The 'Maha' thunderstorm did not even rock the Mahamaru Palace Temple in the 250 km winds
VTV વિશેષ /
'મહા' વાવાઝોડું તો શું 250 કિ.મીની ઝડપનાં વાવાઝોડાંમાં પણ મહામેરૂ પ્રાસાદ મંદિરનો પથ્થર પણ હલ્યો નહોતો
Team VTV12:45 PM, 05 Nov 19
| Updated: 06:18 AM, 06 Nov 19
ગુજરાતમાં 'વાયુ' વાવાઝોડાં બાદ છ મહિનામાં જ બીજુ 'મહા' વાવાઝોડું ત્રાટકવાની સંભાવના સેવાઈ રહી છે. મહા વાવાઝોડું લગભગ 100 કિ.મી./ કલાકની ઝડપે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને ધમરોળશે અને પારાવાર નુકસાની કરે તેવી ભીતિ છે. જો કે વાયુ બાદ મહા વાવાઝોડું વેરાવળ નજીકના વિસ્તારોને અસર કરશે પણ સોમનાથ મંદિર શું થશે. આ પ્રશ્નના જવાબમાં મંદિરના સેક્રેટરી કહે છે 100 કિમીની ઝડપે આવતું 'મહા' તો શું 250 કિમીની ઝડપે ફુંકાયેલા વાવઝોડામાં પણ કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર (સોમનાથ)નો પથ્થર પણ નથી હલ્યો. તો જાણીએ શું છે તેના સ્ટ્રક્ચરની વિશેષતા...
800 વર્ષના ઈતિહાસમાં સોમનાથ જેવી ડિઝાઈનનું વિશ્વમાં કોઈ મંદિર બન્યું જ નથી
1983માં 250 કિમી ઝડપે ફુંકાયેલાં વાવાઝોડામાં પણ અડિખમ હતા સોમનાથ દાદા
દિપાર્ણવ અન મય વાસ્તુશાસ્ત્રનાં ગ્રંથો મુજબ મંદિરની ડિઝાઈન તૈયાર થઈ છે
'મહા' સામે પણ મહાદેવ અડીખમ રહેશે
કૈલાશ મહામેરૂ પ્રાસાદ (સોમનાથ) મંદિર ચાલુક્ય શૈલીથી બાંધાયેલું છે. સોમપુરા કારીગરોની કલાનો અદભૂત નમુનો છે. આ મંદિર 1983માં 250 ઝડપથી આવેલાં વાવાઝોડાંમાં પણ અડિખમ રહ્યું હતું. તેને કોઈ જ નુકસાન થયું નહોતું. મંદિરના ટ્રસ્ટી જે.ડી પરમાર અને ટ્ર્સ્ટી સેક્રેટરી પી.કે. લહેરી કહે છે કે મહા વાવાઝોડામાં પણ આ મંદિરને કોઈ જ નુકસાન નહી થાય.
મંદિરની શંકુ ડિઝાઈનમાં વાવાઝોડું અસર પણ નહીં કરે
'મહા' વાવાઝોડામાં સોમનાથને કોઈ જ નુકસાન નહી થાય એમ કહેતા મંદિરનાં ટ્રસ્ટી જે. ડી પરમાર જણાવે છે કે, '1983માં 250 કિમીની ઝડપથી વાવાઝોડું આવ્યું હતું. તેમ છતાં આ મંદિરને કોઈ જ નુકસાન થયું નહોતું. કારણ કે આ મંદિર જુની બાંધકામની પદ્ધતિથી બનેલું છે. સોલંકી કાળની ચોલુક્ય શૈલીથી આ મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું છે. આ મંદિર શંકુ આકારનું છે એટલે કે પિરામીડ જેવું નીચેથી પહોળું ઉપરથી સાંકળું છે. વિજ્ઞાનનો સિદ્ધાંત છે જેનો પાયો ટોચની સરખામણીએ બહાર નીકળતો હોય તેનાં નમવાનાં અને પડવાનાં શક્યતાં ઓછી હોય છે.'
આખું મંદિર એક જ સ્ટ્રક્ચરમાં છે
મંદિરમાં ગર્ભગૃહ, શીખર, સભા મંડપ અને નૃત્ય મંડપ છે. જેનો પાયો 30 ફુટ ઊંડો છે. 30 ફુટ નીચેનાં પાકા પથ્થર પર આડી અને ઊભી શીલાઓથી પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. તેનાં ઉપર 9 ફુટ વ્યાસનાં કેસીંગ (કુવા જેવું) છે. આ કેસીંગમાં કોંકરીટ ભર્યું છે. જેનાં પર પિલ્લર બનાવવામાં આવ્યાં છે. એક કેસીંગ પર 4 પિલ્લર છે. મંદિરનાં ઉપરનાં બાંધકામમાં બે શીલાની વચ્ચે સાગ અને સીસમનાં ડટ્ટા મારવામાં આવ્યાં છે. એટલે કે બે શીલાને જકડી રાખવા સાગ-સીસમને ક્લિપની જેમ વાપરમાં આવ્યાં છે. આખું મંદિર એક જ સ્ટ્રક્ચર છે. એટલે તેનાં એક પણ ભાગને નુકસાન થવાની કોઈ શક્યતા નથી.
મંદિરને ભૂકંપમાં પણ નુકસાન નહીં થાય
મંદિરનું નામ જ છે કૈલાસ મહામેરુ પ્રાસાદ મંદિર એક જ સ્ટ્રક્ચરમાં બન્યું હોવાથી તેને ધરતીકંપની પણ અસર થતી નથી. મંદિરની ફરતે કિલ્લો છે એટલે કે મંદિરની ફરતે જે દિવાલ (કિલ્લો) છે. તે પણ 30થી 35 ફુટ નીચેથી છે. જેથી ભૂકંપમાં પણ જમીન ખસી ન શકે. ધરતી પર દબાણ આવે તો તે ઘસે છે પણ કિલ્લો માટીને પકડી રાખે છે. આ જ કારણથી ભૂકંપમાં પણ મંદિરને નુકસાન નથી થતું.
વિશ્વનું એક માત્ર મહા અને મેરુ ડિઝાઈનનાં સમન્વયથી બનેલું મંદિર
'આ મંદિર વિશ્વનું એક માત્ર એવું મંદિર છે જે મહા પ્રાસાદ અને મેરુ પ્રાસાદ એમ બે ડિઝાઈનને ભેગી કરી બનાવવામાં આવ્યું છે. દિપાર્ણવ અન મય વાસ્તુશાસ્ત્રનાં ગ્રંથોમાં મંદિર કેવી રીતે બાંધવા જોઈએ તેની વિગતો આપવામાં આવી છે. આ બન્ને ગ્રંથોમાં જે રીત દર્શાવાઈ છે. એ જ રીતથી સોમનાથનું નિર્માણ કરવામાં આવ્યું છે.'
આ કારણોથી મંદિરને નુકસાન નહીં થાય
મંદિરનાં સેક્રેટરી પી. કે. લહેરી કહે છે કે, 'મંદિરનું સ્ટ્રક્ચર શંકુ આકારમાં છે. જે રીતે મંદિરનું બાંધકામ છે તે રીતે મહામાં કોઈ જ નુકસાન થવાની શક્યતાં નથી. કેમ કે ઝડપથી આવતાં પવનો પણ મંદિરની બન્ને તરફથી નીકળી જશે. જેથી મંદિરને નુકસાન નહીં થાય.'