ખાલિસ્તાની આતંકીઓના ધમકીભર્યા મેસેજથી પોલીસ દોડતી થઈ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પ્રિરેકોર્ડેડ મેસેજ ટ્રેસ કર્યો છે. મહત્વનું છે કે, ખાલિસ્તાની આતંકીઓએ ગુજરાતીઓને ઘરમાં રહો સુરક્ષિત રહોની ધમકી આપી હતી.
ક્રાઈમ બ્રાન્ચે ધમકીને લઈને જાણવા જોગ નોંધ દાખલ
પોલીસે મેસેજ ટ્રેસ કરીને વધુ તપાસ હાથધરી
નમો સ્ટેડિયમમાં ચાલતી ટેસ્ટ મેચ મામલે આપી હતી ધમકી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચ જોવા માટે અમદાવાદ સહિત ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. જોકે, આ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. ખાલિસ્તાની આતંકી ગુરપરવંતસિંહનો ધમકીભર્યો પ્રીરેકોર્ડેડ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. ખાલિસ્તાની આતંકીના ધમકીભર્યા મેસેજથી લોકોની બેચેની વધી ગઈ છે. મેસેજમાં મેચ ન જોવા જવાની ધમકી આપવામાં આવી છે. ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુના અવાજમાં રેકોર્ડ મેસેજ અંગ્રેજીમાં છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં
આ મેસેજ વાયરલ થયા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ મેસેજ ટ્રેક કરીને તેની જાણાવાજોગ નોંધ દાખલ કરી છે અને આ મેસેજ ક્યાંથી મોકલવામાં આવ્યો હતો તેની તપાસ શરૂ કરી છે.
લોકોને મળ્યા હતા ધમકી ભર્યા મેસેજ
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, 9 માર્ચે અમદાવાદના મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ હતી. ત્યારે કેટલાક લોકોના ફોનમાં ધમકી ભર્યા મેસેજ મળ્યા હતા કે ખાલિસ્તાન તરફી શીખો નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં હુમલો કરશે. સાથે જ આમાં લોકોને ઘરમાં રહો સુરક્ષિત રહોની ધમકી આપવામાં આવી હતી. તેમા વડાપ્રધાન મોદી વિરુદ્ધ કેટલીક પ્રતિકૂળ ટીપ્પણીઓ પણ કરવામાં આવી હતી. શીખ ફોર જસ્ટિસના વડા ગુરપરવંતસિંહ પન્નુ દ્વારા મેચ દરમિયાન બલ્ક મેસેજ અને પૂર્વ રેકોર્ડ કરેલા કોલ વાયરલ કરાયા હતા. જેનો હેતુ મેચ પહેલા લોકોમાં ભયનો માહોલ પેદા કરવાનો હતો.
બંને દેશના ખેલાડીઓના વધારાઈ સુરક્ષા
ધમકીને લઈને બંન્ને દેશના ખેલાડીઓ સહિત દર્શકોની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. સાથે જ ધમકી પછી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ, ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે ગ્રાઉન્ડથી માંડીને સોશિયલ મીડિયા સુધીની વોચ વધારી દીધી છે. આ ધમકીની સત્તાવાર નોંધ કર્યા બાદ રાજ્યની પોલીસને એલર્ટ પર રખાઈ છે.