બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Seizure warrant against Jaysukh Patel of Oreva Group
Malay
Last Updated: 12:30 PM, 22 January 2023
ADVERTISEMENT
મોરબી દુર્ઘટના મામલે આખરે હવે પોલીસે અજંતા-ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યો છે. આ ઉપરાંત પોલીસે જયસુખ પટેલ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર પણ બહાર પાડ્યું છે. મહત્વનું છે કે, મોરબીમાં 30 ઓક્ટોબરના રોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઝુલતો પુલ ધરાશાયી થતાં 135 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા.
ADVERTISEMENT
આવતા અઠવાડિયે ફાઈલ કરાશે ચાર્જશીટ
આ મામલે એક ખાનગી અખબારને પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, છેલ્લા દોઢ મહિનાથી જયસુખ પટેલ ધરપકડ ટાળી રહ્યો હતો અને તેની પૂછપરછ માટે મોકલવામાં આવેલા તમામ સમન્સની અવગણના કરી હતી. ચાર્જશીટમાં ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને આરોપી ગણાવવામાં આવ્યો છે. આ ચાર્જશીટ આવતા અઠવાડિયે ફાઈલ કરવામાં આવશે.
વકીલે કરી હતી આગોતરા જામીન અરજી
મોરબી દુર્ઘટના બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા જયસુખ પટેલ ક્યારે સામે આવ્યો નથી અને અચાનક ગઈકાલે તેના વકીલે મોરબીની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, મોરબીની કોર્ટે જયસુખ પટેલની આગોતરા જામીન અરજી પર સુનાવણી 1 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી છે. કારણ કે ફરિયાદી પક્ષે જવાબ દાખલ કરવા માટે સમય માગ્યો હતો. આ ઉપરાંત લગભગ 10 પીડિતોના પરિવારો શનિવારે તેમના એડવોકેટ દિલીપ અગેચાનિયા મારફતે મોરબી કોર્ટમાં હાજર થયા હતા અને જયસુખ પટેલના આગોતરા જામીનનો વિરોધ કરવા માટે પક્ષકાર બનવા માટે અરજી કરી હતી.
ખુલ્લો મુકાયાના 5 દિવસમાં ધરાશાયી થયો હતો.
મોરબીની મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલનું રિનોવેશન ઓરેવા કંપનીએ રૂપિયા 2 કરોડના ખર્ચે કર્યું હતું. ભારતમાં સીએફએલ અને એલઈડી બલ્બમાં 1 વર્ષની વોરંટી આપવાની શરુઆત ઓરેવાએ કરી હતી. પરંતુ તેઓ આ વોરંટી પોતે રિનોવેટ કરેલા મોરબીના ઝૂલતા પુલ પર ન આપી શક્યા. 26 ઓક્ટોબરથી મોરબીનો ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો તથા 12થી 15 વર્ષની મજબૂતાઈની ગેરંટી આપવામાં આવી હતી. જે 5 દિવસની અંદર તૂટ્યો અને 135 લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો હતો. આ દુર્ઘટના બાદ કંપનીના એમડી જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા હતો.
ચીફ ઓફિસરે આપ્યું હતું પાયાવિહોણું નિવેદન
આ પુલને ખુલ્લો મૂકતા પૂર્વે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું અને ઓરેવા કંપનીએ મજબૂત કેબલ અને સ્ટીલનો ઉપયોગ કરીને પુલનું રિનોવેશન કયું હોવાની સુફિયાણી વાતો કરી હતી અને ત્યારબાદ ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલની હાજરીમાં પુલને ખુલ્લો મૂકાયો હતો. આ વાત જગજાહેર હવા છતા પાલિકાના ચીફ ઓફિસરે પાયાવિહોણું નિવેદન આપ્યું હતું. મોરબી પાલિકાએ દુર્ઘટનાને લઈ આ પુલનો વહીવટ કરતી સંસ્થા ઓરેવા ટ્રસ્ટ પર દોષનો ટોપલો નાખ્યો હતો. પાલિકાના ચીફ ઓફિસરે ઓરેવા ટ્ર્સ્ટ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, અમારા દ્વારા પરમિશન નહોતી અપાઈ હતી છતાં આ સંસ્થાએ ઝૂલતા પુલને ખુલ્લો મુકી દીધો હતો. આ મામલે 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
FSL રિપોર્ટમાં મોટા ધડાકા થયા
ત્યારબાદ આ મામલે મોરબીની સ્થાનિક કોર્ટમાં રજૂ કરાયેલા એફએસએલ રિપોર્ટમાં મોટા ધડાકા થયા હતા. જેમાં ઝૂલતા પુલના કેબલ અને બોલ્ટ કટાઇ ગયેલા અને બોલ્ટ ઢીલા થઇ ગયા હોવાનું ઉપરાંત સિક્યુરિટી ગાર્ડને કોઇ ટ્રેનિંગ આપવમાં આવી ન હોવાનું તેમજ આ દુર્ઘટનાના દિવસે એટલે કે 30 ઓક્ટોબરે 3165 ટિકિટ આપી દેવામાં આવી હોવાના ખુલાસા થયા હતા. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પી.સી.જોષીની કોર્ટમાં ફરિયાદ પક્ષે આ અંગે પુરાવા રજૂ કર્યા હતા. આ બ્રિજનું સમારકામ સંભાળનાર એજન્સી વિરુદ્ધ કલમ 304, 308 અને 114 મુજબ ક્રિમિનલ કેલ દાખલ કરવામાં કરવામાં આવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ઊંડી તપાસ કરી કશૂરવારો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.