બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Travel / અન્ય જિલ્લા / Dang would be best vacation place in Gujarat
ADVERTISEMENT
ડાંગના લોકો મુખ્યત્વે કુંકણી ભાષા બોલે છે
ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યનું ૧૯૬૦માં વિભાજન થયું ત્યારે ડાંગ જિલ્લાને ગુજરાત સાથે જોડવામાં આવ્યો. આદિવાસી વસ્તી ધરાવતાં આ જિલ્લાના લોકો મુખ્યત્વે કુંકણી ભાષા બોલે છે, તો ગુજરાતી અને મરાઠી બંને ભાષાઓ સમજી પણ શકે છે. આજની નવી પેઢી હવે શહેરોની સાથે સંપર્કમાં આવતાં ડાંગ જિલ્લામાં ક્યાંક ક્યાંક તમને શહેરીપણુ પણ જોવા મળે છે.
ADVERTISEMENT
જોકે તેમ છતાં આજે પણ ડાંગ જિલ્લામાં પ્રવેશો એટલે શહેરી દોડધામના જીવનમાંથી કુદરતના ખોળે પહોંચ્યાનો અહેસાસ થયા વિના રહેતો નથી. ઊંચા પહાડ, ઊંડી ખાઈ, ચારે બાજુ જંગલ અને કાન દઈને સાંભળો તો ક્યારેય ન સાંભળ્યા હોય એવો પક્ષીઓનો કલરવ સંભળાય એટલે સમજી લેવું કે તમે ડાંગ જિલ્લામાં પ્રવેશી ચૂક્યા છો.

ADVERTISEMENT
રાજ્યનું એક માત્ર ગિરિમથક સાપુતારા ડાંગમાં છે
ADVERTISEMENT
ડાંગ જિલ્લાના મુખ્ય પ્રવાસન સ્થળ સાપુતારા રાજ્યનું એક માત્ર ગિરિમથક હોવાનું બિરુદ ધરાવે છે. સામાન્ય રીતે મહારાષ્ટ્રમાં શિરડી સાંઈ બાબાનાં દર્શને જતાં-આવતાં પ્રવાસીઓ એક રાત્રી સાપુતારામાં રોકાણ કરી ડાંગની કુદરતી સુંદરતાનો આનંદ માણતા હોય છે. તો કેટલાક કુદરતી પ્રેમીઓ વિક-એન્ડમાં સાપુતારા પહોંચે છે.
હવે સાપુતારામાં રાત્રી રોકાણ માટેની સુવિધાઓ ઉપરાંત નાના બાળકથી લઈને મોટેરાઓને મજા પડે તેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. પેરાગ્લાઇડિંગ, રોપ-વૅ, બોટિંગ ઉપરાંત સનસેટ અને મ્યુઝિયમ ઓછી રજાના પ્રવાસમાં વધુ આનંદ કરાવતાં પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યું છે. જોકે સાપુતારા સિવાય પણ ડાંગ પાસે ઘણુ છે અને ચોમાસાની ઋતુની શરૃઆતથી દિવાળી સુધી ડાંગનો આનંદ લૂંટવા ૧૫ દિવસનો પ્રવાસ પણ ઓછો પડે તેમ છે. અત્યારે કદાચ આ વાત આપને અતિશયોક્તિ લાગશે, પણ આ અહેવાલના અંતમાં તમે પણ કહેશો કે... તો ચલો, કરો બેગ પેક.
ADVERTISEMENT
ગુજરાતના કોઈ પણ શહેરથી ડાંગનો પ્રવાસ ખેડવા માંગતા પ્રવાસી સુરતથી કાર ભાડે કરીને કે પછી પોતાના વાહન દ્વારા પ્રવાસની શરૃઆત કરી શકે છે. ડાંગની કુદરતી સુંદરતાને માણવા માગતા પ્રવાસીઓ પ્રવાસના છેલ્લા સ્થળ તરીકે સાપુતારાને મુકે છે, ત્યારે તમને સવાલ થશે કે તો એ પહેલા ક્યાં જવાય? સાપુતારા પહોંચવા માટે સુરતથી ત્રણ રસ્તાઓ છે અને ત્રણેય માર્ગો તમને સાપુતારા પહેલાં સોશિયલ મીડિયામાં મૂકવા માટેના ફોટોની ભરપૂર તક આપશે.
સુરતથી સાપુતારા પહોંચવાનો માર્ગ
ADVERTISEMENT
સુરતથી સાપુતારા પહોંચવાનો પહેલો માર્ગ - સુરતથી બારડોલી, મહુવા, કરચેલિયા, વાંસદા થઈને સાપુતારા જઈ શકાય છે. બીજો માર્ગ સુરતથી ચીખલી થઈને વાંસદાથી સાપુતારા જઈ શકાય છે અને વલસાડથી સાપુતારા જવા માટે ધરમપુર, વાંસદા થઈને સાપુતારા પહોંચી શકાય છે. જોકે, છેલ્લાં પાંચ વર્ષમાં સાપુતારા સુધી પહોંચતા દરેક રસ્તો નવો બન્યો છે. પરિણામે વિક-એન્ડ પર જતાં દક્ષિણ ગુજરાતના લોકો સીધા સાપુતારા પહોંચવાને બદલે ગામડાંઓ ખૂંદીને જવાનું વધુ પસંદ કરે છે. આવા જ કેટલાક માર્ગો અને પ્રવાસન સ્થળોની આપણે માહિતી મેળવીશું.
સુરત અથવા વ્યારાથી પ્રવાસ શરૃ કરીને સાપુતારા સુધી જતી વખતને કુદરતી સ્થળોનો આનંદ માણતાં આગળ વધવાનો માર્ગ આ પ્રમાણે છે. ચોમાસાના રમણીય વાતાવરણમાં વહેલી સવારે પ્રવાસની શરૃઆત કરીને સુરતથી વ્યારા (૭૦ કિલોમીટર) -આ માર્ગ ફોરલૅન હોવાથી માત્ર સવા કલાકમાં પહોંચી શકાય છે. વ્યારાથી હવે તમે કુદરતના ખોળામાં જવાના હોવાથી પેટ્રોલની ટાંકી ફુલ કરી ચા-નાસ્તો કરી સજ્જ થઈ જવું. વ્યારાથી પહેલું પ્રવાસન સ્થળ છે આંબાપાણી કેમ્પ સાઇટ - ૩૦ કિલોમીટર.

આંબાપાણી કેમ્પ સાઇટઃ
અત્યાર સુધી માત્ર નેચર લેવર માટેની કેમ્પ સાઇટ હતી, દિવાળી અને ચોમાસામાં અહીં કેમ્પ થતાં, પરંતુ આવતાં વર્ષથી આ સ્થળ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. અત્યાર સુધી અહીં લાઇટની સુવિધા ન હતી. પૂર્ણા નદીના કિનારે આવેલી આ કેમ્પ સાઇટનું સ્થળથી ચેકડેમ પરથી નદીના વહેણને પારખી સીધા જંગલમાં પ્રવેશી શકાય છે. જંગલ, નદી અને વાઇલ્ડ લાઇફ જોવાનો આ પહેલો જ અનુભવ તમને રોમાંચિત કરી મૂકશે. આવતાં વર્ષે અહીં પ્રવાસીઓ રાત્રીરોકાણ પણ કરી શકશે. વ્યારાથી આંબાપાણીની મજા માણ્યા બાદ આગળનું પ્રવાસન સ્થળ એટલે માયાદેવી કેમ્પ સાઇટ - ૧૧ કિલોમીટર.
માયાદેવી કેમ્પ સાઇટ
નેચર લવર માયાદેવી કેમ્પ સાઇટની સરખામણી ભારતના ગ્રાન્ડ કેનિયન તરીકે કરે છે. એરીઝોનામાં ગ્રાન્ડ કેનિયન જેવી જ મજા માયાદેવી કરાવે છે. પરિણામે આજકાલ પ્રિવૅડિંગ શૂટ માટે આ સ્થળની પસંદગી થઈ રહી છે. અહીં નદી કિનારે માયાદેવીનું મંદિર આવેલું છે. આદિવાસી લોકોમાં આ દેવીનું મહત્ત્વ છે. ડાંગમાં વરસાદ પડે એટલે આ મંદિર પાણીમાં ડૂબી જાય છે. ત્યાર પછીનું ડેસ્ટિનેશન પ્રવાસીઓ કુદરતની મજા સાથે એડવેન્ચર્સ ફિલિંગ કરાવનારું સ્થળ છે. રૃપગઢનો કિલ્લો - ૨૫ કિલોમીટર.
રૂપગઢનો કિલ્લો
૧૭૨૧માં પીલાજી રાવ ગાયકવાડ દ્વારા આ કિલ્લો બનાવવામાં આવ્યો હતો અને સોનગઢને તેમણે પોતાની રાજધાની બનાવી હતી. વર્ષો બાદ તેમના પુત્ર દામજી રાવ આ વિસ્તાર છોડી વડોદરા રહેવા જતા રહ્યા હતા. જંગલની વચ્ચોવચ હોવાને કારણે વાહનો રોડ પર પાર્ક કરી અંદાજે બે કલાક ટ્રેક કરીને રૃપગઢ પહોંચી શકાય છે અને ત્યાં પહોંચ્યા બાદ તમારો થાક એક જ સેકન્ડમાં ઊતરી જશે એ નક્કી છે. જંગલની અંદર હોવાથી ફોરેસ્ટ વિભાગની પરવાનગી જરૃરી છે. સાથે ગામમાંથી ગાઇડ લેવો પણ જરૃરી છે, કારણ કે જો રસ્તો ભૂલ્યા તો મુશ્કેલીમાં મુકાવાનો વારો આવી શકે છે. ઐતિહાસિક કિલ્લો સમુદ્રથી ૧૬૭૦ ફૂટની ઊંચાઈએ આવેલો છે. ત્યાર પછીનું ચોમાસાની ઋતુમાં માણવાલાયક પ્રવાસન સ્થળ એટલે ક્રેબ ફોલ - રૃપગઢ જવા માટેના ગામ પિપલ ફળિયાથી ૧૦ કિલોમીટર.
ક્રેબ ફોલ
સ્થાનિક લોકો તેને ધુલદાના ધોધ તરીકે પણ ઓળખે છે. એક સમયે આ ધોધમાંથી મોટા પ્રમાણમાં કરચલાં પાણી સાથે વહીને આવતાં હોવાથી તેનું નામ ક્રેબ ફોલ રાખવામાં આવ્યું છે. હવે કરચલાંઓનું પ્રમાણ નહીંવત થઈ ગયું હોવાથી પ્રવાસીઓ માટે એ નાહવાની મજા માણવાનું અને સેલ્ફી પોઇન્ટ બન્યું છે. ડાંગમાં પહેલા વરસાદથી ઑક્ટોબર સુધી આ ધોધ વહેતો જોવા મળે છે. ત્યાર બાદનું સ્થળ એટલે રસ પથ્થર વૉટર ફોલ - માત્ર ૪ કિલોમીટર દૂર આવેલો વધુ એક ધોધ.
રસ પથ્થર
મહલના જંગલમાં આવેલા આ ધોધની મજા સારો વરસાદ રહે તો દિવાળી સુધી માણી શકાય છે. ઓછી મહેનતથી જંગલની મજા માણવા માગતા પ્રવાસીઓ માટે આ એક ઉત્તમ સ્થળ છે. એક સમયે ધોધ સુધી ચાલીને જવું પડતું હતું, પરંતુ હવે ત્યાં સુધી રોડ બની ગયો છે. માટે આ માર્ગથી પસાર થતાં દરેક પ્રવાસીએ આ સ્થળની મુલાકાત અચૂક લેવી જ જોઈએ.
મહલ
રસ પથ્થરથી ૧૫ મિનિટના રસ્તે મહલ કેમ્પ સાઇટ આવે છે. પ્રવાસન વિભાગે અહીં ઇકો ટૂરિઝમ સાઇટ પણ ડેવલપ કરી છે. નેચર લવર્સ માટે આ પ્રવાસનું ઉત્તમ સ્થળ છે. પૂર્ણા નદીના તટે આવેલું આ સ્થળ વાઇલ્ડ લાઇફ જોવા માગતા પ્રવાસીઓ માટે સ્વર્ગ છે. દીપડો, અજગર ઉપરાંત ઊડતી ખિસકોલી જેવી દુર્લભ પ્રજાતિઓ પણ અહીં જોવા મળી શકે છે. ડિસ્કવરી અને નેશનલ જિયોગ્રાફિક ચેનલ પર ટીવીમાં જોવા મળતાં ગીચ જંગલો જેવું જંગલ આંખોને ઠંડક આપે છે અને શરીરના થાકને દૂર કરે છે. મહલના જંગલના કેટલાક વિસ્તારમાં દિવસે સૂર્યનાં કિરણો જમીન પર પહોંચી શકતાં નથી, એ વાતથી જંગલમાં વૃક્ષોની ગીચતાનો અંદાજ લગાવી શકાય છે. છેલ્લે ૧૯૮૭માં આ વિસ્તારમાં વાઘ જોવા મળ્યાનું પણ વન વિભાગના ચોપડે નોંધાયું છે.
દેવીના માળ
સાપુતારા પહોંચવાના માર્ગ પર હવે આગળ વધીએ તો મહલથી ૪૦ કિલોમીટર દૂર દેવીના માળ કેમ્પ સાઇટ આવેલી છે. પ્રવાસન વિભાગે તેને પણ ઇકો ટૂરિઝમ સાઇટ તરીકે વિકસાવી છે. આ સ્થળ હજુ સુધી જોઈએ તેટલા પ્રમાણમાં એક્સપ્લોર થયું નથી. ડુંગરના ટોચ પર આવેલી કેમ્પ સાઇટ એક અલગ જ પ્રકારની અનુભૂતિ કરાવે છે. ગીચ જંગલોમાંથી પસાર થતો માર્ગ અને તેમાંથી કારના કાચ ખુલ્લા રાખી આગળ વધવાની કંઈક અલગ જ મજા છે. આ માર્ગે આખરી ડેસ્ટિનેશન સાપુતારા છે. જ્યાં પહોંચતા પણ અંદાજે સવા કલાક જેટલો સમય લાગી જાય છે. મહલનાં જંગલોની મજા માણ્યા બાદ જો તમે કુદરતને વધુ માણવા માંગતા હોવ તો સીધા સાપુતારા જવાને બદલે બીજો રૃટ પસંદ કરી શકો છો.

ગિરમાળ ધોધ
મહલથી સુબીર ગામ થઈને સર્પાકાર માર્ગે ગિરમાળ ધોધ જવાય છે. સામાન્ય રીતે વઘઈ પાસે આવેલા ગિરાધોધને જ પ્રવાસીઓ ગિરમાળ ધોધ પણ સમજે છે, જોકે આ બંને ધોધ અલગ છે અને બંને એક બીજાથી ખાસા દૂર પણ છે. ગિરમાળ ધોધ દક્ષિણ ગુજરાતના સૌથી ઊંચા ધોધ તરીકે પણ ઓળખાય છે. આ માર્ગ પર જતી વખતે ગિરા નદીના એક નવા સ્વરૃપનાં પણ દર્શન થાય છે. આ માર્ગ પર યુ-ટર્ન નામથી પ્રચલિત જગ્યા પર ગિરા નદીનો વળાંક ફોટોગ્રાફરોને ખૂબ જ આકર્ષિત કરે છે.
શબરીધામ અને પમ્પા સરોવર
આ માર્ગે જતાં પ્રવાસીઓ પાછા સુબીર થઈને ધાર્મિક મહત્ત્વ ધરાવતાં શબરીધામ અને પમ્પા સરોવરની મુલાકાત લેવાનું ચૂકતા નથી. મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા આ પ્રવાસન સ્થળ સાથે રામાયણમાં વનવાસના પ્રસંગની કથા જોડાયેલી છે. વનવાસ વખતે શબરીએ અહીં જ રામ અને લક્ષ્મણને બોર ખાવા આપ્યાં હતાં. અહીં બનેલું મંદિર અને પમ્પા સરોવર પર પ્રવાસીઓ માટે કુદરતી વાતાવરણમાં નાહવાની મજા કરાવતું
સ્થળ છે.
ડાંગ જિલ્લાના રમણીય પ્રવાસનું શબ્દોમાં કરવામાં આવેલા વર્ણન કરતાં કુદરતે પૂરેલા રંગોને નરી આંખે જોવાની મજા કંઈક અલગ જ છે. સુરતથી સાપુતારા તરફના પ્રવાસની હવે નવા માર્ગથી શરૃઆત કરીએ.
સુરતથી ૮૭ કિલોમીટર દૂર સોનગઢ ગાયકવાડી સ્ટેટના જમાનાનું મહત્ત્વનું મથક છે. અહીં આવેલો કિલ્લો કુદરતની સાથે ઐતિહાસિકતામાં રસ ધરાવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
સોનગઢનો કિલ્લો
પહેલા સુરત અને હવે તાપી જિલ્લામાં આવેલા આ કિલ્લાનું ઐતિહાસિક મહત્ત્વ છે. ૧૬મી સદીમાં બનાવવામાં આવેલો આ કિલ્લો સમુદ્રથી ૧૧૨ મીટરની ઊંચાઈએ આવેલો છે. અંદાજે ૩૦૦ દાદરા ચઢીને કિલ્લા સુધી પહોંચી શકાય છે. પીલાજીરાવ ગાયકવાડ દ્વારા ૧૭૨૯થી ૧૭૬૬ની વચ્ચે તેનું બાંધકામ કરાવવામાં આવ્યું હતું.
દોસવાડા ડેમ
ગાયકવાડી સત્તા સમયે બનાવવામાં આવેલો ડેમ હવે પ્રવાસન સ્થળ બન્યો છે. પથ્થરોથી બનાવવામાં આવેલા આ ડેમની નજીક એક સમયે હાથીઓને ટ્રેનિંગ આપવાનું સેન્ટર બનાવવામાં આવ્યું હતું. ગાયકવાડી સમયમાં ડાંગનાં જંગલોમાંથી લાકડાં લાવવાં, જંગલોમાંથી જ હાથીઓ પકડીને તેમને આ ડેમ નજીક ટ્રેનિંગ આપવામાં આવતી હતી. હાલમાં ડાંગનાં જંગલોમાં હાથી નથી.
ગૌમુખ
સોનગઢથી માત્ર ૧૩ કિલોમીટરના અંતરે આવેલું આ સ્થળ માણવા જેવું છે. પરિવાર સાથે ધોધમાં નાહવાની મજા સાથે અહીં આવેલા મંદિર અને ગૌમુખનું આગવું મહત્ત્વ છે. લોકવાયકા મુજબ ચોમાસા બાદ ધોધમાં પાણી આવતું બંધ થઈ જાય છે, પણ ગૌમુખમાંથી આખું વર્ષ પાણી વહેતું રહે છે.
ચીમેર ધોધ
સોનગઢથી ૪૦ કિલોમીટરના અંતરે જંગલની વચ્ચે આવેલા આ ધોધ સુધી પહોંચનારા પ્રવાસીઓની સંખ્યા ઓછી છે, આજે પણ અહીં સુધી જંગલમાંથી જાણકારને સાથે રાખીને ચાલીને જ પહોંચી શકાય છે, પણ પહોંચ્યા બાદ આ ધોધનો આનંદ અવિસ્મરણીય બની જાય છે. વન-ડે પિકનિક સ્પોટ તરીકે પણ ચીમેર ધોધની પસંદગી કરવામાં આવે છે.
કિલાદ કેમ્પ સાઇટ
આ જ દિશામાં આગળ વધતાં અંબિકા નદીના કિનારે આવેલી આ કેમ્પ સાઇટ રાત્રીરોકાણ માટેનું યોગ્ય સ્થળ છે. તમામ બેઝિક ફેસિલિટી સાથેના રૃમ અહીં છે. એડવેન્ચરના શોખીનો માટે પણ આ સ્થળ પસંદગીનું સ્થળ છે. રેપલિંગ, રિવરક્રોસિંગની મજા અહીં લઈ શકાય છે. ડાંગ જિલ્લાના આ જાણ્યા અજાણ્યા પ્રવાસન સ્થળોની મજાને બેવડી કરતું પ્રવાસન સ્થળ એટલે ડોન. આજથી ૩૦ વર્ષ પહેલાંના નિર્જન પણ કુદરતી સંપત્તિથી ભરપૂર એવા સાપુતારાનો જેણે આનંદ લીધો છે, તેના માટે ડોન હવે પછીનું પસંદગીનું સ્થળ હશે.
આવતા વર્ષથી અહીં પણ રાત્રીરોકાણ માટે પ્રવાસન વિભાગ તરફથી રૃમની વ્યવસ્થા શરૃ કરવામાં આવશે. તમને જાણીને નવાઈ લાગશે કે, સાપુતારા કરતાં પણ ડોન વધુ ઊંચાઈ પર આવેલું છે. આવનારા દિવસોમાં સાપુતારા પછી ડોન ગુજરાતનું બીજું ગિરિમથક બનવા જાય તે પહેલાં એક મુલાકાત આ ચોમાસામાં તો બનતી હૈ.
આલેખનઃ હરિશ ગુર્જર, સુરત
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.