મથુરા કોર્ટે શુક્રવારે કૃષ્ણજન્મભૂમિની બાજુની મસ્જિદ હટાવવા મુદ્દે કરવામાં આવેલી અરજીને સ્વીકારી છે.
કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ સાધના રાણી ઠાકુરે રવિવારે આ અરજી સ્વીકારી છે. આ મુદ્દે કોર્ટ 18 નવેમ્બરે આવતી સુનાવણી કરશે.
શું છે કેસ?
મથુરા કોર્ટમાં એક જૂથે દાવો કર્યો છે કે 17મી સદીની શાહી ઇદગાહ મસ્જિદને કૃષ્ણની જન્મભૂમિ ઉપર બનાવવામાં આવી છે. આ મસ્જિદ કટરા કેશવ દેવ મંદિરના 13 એકરના વિસ્તારમાં આવેલી છે.
રામ મંદિરના કેસની જેમ અહીં ફરિયાદ ભગવાન શ્રીકૃષ્ણ બિરાજમાનના બાળ સ્વરૂપ વતી દાખલ કરવામાં આવી છે. અહીં સામા પક્ષે ઉત્તરપ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને શાહી ઇદગાહ મસ્જિદ ટ્રસ્ટ છે.
ફરિયાદની થઇ રહી છે ટીકા
અખિલ ભારતીય તીર્થ પુરોહિત મહાસભાના પ્રેસિડેન્ટ મહેશ પાઠકે આ ફરિયાદની ટીકા કરીને જણાવ્યું છે કે કેટલાક બહારના તત્વો મંદિર મસ્જિદનો વિવાદ ઉભો કરીને મથુરાની શાંતિ ડહોળવા માંગે છે.
મથુરામાં 20મી સદી પછી આ બંને પક્ષો વચ્ચે કોઈ વિવાદ નથી. પ્લેસીસ ઓફ વરશીપ (સ્પેશ્યલ પ્રોવિઝન) એક્ટ 1991માં જે તે ધાર્મિક સ્થળ જ્યાં છે ત્યાં જ તેમનું સ્થળ રાખવાનો કાયદો બનાવવામાં આવ્યો છે. રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદને આ કાયદાથી એક અપવાદ રાખવામાં આવ્યો હતો.