બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / VTV વિશેષ / અન્ય જિલ્લા / Secretariat / કેટલાક મંત્રીઓ માટે બજેટ સત્ર બની જશે છેલ્લું, જાણો કોણ બની શકે છે નવા મંત્રી
Sanjay Vibhakar
Last Updated: 12:01 PM, 19 February 2025
બજેટ સત્રમાં રેવન્યુને લગતા મોટા સુધારાના નિર્ણયની જાહેરાત થશે
ADVERTISEMENT
વિધાનસભાના બજેટ સત્રમાં રેવન્યુને લગતા કેટલાક સુધારા વધારા કરવાનો ખુબ જ મહત્વનો નિર્ણય કરી શકાય છે. સચિવાલયમાં થઈ રહેલી ચર્ચા મુજબ, રેવન્યુ વિભાગમાં સરકાર છેલ્લા ઘણા સમયથી કોઈ મોટા ફેરફારો કરવાની ઈચ્છા રાખે છે. થોડો સમય પહેલા ગણોતધારાના સુધારા કરવા માટે સરકારે મીના કમિટી પણ બનાવી હતી. મીના કમિટીએ 250થી વધુ પેજનો રિપોર્ટ સરકારને ક્યારનો સોંપી દીધો છે. જેમાં કેટલીક ભલામણો પણ કરાઈ છે. આમ છતાં સરકાર આજ દિન સુધી કોઈ જ નિર્ણય કરી શકી નથી. સૂત્રોના મતે, ખાસ કરીને ખેડૂતોના સંદર્ભમાં, જૂની અને નવી જમીનોના સંદર્ભમાં તેમજ ગણોતધારાના સંદર્ભમાં અને રેવન્યુ કોર્ટની કાર્યવાહીના સંદર્ભમાં મહત્વના અને ધરખમ ફેરફારો કરવાના મૂડમાં છે. રેવન્યુ કાયદાના ફેરફારની બ્લ્યુ પ્રિન્ટ પણ તૈયાર થઈ ગઈ છે. જેના માટે દિલ્હીથી પણ મંજૂરી લેઈ લેવાઈ છે. મીના કમિટીના અહેવાલને બાજુ પર મુકી દઈને અન્ય કોઈ કમિટીના અહેવાલને ઘ્યાનમાં રાખીને કેટલાક સુધારા વધારા કરાશે. જેના માટે સરકાર વિધાનસભા સત્રમાં જ ખાસ સુધારા બિલ રજૂ કરીને તેને મંજૂર કરશે .આ સુધારાનો મુખ્ય ઉદેશ્ય અધિકારીઓ દ્રારા જમીનોના કરાઈ રહેલા કૌભાંડોને બંધ કરવાનો છે. તેમજ જે કોઈ ખામી છે તેને દૂર કરીને જમીનોના તમામ કામોમાં પારદર્શિકતા લાવવાનો છે. જો આ સુધારા બિલ આવશે તો ઘણા અધિકારીઓની ભ્રષ્ટાચારની દુકાનોને તાળા લાગી જશે એ પણ નિશ્ચિત છે.
મોટાભાગના મંત્રીઓ મહાકુંભમાં અને સચિવાલયના અધિકારીઓ ઘરમાં
ADVERTISEMENT
દર બુધવારે મંત્રીમંડળની કેબિનેટની બેઠક મળતી હોય છે. પરંતુ ગત બુધવારે મોટાભાગના મંત્રીઓ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલતા મહાકુંભમાં ડુબકી લગાવવા ગયા હોવાથી બેઠક મળી નહોતી. ઘણા મંત્રીઓ તો સોમવારે જ મહાકુંભ જતા રહ્યા હતા. બુધવારે પણ ઘણા મંત્રીઓ મહાકુંભમાં હતા. જેને કારણે આખુ અઠવાડિયું સચિવાલય સૂમસામ બની ગયુ હતુ. જો કે, વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા IAS અધિકારીઓ પણ મંત્રીઓની ગેરહાજરીથી ખુશ હતા. જેમને કોઈ ખાસ કામ નહોતું તેઓએ દિવસના મોટાભાગનો સમય ઘરે જ રહેવાનુ પસંદ કર્યુ હતું. જ્યારે ઘણા અધિકારીઓએ મીટીંગો ગોઠવીને આગળના કામો ઉપર ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી. બીજી બાજુ બ્યુરોક્રેટસમા પણ એવી હળવી રમૂજ સાથે ચર્ચા હતી કે, મહાકુંભની જેમ દર મહિને એક વખત આ પ્રકારનો કોઈ ધાર્મિક કાર્યક્રમ યોજાતો હોય તો કેવુ સારું. કેમકે મંત્રીઓ તેમાં હાજરી આપે તો આપણને એક દિવસની શાંતિ મળે. મંત્રીઓની કડાકૂટમાંથી એક દિવસની મુક્તિ મળે. તેમજ પેન્ડિંગ કામોને ઝડપથી આગળ ધપાવી શકાય. તો અન્ય કેટલાક અધિકારીઓએ એવી કોમેન્ટ કરી કે કામ તો આખી જીંદગી રહેવાનુ છે, પરંતુ મંત્રીઓની ગેરહાજરીને કારણે આપણને બપોરે ઘરે જવાનો અને ગરમ ભોજન ખાવાનો મોકો મળે છે. ત્યારબાદ પણ ઓફિસે આવવાની કોઈ ઉતાવળ રહેતી નથી. શાંતિથી આરામ કરવાની તક પણ મળે છે. જ્યારે અમુક સિનિયર અધિકારી એવી મઝાકો કરતા હતા કે, કુંભમેળામાં ગયા પછી ભ્રષ્ટાચાર કરી રહેલા મંત્રીઓ ભ્રષ્ટાચાર બંધ કરી દેશે કે ચાલુ રાખશે ?
IAS અધિકારીઓની બદલીઓ તો થઈ પણ IPS અધિકારીઓની બદલી ક્યારે?
થોડા સમય પહેલા સરકારે IAS અધિકારીઓની સાગમટે બદલીઓ કરી દીધી હતી. હજુ પણ CMOમાં એક જગ્યા ખાલી હોવાથી તેમજ ગરવીમાં અને કુટિરમાં સેક્રેટરીની નિમણૂકો બાકી છે. માટે હજુ સનદી અધિકારીઓની બદલીનો નાનો દૌર આવશે. બીજી બાજુ IPSની બદલીમાં સરકારે ઘણો લાંબો સમય ખેંચી કાઢ્યો છે. જેને કારણે અનેક સિનિયર IPS અધિકારીઓ પણ ટેન્શન અનુભવી રહ્યા છે. વાસ્તવમાં તો 10મી જાન્યુઆરી પહેલા જ IPS અધિકારીઓની બદલીની તૈયારીઓ કરી દેવાઈ હતી. પણ હજુ સુધી બદલીની યાદીને ફાઈનલ કરી શકાઈ નથી. IPS અધિકારીઓ બદલીના સંદર્ભમાં રોજ એકબીજાને પૂછી રહ્યા છે. કેટલાક અધિકારીઓ હતોત્સાહ થઈ ગયા છે તે અમુક અધિકારીઓમાં ગુસ્સો પણ છે. તેઓ માને છે કે, વર્ષોથી IASઅધિકારીઓ IPS અધિકારીઓ માટે ઓરમાયુ વર્તન રાખતા આવ્યા છે. પોતાની બદલીઓ ફટોફટ કરાવી લે છે પણ અમારી બદલીઓમાં રસ લેતા નથી અને જાણી જોઈને લાંબો સમય ખેચતા હોય છે. અમારી બદલીઓ શા મટે નથી કરાતી તેનુ પણ હવે કોઈ જ કારણ નથી. IPS અધિકારીઓની એવી લાગણી છે કે, સરકારે હવે લાંબો સમય રાહ જોવડાવ્યા વગર તાત્કાલીક ધોરણે બદલીઓના આદેશ કરી દેવા જોઈએ.
19મીથી શરૂ થતુ બજેટ સત્ર કેટલાક મંત્રીઓ માટે છેલ્લુ બની રહેશે!
19મી ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનુ બજેટ સત્ર ચાલુ થઈ રહ્યું છે, જે 30મી માર્ચ સુધી ચાલવાનું છે. 20મીએ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે. સચિવાલયમાં ચર્ચા શરૂ થઈ છે કે, આ બજેટ સત્ર હાલના ગુજરાતના કેટલાક મંત્રીઓ માટે કદાચ છેલ્લુ સત્ર બની રહેશે. કેમ કે, એપ્રિલ મહિનામાં મંત્રીમંડળનુ વિસ્તરણ થવાનુ નક્કી માનવામાં આવે છે. જેથી કેટલાક મંત્રીઓને વિવિધ કારણોથી પડતા મુકવામાં આવશે. જેમાં ખાસ કરીને બીમારી, પોતાના વિભાગમાં કામ પ્રત્યેની બેદરાકારી કે ઢીલાપણુ, તેમજ કેટલા કિસ્સામાં ભ્રષ્ટાચારનું કારણ આપીને હકાલપટ્ટી કરાશે. જેની સામે નવા જે મંત્રીઓની એન્ટ્રી થશે તેમા યુવાન, ભણેલા અને જેની છાપ સારી છે તેવા ધારસભ્યો પર પ્રથમ પસંદગી ઉતારાશે. જેથી આગામી બજેટ સત્રમાં અને તે પહેલા યોજાનારા ચોમાસાના ટૂંકા સત્રમાં નવા ચહેરાઓ જોવા મળશે. જો કે, અમુક મંત્રીઓને તો પોતાની આ છેલ્લી ટર્મ હોઈ શકે છે તેનું ઈન્ડિકેશન પણ મળી ગયું હોવાથી બજેટ સત્રમાં તેઓ પોતાના ભાષણમાં પણ કદાચ તેનો આડકતરો ઉલ્લેખ કરી દે તો કોઈને નવાઈ લાગશે નહી,
વધુ વાંચોઃબજેટ પહેલા ગુજરાત ભાજપને મળી શકે છે નવા પ્રમુખ, બજેટ બાદ મંત્રી મંડળના વિસ્તરણની પણ શક્યતા
સાબરમતી રિવરફ્રન્ટના ચેરમેન તરીકે આઈ. પી. ગૌતમની નિમણૂકથી ખુશીનો માહોલ
સાબરમતી રિવરફ્રન્ટ યોજનાના ચેરમેન તરીકે અમદાવાદના પૂર્વ મ્યુનિ.કમિશનર આઈ. પી. ગૌતમની તાજેરતમાં જ સરકારે નિયુક્તિ કરી છે. જેને લઈને રિવરફ્રન્ટમાં જૂદા જૂદા પ્રકારની કામો કરી રહેલા નાના મોટા કોન્ટ્રાકટરોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. જેની પાછળનુ કારણ એવુ છે કે, ગૌતમને ભુતકાળમાં મેટ્રો ટ્રેનની કામીગીરીની પણ જવાબદારી સોંપાઈ હતી. એ સમયે તેઓએ રિવરફ્રન્ટમાં મેટ્રોનુ કામ કરાવ્યુ હતુ. હવે રિવરફ્રન્ટની જવાબદારી આવી હોઈ ગૌતમને કામ કરવામાં ઘણી જ સરળતા રહેશે. એવી ચર્ચા છે કે, ગૌતમની નિયુક્તિ પહેલા અનેક નાના મોટા કામો પેન્ડિંગ હતા. કેટલાય કોન્ટ્રાકટરો ધક્કા ખાતા હતા. વિવિધ પ્રકારની ફરિયાદો થતી હતી. પણ ગૌતમની નિમણૂક થતાં હવે આ બધી સમયસ્યાઓનો અંત આવશે એવુ કોન્ટ્રાકટરોને લાગી રહ્યુ છે. કેમકે આ પૈકીમાં ઘણા કોન્ટ્રાક્ટરોએ તો ગૌતમ સાથે તેઓ મ્યુનિ. કમિશનર હતા અને મેટ્રો ટ્રેનની જવાબદારી સંભાળતા હતા ત્યારે કામ કર્યુ હતુ. જેમાંથી મોટાભાગના કોન્ટ્રાકટરોને તેમની સાથે કામ કરવામાં સરળતા રહેતી હોવાથી તેઓ અત્યારે ખુશ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.