ભારે વરસાદને કારણે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ કરવામાં આવી, યુનિવર્સિટીની તમામ સંલગ્ન કૉલેજમાં આજે લેવાનારી પરીક્ષા મોકૂફ
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ
યુનિવર્સિટીની તમામ સંલગ્ન કૉલેજોની પરીક્ષા કરાઈ રદ
આગામી દિવસોમાં પરીક્ષાઓની નવી તારીખ જાહેર કરવામાં આવશે
યુનિવર્સિટીની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે પરીક્ષાની તારીખ
દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં મેઘરાજાએ ઘડબડાટી બોલાવી છે. અને ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને કારણે ભારે તારાજી પણ સર્જાઇ છે. જેને લઈ હવે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે યુનિવર્સિટીની તમામ સંલગ્ન કૉલેજમાં આજે લેવાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ તરફ આજે પણ હવામાન વિભાગની આગાહી અનુસાર, અરબી સમુદ્રમાં વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. જેને કારણે આગામી 24 કલાક અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે.
સુરતમાં વરસાદને લઈ VNSGU દ્વારા કરાઈ પરીક્ષા મોકુફ
દક્ષિણ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને કારણે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે યુનિવર્સિટીની તમામ સંલગ્ન કૉલેજમાં આજે લેવાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટી દ્વારા BBA સેમ 6, એટીકેટી, એક્સટર્નલ અને પૂરક વિષય માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી આગામી દિવસોમાં યુનિવર્સિટીની વેબસાઈટમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે.
વલસાડનું મોટીદાંતી ગામ મુસીબતમાં
વલસાડનુ મોટી દાંતી ગામ જ્યારે ચોમાસુ આવે એટલે મુસીબતમાં મુકાય. કારણ કે દરિયાકાંઠે આવેલુ આ ગામ આખુ ક્યાંક ડૂબી ન જાય તેવો ભય સતત સતાવતો રહે છે. આની પાછળ જવાબદાર છે તંત્ર. કારણ કે ગામમાં પ્રોટેક્શન વૉલ વર્ષોથી તૂટી ગઇ છે તેને બનાવવાની તંત્ર તસ્દી લેતુ નથી. વલસાડ જિલ્લાના આ દરિયાઈ પટ્ટી ગામોની આ ભરતી મુખ્ય સમસ્યા બની રહી છે. છેલ્લા બે દશકથી મોટી દાંતી ગામનો દરિયો ગામના અનેક વિસ્તારોને ગરકાવ કરી ચૂક્યો છે.. ધીરે ધીરે આ દરિયો પોતાની હદ વટાવી ચૂક્યો છે અને દરિયાના પાણી ગામમાં ઘૂસી રહ્યા છે. અત્યારે દરિયામાં બીજની ભરતી આવવાથી દરિયામાં બે માળ જેટલા વિશાળ મોજા ઉછળે છે.
હજી પણ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અરબી સમુદ્રમાં વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે. જેને કારણે આગામી 24 કલાક અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે.જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, વલસાડ, ડાંગ, દમણ, નવસારી, સુરત, તાપી, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકામાં વરસાદની ભારે આગાહી છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.
અત્યાર સુધીમાં રાજ્યમાં 56.13% વરસાદ નોંધાયો
હવામાન વિભાગની આગાહીને પગલે સાર્વત્રિક વરસાદ થયો છે, ત્યારે અત્યાર સુધી રાજ્યમાં 56.13 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે. જેમાં 25 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ થયો છે. જ્યારે 54 તાલુકામાં 20થી 40 ઈંચ વરસાદ થયો છે. સાથે રાજ્યના 82 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ અને 73 તાલુકામાં 5થી 10 ઈંચ વરસાદ થયો છે. ઉપરાંત રાજ્યના 17 તાલુકામાં 2થી 5 ઈંચ વરસાદ થયો છે.
કચ્છમાં મેઘ મહેર: સિઝનનો 100 ટકા કરતાં વધુ વરસાદ
કચ્છમાં સિઝનનો 100 ટકા કરતાં વધુ વરસાદ થયો છે. સમગ્ર જિલ્લામાં સિઝનનો 101.79 ટકા વરસાદ થઇ ચુક્યો છે. જેમાં સૌથી વધુ લખપત તાલુકામાં 169.90 ટકા વરસાદ થયો છે, જ્યારે અબડાસામાં 125.45 ટકા, અંજારમાં 80.19 ટકા અને ભુજમાં 140.67 ટકા વરસાદ થયો છે. સાથે જ માંડવીમાં 138.65 ટકા, મુંદ્રામાં 138.49 ટકા અને નખત્રાણામાં 125.26 ટકા વરસાદ થયો છે.