરિસ્ટના વેશમાં ત્યાં આઇમા (રાગિણી)ના ત્યાં ગીરના જંગલની વચોવચ આવેલા નેસડામાં રહે છે. આઇમાના પરિવારમાં તેમની દિકરી હીરલ (અંજલી બારોટ) અને હિરલનો ભાઇ કુકો (મૌલિક નાયક) પણ રહે છે. આઇમાના પતિનું મૃત્યુ તેમના વ્હાલા સિંહના અકાળે મોત બાદ લાગેલા આઘાતને કારણે થઇ ચૂક્યુ છે.
ADVERTISEMENT
ગીરના જંગલમાં માલધારીઓની વચ્ચે રહેતા-રહેતા એક પછી એક પ્રસંગોથી માઇકલને એ વાત સમજાય છે કે ભલે સિંહો માલધારીઓના પશુઓનું મારણ કરતા હોય પણ માલધારીઓ સિંહોને દુશ્મન નથી માનતા. માલધારીઓનો સિંહપ્રેમ એટલો અનોખો છે કે તેઓ પોતાના પ્રિય પશુઓના મારણને પણ બલિદાન ગણે છે. તેઓ સિંહને જંગલનો રાજા માને છે અને પોતાને તેની રૈયત.
અભિનય
ADVERTISEMENT
ફિલ્મમાં આઇમા તરીકે રાગિણી આપને એક અલગ જ અંદાજમાં જોવા મળશે. રાગિણીના અભિનયને લઇને કંઇક કહેવું એ સૂરજને દીવો બતાવવા જેવું છે. આ ફિલ્મમાં પણ તેઓએ તેમની એક દિગ્ગજ અભિનેત્રીને છાજે તેવી દમદાર ભૂમિકા ભજવી છે. ફિલ્મના લીડ એક્ટર ચેતન ધાનાણીએ રેવા ફિલ્મમાં પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીતી લીધું હતું, તે જ રીતે આ ફિલ્મમાં પણ ચેતનનો અભિનય શાનદાર છે. હિરલના રોલમાં અંજલી બારોટ આખી ફિલ્મને પોતાના ખભે ઉપાડી લે છે. માલધારી પરિવારની દિકરીઓમાં જોવા મળતી હિંમત અને ખુમારીને હિરલના પાત્રમાં ખુબજ સુંદર રીતે દર્શાવાઇ છે. કુકાના રોલમાં મૌલિક નાયકને જોઇને આપ ચોક્કસ એ વાત કહેશો કે આ ભૂમિકાને મૌલિક નાયક સિવાય બીજો કોઇ કલાકાર આટલી સુંદર રીતે ન ભજવી શકે. વિલનના રોલમાં વિક્રમ (ચિરાગ જાની)એ પોતાના ફાળે આવતા દ્રશ્યો અસરકારક રીતે નિભાવ્યા છે.
ADVERTISEMENT
સંવાદ, સંગીત, નિર્દેશન
કિરીટ પટેલે ખૂબ જ સુંદર સંવાદ લખ્યા છે. હેલ્લારો ફિલ્મથી ધર-ઘરમાં જાણીતા એવા મેહૂલ સુરતીએ ખુબજ સુંદર સંગીત પીરસ્યુ છે. ઢોલીડા ગીત હોય કે પછી આજની ઘડી રળીયામણી ફિલ્મનું કર્ણપ્રિય સંગીત તમને સહેજપણ કંટાળો નહીં આવવા દે.અશોક ઘોષના નિર્દેશનની અસલ ખૂબી તમને ઇન્ટરવલ પહેલા કરતા ઇન્ટરવલ પછીના દ્રશ્યોમાં વધારે જોવા મળશે, જે તમારો રસ ક્યાંય છટકવા નહીં દે.
ADVERTISEMENT
જો કે સિંહને ફિલ્મમાં એક્ટિંગ કરાવી શકાતી નથી એટલે VFXનો સહારો લેવો પડ્યો છે. જ્યારે જ્યારે ફિલ્મમાં સ્પેશિયલ ઈફેક્ટ આવે ત્યારે ત્યારે કનેક્શન છૂટે છે, કારણ કે VFXમાં ખાસ મહેનત થઈ નથી. કોઈ ચીલાચાલુ એનિમશન જેવી ફિલ્મ પહેલી નજરે કોઈ પણ સામાન્ય માણસને નજર આવે, તેવા VFX યુઝ કરાયા છે. આ ઉપરાંત ગીરની સુંદરતા હજી સારી રીતે દર્શાવી શકાઈ હોત, પરંતુ અહીં પણ ઘણે અંશે ચૂકી જવાયું છે. સરવાળે આ ફિલ્મ 'સારો પ્રયાસ' છે.
ફિલ્મ જોવી કે નહીં ?
ADVERTISEMENT
ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે આ ફિલ્મમાં ગ્લેમર નથી, પણ ગીરનો ગામઠી તડકો છે. જે લોકોને સાવજ ગમે છે, ગામડું ગમે છે, નેસડો ગમે છે, પ્રકૃતિ ગમે છે તે દરેકે આ ફિલ્મ એકવાર અવશ્ય જોવી જોઇએ.
આ પણ વાંચોઃ આવી ગઇ મલ્હાર અને પૂજાની ફાઇનલ લગ્ન તારીખ, જાણો ક્યારે બંધાશે બંધનમાં, શેર કર્યો આ Video
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.