વર્ષ 2024નું વીતી ગયું પણ ઘણા લોકોની આર્થિક પરિસ્થિતિ બદલાઈ નથી. દરેક લોકોને ઘર, કાર, બંગલો જોઈએ છે. પરંતુ તેમાંથી માત્ર કેટલાક જ લોકો આ લક્ષ્ય સુધી પહોંચી શકે છે. અમુક લોકો એવું બહાનું કાઢતા હોય છે ઇન્કમ વધારે ન હોવાથી તેઓ રોકાણ કરી શકતા નથી. પરંતુ જો તમને એમ કહેવામાં આવે કે તમે 10-20 રૂપિયા જમા કરીને પણ મોટું ભંડોળ ભેગું કરી શકો છો તો તમને આશ્ચર્ય થશે. પરંતુ આવું શક્ય છે. એના માટે માત્ર ઈચ્છાશક્તિ હોવી જોઈએ. જેની એક સરળ ફોર્મ્યુલા છે, જો તમે પણ અમીર બનવા માંગતા હોવ અને તમારા મનમાં અમુક સવાલ હોય તો તેના અમે તમને જવાબ આપીશું.
- કોણ બની શકે કરોડપતિ?
દરેક વ્યક્તિ કરોડપતિ બની શકે છે. કરોડપતિ બનવા માટે કમાણી બહુ મેટર નથી કરતી. તમે યોગ્ય જગ્યાએ રોકાણ કરીને તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો. રોકાણ શરૂ કરવા માટે કોઈ મોટી રકમની જરૂર નથી. તમે નાની રકમથી પણ રોકાણ શરૂ કરી શકો છો. વ્યક્તિએ માત્ર યોગ્ય દિશામાં અને લાંબા ગાળા માટે રોકાણ કરવાનું રહે છે.
- રોજના 10-20 રૂપિયાની બચત કરીને કરોડપતિ બની શકાય?
રોજના 10-20 રૂપિયા બચાવીને કોઈપણ વ્યક્તિ કરોડપતિ બની શકે છે. તેના માટે માત્ર લાંબા ગાળાના રોકાણની જરૂર પડે છે. જો તમે દરરોજ 10 રૂપિયા બચાવો છો તો મહિનામાં 300 રૂપિયા ભેગા થાય છે. તેને મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરો. જો તમે 35 વર્ષ સુધી દર મહિને 300 રૂપિયાની SIP કરો છો અને તેના પર 18% વળતર મળે છે, તો 35 વર્ષ પછી તમને કુલ 1.1 કરોડ રૂપિયાનું વળતર મળશે.
- મહિને 20-25 હજાર રૂપિયા કમાતી વ્યક્તિ કરોડપતિ બની શકે?
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે મોટી રકમની જરૂર નથી હોતી. તમે દર મહિને 500 રૂપિયાથી શરૂઆત કરી શકો છો. દરેક વ્યક્તિ માટે દર મહિને 1000-2000 રૂપિયાની બચત શક્ય છે. આથી મહિનાના 20 થી 25 હજાર રૂપિયા કમાતા લોકો લાંબા સમય સુધી રોકાણ કરીને કરોડપતિ બની શકે છે. તમારે દર મહિને SIP ચાલુ રાખવાની જરૂર છે અને પછી જેમ જેમ પગાર વધે તેમ રોકાણ વધારવું, શરૂઆતમાં આવકના 10મા ભાગનું રોકાણ કરવું જોઈએ.

- કરોડપતિ બનવા કઈ ઉંમરે રોકાણ કરવાનું શરૂ કરવું ?
એ વાત એકદમ સાચી છે કે જેટલું વહેલું તમે રોકાણ કરવાનું શરૂ કરશો, એટલું જ વહેલું લક્ષ પ્રાપ્ત થાય છે. તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં SIP દ્વારા મોટા લક્ષ્યો હાંસલ કરી શકો છો. જો 20 વર્ષનો યુવક દરરોજ 30 રૂપિયાની SIP કરી શકે છે, તો તે નિવૃત્તિ સમયે એટલે કે 60 વર્ષની ઉંમર બાદ 12 ટકાના વ્યાજે 1.07 કરોડ રૂપિયા ભેગા કરી શકે છે. આ સમયગાળા દરમિયાન 4,32,000 રૂપિયાનું રોકાણ કરવું. જ્યારે રિટર્ન 15% મળે છે તો તમને કુલ 2.82 કરોડ રૂપિયા મળશે.
- શું માત્ર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને કરોડપતિ બની શકાય?
છેલ્લા બે દાયકામાં મ્યુચ્યુઅલ ફંડ્સે રોકાણકારોને સારું વળતર આપ્યું છે. ઇક્વિટીમાં સીધું રોકાણ કરીને એનાથી વધુ અપેક્ષા રાખવી શક્ય છે. પરંતુ તેમાં જોખમ વધારે છે અને શેર માર્કેટમાં રોકાણ કરવા માટે અનુભવ જરૂરી છે. દરેક વ્યક્તિ માટે મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરવું સરળ છે કારણ કે અહીંયા રોકાણ માટે મોટી રકમની જરૂર નથી હોતી. તમે દર મહિને માત્ર 500 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. પછી જેમ જેમ આવક વધે તેમ રોકાણ વધારી શકો છો.
મ્યુચ્યુઅલ ફંડમાં SIP કેવી રીતે વધુ વળતર આપે છે?
મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ રોકાણકારો પાસેથી નાણાં ભેગા કરે છે અને તેનો મોટો હિસ્સો શેરબજારમાં રોકાણ કરે છે. એના માટે નિષ્ણાતોની એક ટીમ હોય છે, જે શેર માર્કેટની વધઘટને યોગ્ય રીતે સમજી શકે છે. આ માટે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ રોકાણકારો પાસેથી ચાર્જ લે છે. જેઓ શેરબજારમાં રોકાણ કરવા વિશે વધુ જાણતા નથી તેમના માટે મ્યુચ્યુઅલ ફંડ એક સારો રોકાણ વિકલ્પ છે.
- ઉંમર 40થી વધી ગઈ હોય તો કરોડપતિ બની શકાય?
જો તમારી ઉંમર 40 વટી ગઈ હોય તો પણ તમે 60 વર્ષની ઉંમર સુધીમાં તમારા માટે 1 કરોડ રૂપિયાનું ફંડ ભેગુ કરી શકો છો, એના માટે તમારે બાકીના 20 વર્ષ સુધી દર મહિને થોડું વધુ રોકાણ કરવું પડશે. જો તમે દર મહિને 10 હજાર રૂપિયાની SIP કરો છો તો 60 વર્ષની ઉંમરે 12 ટકા વળતરના દરે તમને લગભગ 1 કરોડ (99.91 લાખ) રૂપિયા મળશે. જો તમને 15% વ્યાજ મળે છે તો તમે 1.5 કરોડ ભેગા કરી શકો છો.
- 10 થી 15 વર્ષમાં કરોડપતિ કેવી રીતે બની શકાય?
10 થી 15 વર્ષમાં કરોડપતિ બનવા માટે તમારે દર મહિને રોકાણની રકમ વધારવી પડશે. SIP કેલ્ક્યુલેટર મુજબ 15 વર્ષમાં કરોડપતિ બનવા માટે તમારે દર મહિને ઓછામાં ઓછા 15,000 રૂપિયાની SIP કરવી પડશે. એના માટે તમારે તેના પર ઓછામાં ઓછું 15 ટકા વ્યાજ મળવું જરૂરી છે. 10 વર્ષમાં 1 કરોડ રૂપિયા એકત્ર કરવા માટે વ્યક્તિએ દર મહિને ઓછામાં ઓછા 35,000 રૂપિયાની SIP કરવી પડી શકે છે, જે થોડું મુશ્કેલ છે.
- જાતે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકી શકાય?
મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરવામાં જોખમ રહેલું છે આથી તમે ફંડ પસંદ કરવામાં નાણાકીય સલાહકારની મદદ લઈ શકો છો. એવા ફંડ્સમાં નાણાંનું રોકાણ કરો જેમાં વધારે વૃદ્ધિની સંભાવના હોય. મોટાભાગના લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે પોર્ટફોલિયો મેનેજરોની નિમણૂક કરે છે, જેઓ વિવિધ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણકારોના નાણાંનું રોકાણ કરે છે. રોકાણ કરનારે સમય સમય પર પોર્ટફોલિયોની સમીક્ષા કરવી જોઈએ કે કયું ફંડ સારું પ્રદર્શન કરી રહ્યું છે અને કયું નહી. કોઈની સલાહ પર રોકાણ ન કરો, તમે અનુભવથી ફંડ પસંદ કરી શકો છો.
- શેર માર્કેટ નીચે આવે ત્યારે શું કરવું?
જ્યારે શેર માર્કેટ નીચે આવે છે ત્યારે તેની અસર મ્યુચ્યુઅલ ફંડ પર પણ પડે છે. એવામાં મોટા ભાગના રિટેલ રોકાણકાર ગભરાઈ જાય છે. અને મોટા નુકશાનના ડરથી રોકાણને બંધ કરી દે છે. કે પછી વેચીને બહાર નીકળી જાય છે. જે એક ખોટો નિર્ણય હોય છે. આ દરમિયાન મોટા રોકાણકાર પોતાના રોકાણની રકમ વધારી દે છે. જો તમે માર્કેટ નીચે આવે ત્યારે SIP રોકી દો છો ત્યારે તમે ટાર્ગેટ સુધી નથી પહોંચી શકતા. આથી માર્કેટના ઉતાર ચઢાવ પર તમારે ગભરાવવું નહીં.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ