રોજગાર /
મોદી કેબિનેટનો મોટો નિર્ણયઃ દેશના 58 લાખ કર્મચારીઓને મળશે લાભ, 15 હજારથી ઓછો પગાર હશે તેને પણ થશે ફાયદો
Team VTV10:56 PM, 09 Dec 20
| Updated: 11:01 PM, 09 Dec 20
કૃષિ કાયદાને લઇને ખેડૂતો દ્વારા ચાલી રહેલા આંદોલન વચ્ચે કેન્દ્રીય મંત્રીમંડળની આજે દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, રવિશંકર પ્રસાદ અને સંતોષ ગંગવારે કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે જાણકારી આપી હતી.
મોદી કેબિનેટની બેઠક લેવાયો મહત્વનો નિર્ણય
આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાને મંજૂરી
58.5 લાખ કર્મચારીઓને લાભ મળવાની સંભાવના
કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે આત્મનિર્ભર ભારત પેકેજ-3 હેઠળ કોવિડ રિકવીર ફેઝમાં ઔપચારિક ક્ષેત્રમાં રોજગારીને પ્રોત્સાહન આપવા માટે અને નવા રોજગાર અવસરોને પ્રોત્સાહિત કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય પ્રધાન સંતોષ ગંગવારે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી કે દેશમાં આત્મનિર્ભર ભારત રોજગાર યોજના લાગુ કરવામાં આવશે, આ યોજના હેઠળ નાણાકિય વર્ષ માટે 1584 કરોડ રૂપિયાની રકમ અને સમગ્ર યોજના અવધી 2020-2023 માટે કુલ 22,810 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. લગભગ 58.5 લાખ કર્મચારીઓને લાભ મળશે.
58.5 લાખ કર્મચારીઓને લાભ મળવાની સંભાવના
એક સત્તાવાર નિવેદન અનુસાર, આ યોજના અવધિમાં અંદાજિત 58.5 લાખ કર્મચારીઓને લાભ મળવાની સંભાવના છે. જે હેઠળ કેન્દ્ર 1 ઓક્ટોબર 2020 અથવા ત્યારબાદ 30 જૂન, 2021 સુધી સામેલ તમામ નવા કર્મચારીઓને 2 વર્ષ માટે સબસિડી આપશે. જે રોજગારી આપતા સંગઠનોમાં 1000 કર્મચારી છે ત્યાં કેન્દ્ર સરકાર 2 વર્ષ માટે 12 ટકા કર્મચારી યોગદાન અને 12 ટકા અન્ય ભથ્થા સહિત કુલ 24 ટકા ઈપીએફમાં યોગદાન કરશે.
15 હજારથી ઓછો પગાર હશે તો પણ મળશે લાભ
માર્ચ 2020થી આવતા વર્ષ સુધી, જે નોકરી આપતા સંગઠનોમાં 1000 કર્મચારી છે, ત્યાં કેન્દ્ર સરકાર 2 વર્ષ માટે 12 ટકા કર્મચારી યોગદાન આપશે. કોઇ કર્મચારી જેમનો મહિને પગાર 15 હજાર રૂપિયાથી ઓછો છે અને તેઓ કોઇ એવી સંસ્થામાં કામ કરી રહ્યા હતા જે 1 ઓક્ટોબર 2020 પહેલા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન(IPFO)થી રજિસ્ટર હતું અને તેમની પાસે આ સમય પહેલા યૂનિવર્સલ એકાઉન્ટ નંબર અથવા IPFO ખાતુ નથી તો તે આ યોજના પાત્ર હશે.
કોઈ પણ IPF સભ્ય જેમની પાસે યૂનિવર્સિલ એકાઉન્ટ નંબર છે અને તેમનો મહિને પગાર 15 હજારથી ઓછો છે અને જો તેણે કોરોના મહામારી દરમિયાન આ વર્ષ માર્ચથી સપ્ટેમ્બર વચ્ચે પોતાની નોકરી છોડી છે અને તેને IPFના દાયરામાં આવતા કોઇ રોજગાર પ્રદાતા સંસ્થામાં સપ્ટેમ્બર સુધી રોજગારી નથી મળી તો તેઓ આ યોજનાનો લાભ લેવા માટે યોગ્ય છે.
USOF યોજનાને મંજૂરી મળી
કેન્દ્રીય પ્રધાન સંતોષ ગંગવારેના કહેવા પ્રમાણે, જ્યારે મોદી સરકાર સત્તામાં આવી, ત્યારે સંગઠિત ક્ષેત્રમાં 6 કરોડ નોકરીઓ હતી, જે હવે વધીને 10 કરોડ નોકરીઓ થઈ ગઈ છે. આ સિવાય કેન્દ્રીય કેબિનેટે આસામના અરૂણાચલ પ્રદેશના બે જિલ્લામાં USOF યોજનાને મંજૂરી આપી છે. મંત્રીમંડળની બ્રીફિંગ દરમિયાન, જ્યારે મંત્રીઓને ખેડૂત આંદોલન બદલવા અને કૃષિ કાયદામાં પરિવર્તન લાવવાનું કહેવામાં આવ્યું ત્યારે તેનો જવાબ એ હતો કે સરકાર ખેડૂતો સાથે સમાધાનનું કાર્ય કરી રહી છે.
દેશમાં શરૂ થશે પ્રધાનમંત્રી વાઇ-ફાઇ એક્સેસ ઇંટરફેસ, 1 કરોડ સેન્ટર ખોલવાને મળી લીલી ઝંડી
કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદના જણાવ્યા મુજબ સરકાર દેશમાં 1 કરોડ ડેટા સેન્ટર્સ ખોલશે. આ યોજનાનું નામ પ્રધાનમંત્રી વાઇ-ફાઇ એક્સેસ ઇંટરફેસ રાખવામાં આવ્યું છે, જેના દ્વારા દેશમાં વાઇ-ફાઇ ક્રાંતિ લાવવામાં આવશે. આ અંતર્ગત, સરકાર જાહેર ડેટા ઓફિસ (PDO)ખોલશે, આ માટે કોઈ લાઇસન્સની જરૂર રહેશે નહીં. કોઈપણ હાલની દુકાન ડેટા ઓફિસમાં ફેરવાશે. સરકારને 7 દિવસમાં ડેટા ઓફિસ, ડેટા એગ્રિગેટર, એપ્લિકેશન સિસ્ટમ માટે કેન્દ્રો ખોલવાની મંજૂરી આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે લક્ષદ્વીપના ટાપુઓ પર ફાઇબર કનેક્ટિવિટી પણ ઉમેરવામાં આવશે. કનેક્ટિવિટી 1000 દિવસમાં કોચિથી લક્ષદ્વીપના 11 ટાપુઓ પર પહોંચાડવામાં આવશે.