Team VTV03:40 PM, 24 Jan 22
| Updated: 04:30 PM, 24 Jan 22
દેશમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. દેશની સંસદમાં પણ કોરોનાનો બોમ્બ ફૂટ્યો છે, જે અંતર્ગત હવે ઉપરાષ્ટ્રપતિ સહિત 875 કર્મચારીઓ સંક્રમિત થયાં છે.
દેશમાં વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ
સંસદમાં બજેટ સત્ર પહેલા કોરોનાનો બોમ્બ ફૂટ્યો
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ થયાં બીજી વખત કોરોનાથી સંક્રમિત
સંસદમાં 875 કર્મચારીઓ કોરોના પોઝિટીવ આવ્યા છે. સંસદ સચિવાલયે જણાવ્યું છે કે, 31 જાન્યુઆરીથી શરૂ થનારા સંસદના બજેટ સત્ર અગાઉ રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂની સાથે સાથે સદનના 875 સ્ટાફ કોવિડ પોઝિટીવ આવ્યા છે. આ આંકડો મહામારીની ત્રીજી લહેરની શરૂઆત બાદ 20 જાન્યુઆરી સુધી કરવામાં આવેલા ટેસ્ટના છે. સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થનારૂ છે અને તેનો પ્રથમ ભાગનું સમાપન 11 ફેબ્રુઆરીએ થશે.
સંસદમાં ત્રીજી લહેર શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં 2847 ટેસ્ટ થઈ ચુક્યા છે અને તેમાંથી 875 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમણે કહ્યું છે કે, કુલ ટેસ્ટમાંથી 915 ટેસ્ટ રાજ્યસભા સચિવાલય દ્વારા આપવામાં આવેલા અને 271 ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
રાજ્યસભાના સભાપતિ પણ થયા બીજી વખત સંક્રમિત
સત્રનું આયોજન કોવિડ સંબંધિત પ્રોટોકોલનું પાલન સાથે કરવામાં આવશે. તેમણે કહ્યું કે, કોવિડના વધતાં કેસોને ધ્યાને રાખીને લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી એક સાથે ચાલશે અથવા અલગ અલગ પાળીમાં, તેના પર હજૂ નિર્ણય કરવામાં આવશે. રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડૂ પણ કોવિડ 19થી સંક્રમિત થયા છે. તેઓ બીજી વાર સંક્રમિત થયાં છે. ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે ટ્વિટ કર્યું છે કે, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂ આજે કોરોના પોઝિટિવ થયાની પુષ્ટિ થઈ છે. તેઓ હાલમાં હૈદરાબાદમાં છે. તેમણે એક અઠવાડીયા સુધી કોરન્ટાઈનમાં રહેવાનો નિર્ણય કર્યો છે. તેમણે તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવાની અને કોરન્ટાઈન થવાની પણ સલાહ આપી છે, જે લોકો તેમના સંપર્કમાં આવ્યા હતાં. હાલમાં તો એવું નથી લાગતું કે, બુધવારના ગણતંત્ર દિવસ સમારંભમાં તેઓ ભાગ લઈ શકે.
8 એપ્રિલ સુધી ચાલશે આ સત્ર
સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીએ શરૂ થશે, જ્યારે રાષ્ટ્રપતિ બંનેની સંયુક્ત બેઠકને સંબોધન કરશે અને તે 8 એપ્રિલે સમાપ્ત થશે. કેન્દ્રીય બજેટ એક ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. ત્યાર બાદ એક મહિનાની રજા બાદ સત્રનો બીજો તબક્કો પણ 14 માર્ચના રોજ શરૂ થશે અને 8 એપ્રિલ સુધી ચાલશે.
વર્ષ 2020નું ચોમાસું સત્ર પહેલું એવું સત્ર હતું, જે કોવિડ પ્રોટોકોલ અંતર્ગત સંપૂર્ણ ચાલ્યું હતું. આ દરમિયાન રાજ્યસભાની કાર્યવાહી દિવસના અડધા સમય અને લોકસભાની કાર્યવાહી ત્યાર બાદ ચાલી હતી. આવી રીતે પ્રોટોકોલનો 2021નું બજેટ સત્રનો પહેલા ભાગમાં પણ પાલન કરવામાં આવ્યું હતું. ગત વર્ષે બંને બજેટ સત્રનો બીજો ભાગ, ચોમાસું સત્ર અને શિયાળુ સત્ર પહેલાની માફક આયોજિત થયું અને બંને સદનની કાર્યવાહી સવારે 11 વાગ્યાથી પ્રારંભ થઈ હતી.