Team VTV04:08 PM, 29 Mar 22
| Updated: 04:13 PM, 29 Mar 22
ખેડૂતો અને પશુપાલકોએ હાલ અનેક માંગણીઓ સાથે રસ્તા પર ઉતરી ગયા છે ઠેર ઠેર ઘરણા અને વિરોધના કાર્યક્રમો થઈ રહ્યા છે.
ખેડૂતો અને પશુપાલકો મુદ્દે AAP મેદાને
"12 કલાક વીજળી નહીં ત્યાં સુધી બીલ નહીં ભરે"
આમ આદમી પાર્ટીએ આપી ચીમકી
ગુજરાતમાં હાલ એક તરફ ખેડૂતો વીજળી અને સિંચાઇના પાણી મુદ્દે સરકાર સામે બાયો ચડાવી તો બીજી તરફ પશુપાલકો પણ રખડતા ઢોર મુદ્દે પસાર થનારા વિધેયકનો તીવ્ર વિરોધ કરી રહ્યા છે. ચૂંટણી નજીક છે માટે વિપક્ષ પણ આ મુદ્દાઓને ભરપૂર સમર્થન આપી રહ્યું છે. અને ખેડૂતો અને પશુપાલકોને પોતાની તરફ કરવા અને સરકારને ઘેરવા અનેક વિધ કાર્યક્રમો આપી રહ્યું છે ત્યારે હવે ખેડૂતોને વીજળી આપવા મામલે AAP આકરા પાણીએ છે.
12 કલાક વીજળી નહીં ત્યાં સુધી બીલ નહીં ભરે: ગુજરાત AAP
ખેડૂતો અને પશુપાલકો મુદ્દે આમ આદમી પાર્ટી પણ હવે મેદાને આવી ગઈ છે. AAP નેતા સાગર રબારીએ ચીમકી ઉચ્ચારતા કહ્યું કે ખેડૂતોને 12 કલાક વીજળી નહીં મળે ત્યાં સુધી બીલ નહીં ભરે, સાથે એ પણ હામ ભરી છે કે વીજ કંપનીઓ ખેડૂતોના કનેક્શન કાપશે તો AAP કનેક્શન જોડશે.
સરકારી કર્મીઓને ગામ અને ખેતરમાં પ્રવેશ ન આપવા AAPની અપીલ
વધુમાં AAP નેતા સાગર રબારીએ વિરોધમાં જોડાયેલા તમામ ખેડૂતોને અપીલ કરી છે કે સરકારી કર્મીઓને ગામ અને ખેતરમાં પ્રવેશ ન આપવા આવે, સાથે એલાન કર્યું કે ખેડૂતોનો વીજ પુરવઠો બંધ થશે તો AAP ઉદ્યોગો અને શહેરોનો વીજ પુરવઠો ખોરવશે. સરકાર માંગણી નહીં સ્વિકારે તો નેશનલ હાઇવે ચક્કાજામ કરવાની ચીમકીનું પણ સરકારને AAP નેતાઓએ અલ્ટીમેટમ આપી દીધું છે.
ખેડૂતો 8 કલાક વીજળીને લઈ કરી રહ્યા છે વિરોધ
તાયફાઓ કરી કંપનીઓ અને ઉદ્યોગકારોને છાવરતી સરકાર રાજ્યના ખેડૂતોને પાયમાલ કરવા માગે છે.આવું અમે નહીં પરંતુ આક્રોષમાં જોવા મળતા રાજ્યના અન્નદાતા કહે છે.કારણ કે, આજે પાટનગરથી લઈને દરેક તાલુકાઓમાં અન્નદાકાનો આક્રોષ ભભુકી ઊઠ્યો છે અને સરકારને માત્ર 72 કલાકમાં જ વીજળીની સમસ્યાના સમાધાનનું અલ્ટીમેટમ આપ્યું હતું તે હવે પૂરું થવા જઇ રહ્યું છે. ત્યારે ખેડૂતોને પુરતી વીજળીની માગ મામલે આજે મહત્વની બેઠક યોજવા જઈ રહી છે.ઉર્જામંત્રીએ વીજળી મામલે ચર્ચા કરવા માટે 5 જેટલા ખેડૂત પ્રતિનિધીને આમંત્રણ આપ્યું છે.ખેડૂતોની એક જ માગ છે કે સરકાર દ્વારા 8 કલાક વિજળી આપવામાં આવે અને સિંચાઇ માટે પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે
રખડતા ઢોર મુદ્દે પસાર થનારા વિધેયકનો વિરોધ
ગાંધીનગરના ગોકુળપુરામાં રહેતા 31 માલધારીઓએ કલેકટરને લેખિત અરજી કરી ઈચ્છામૃત્યુની માંગ કરી છે. હાલ ગુજરાતના પશુપાલકો રખડતા ઢોર મુદ્દે પસાર થનારા વિધેયકનો ભારે વિરોધ કરી રહ્યા છે. રખડતા ઢોર માટેનું વિધેયક લાગુ ન કરવા રજૂઆત કલેકટરને કરવામાં આવઇ હતી. સરકાર અલાયદી વ્યવસ્થા કરે તેવી માંગ પણ મૂકવામાં આવી છે.
મારા વિસ્તારમાં વીજળીના 200 કોલ દરરોજ આવે છે - કનુ બારૈયા
કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઈ બારૈયાનું વિધાનસભા ગૃહમાં નિવેદન. કનુ બારૈયાએ જણાવ્યું હતું કે મારા વિસ્તારમાં વીજળીના 200 કોલ દરરોજ આવે છે. હાલ મત વિસ્તારમા ન જઇ શકીએ એવી સ્થિતિ ઉભી થઇ છે. મુખ્યમંત્રીએ 6 કલાક વીજળી આપવાની જાહેરાત કરી હતી. પરંતુ ખેડૂતોને વીજળી નથી મળી રહી. વધુમાં તેમણે કહ્યું હતું કે કપાસ પર 5 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે. કપાસ પરનો ટેક્સ દૂર કરવામાં આવે એવી માંગ પણ કરવામાં આવી હતી. ભૂતકાળની કોઇ સરકારે ટેક્સ લગાવ્યો નથી.