ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજ્યમાંથી ઝડપાયું સેક્સ સ્ટેમિના વધારવાની દવાના નામે ચાલતા કથિત 3 બોગસ કોલ સેન્ટર, 10ની ધરપકડ
Last Updated: 02:30 PM, 24 October 2026
ADVERTISEMENT
રાજકોટ ગ્રામ્યના ભાયાવદરમાં સેક્સ સ્ટેમિના વધારવાની આયુર્વેદિક દવાના ઓનલાઈન વેચાણના નામે ચાલતા કથિત છેતરપિંડી અને બ્લેકમેઇલિંગના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ભાયાવદર પોલીસે 22 ઓક્ટોબર, 2026ના રોજ શહેરમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને ગેરકાયદેસર રીતે ચાલતા ત્રણ કોલ સેન્ટર ઝડપી પાડ્યાં છે. આરોપીઓ કોઈપણ પ્રકારના લાયસન્સ કે આધારભૂત દસ્તાવેજો વિના ડોક્ટરની ખોટી ઓળખ ધારણ કરી ગ્રાહકોને વેબસાઇટ મારફતે લલચાવતા હતા.
ADVERTISEMENT

એટલું જ નહીં, ગ્રાહકોને અશ્લીલ સાહિત્ય મોકલી દવા ખરીદવા પ્રેરિત કરવામાં આવતા અને ઓર્ડર કેન્સલ કરનારને પરિવારજનોને જાણ કરવાની તેમજ જેલમાં મોકલવાની ધમકી આપી નાણાં પડાવવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે કુલ 10 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે પાંચ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. દરોડા દરમિયાન કોમ્પ્યુટર, લેપટોપ અને મોબાઇલ સહિત કુલ રૂ. 5.16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT

ભાયાવદર પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે શહેરમાં ઉમિયાનગર, સિનેમા રોડ અને મતવા શેરી વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી હતી. ઉમિયાનગરમાં ખોડીદાસ માકડીયાની ઓફિસ, સિનેમા રોડ પર અહેમદરઝા મુલતાણીની ઓફિસ અને હાર્દિક ખાંભલાના રહેણાક મકાન સાથે સંકળાયેલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપીઓ કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઇલ અને ઇન્ટરનેટની મદદથી ઓનલાઈન ગ્રાહકોનો સંપર્ક કરતા હતા.
ADVERTISEMENT

સેક્સ સ્ટેમિના વધારવાની અને વિટામિન B-12 સંબંધિત આયુર્વેદિક પ્રોડક્ટ વેચવાના નામે ગ્રાહકોને આકર્ષવામાં આવતા હતા. આ માટે આરોપીઓ ખોટી ડોક્ટરની ઓળખ આપતા અને bedroomboss.in/Gujarat/ વેબસાઇટનો ઉપયોગ કરતા હતા. વેબસાઇટ મારફતે ગ્રાહકોને અશ્લીલ સાહિત્ય મોકલી દવા ખરીદવા માટે પ્રેરિત કરવામાં આવતા હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, ત્રણેય સ્થળે અલગ-અલગ ટોળકીઓ બનાવીને આ પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હતી. ખોડીદાસ માકડીયા સાથે કૌશિક વાળા, મીત બેડવા અને ચેતન રાઠોડ સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અહેમદરઝા મુલતાણી સાથે રાજેશ પરમાર, મનવીર ખાંભલા, અહેમદરઝા ઉર્ફે બાપુ કાદરી, નાશીર લાખા અને જીલ ખાણીયા સંકળાયેલા હોવાનું પોલીસની વિગતોમાં જણાવાયું છે.
ADVERTISEMENT
બીજી તરફ, હાર્દિક ખાંભલા સાથે જયદીપ ગોહિલ, રાહુલ, ફૈઝલ રજાકભાઈ અને નિશાંત ઉર્ફે નિલ ભટ્ટ સંકળાયેલા હોવાની વિગતો સામે આવી છે. આ ટોળકી દ્વારા સેક્સ સ્ટેમિના વધારવાની આયુર્વેદિક પ્રોડક્ટ તેમજ ન્યુરો શક્તિ પ્લસના વેચાણના નામે ગ્રાહકોને લલચાવવામાં આવતા હતા. ગ્રાહક ઓર્ડર કન્ફર્મ કર્યા બાદ તેને રદ કરે તો વોટ્સએપ મારફતે ધમકીઓ આપીને પૈસા પડાવવામાં આવતા હોવાનો આક્ષેપ છે.
આ કૌભાંડમાં લોકોનો વિશ્વાસ જીતવા માટે વેબસાઇટ પર સરકારી અને આરોગ્ય સંબંધિત સંસ્થાઓના લોગાનો ઉપયોગ કરવામાં આવતો હોવાની પણ ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વેબસાઇટ પર આયુષ મંત્રાલય અને નેશનલ હેલ્થ ઓથોરિટી ભારત સરકારના PM-JAYના લોગો દર્શાવવામાં આવતા હતા. આ ઉપરાંત અંગ્રેજી અખબારના બનાવટી કટિંગ અને કેટલીક ખાનગી સંસ્થાઓના લોગાનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો.ગ્રાહકોને દવા ખરીદવા આકર્ષવા માટે આશરે 50 ટકા ડિસ્કાઉન્ટની ઓફર આપવામાં આવતી હતી. વેબસાઇટ પર વિવિધ વ્યક્તિઓના ફોટા સાથે દવાનો ઉપયોગ કર્યા બાદના અનુભવો પણ દર્શાવવામાં આવતા હતા. અમદાવાદ, બેંગલુરુ, દિલ્હી અને મુંબઈ સહિતનાં શહેરોના લોકો દવાથી લાભ થયો હોવાના અનુભવો શેર કરતા હોય તેવું રજૂ કરીને ગ્રાહકોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.
ADVERTISEMENT
ભાયાવદર પોલીસની કાર્યવાહી દરમિયાન ત્રણેય સ્થળેથી કુલ 18 કોમ્પ્યુટર અને લેપટોપ, 33 કીબોર્ડ-માઉસ, 23 મોબાઇલ ફોન, ત્રણ બ્રોડબેન્ડ સાધનો અને ત્રણ લાઇટ બિલ સહિત કુલ રૂ. 5,16,700નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.આ કેસમાં ખોડીદાસ માકડીયા, કૌશિક વાળા, મીત બેડવા, ચેતન રાઠોડ, અહેમદરઝા મુલતાણી, રાજેશ પરમાર, મનવીર ખાંભલા, અહેમદરઝા ઉર્ફે બાપુ કાદરી, નાશીર લાખા અને જીલ ખાણીયાને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે હાર્દિક ખાંભલા, જયદીપ ગોહિલ, રાહુલ, ફૈઝલ રજાકભાઈ અને નિશાંત ઉર્ફે નિલ ભટ્ટની શોધખોળ ચાલુ છે.
આ પણ વાંચોઃ પાટણના વેપારીને અમદાવાદની ઠગબાજ મહિલાએ ચોપડ્યો લાખોનો ચૂનો, કિસ્સો ચોંકાવનારો
ADVERTISEMENT
આ સમગ્ર મામલે ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 318(4), 319(2), 308(2), 351(4), 3(5), આઇટી એક્ટની સંબંધિત કલમો તેમજ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.હાલ પોલીસ દ્વારા આરોપીઓ કેટલા સમયથી આ પ્રકારનું કૌભાંડ ચલાવતા હતા, અત્યાર સુધીમાં કેટલા લોકો તેમની છેતરપિંડીનો ભોગ બન્યા છે અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.રાજકોટ ગ્રામ્યના ભાયાવદરમાં સેક્સ પાવરની દવાના નામે ચાલતા આ કથિત કૌભાંડના પર્દાફાશ બાદ હવે પોલીસ તપાસમાં વધુ ચોંકાવનારી વિગતો સામે આવે છે કે કેમ, તેના પર સૌની નજર છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.