ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં પ્રથમ ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયા 50 ઓવરમાં 240 રન બનાવી શકી હતી. સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલે સૌથી વધુ 66 રન બનાવ્યા હતા. ઉપરાંત કોહલી અનેં કેપ્ટન રોહિતે પણ આવકારદાયક ઇનિંગ્સ રમી હતી. જોકે છતાં પણ ટીમ ઇન્ડિયા જીતથી જ્યોવજનો દૂર રહેતા ખેલાડીની આંખમાંથી શ્રાવણને ભાદરવો વહેતા થયા હતા. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેપ્ટન રોહિત શર્મા રડતો જોવા મળી રહ્યો છે. મેચ પુરી થયા બાદ રોહિત શર્મા પોતાના આંસુ પર કાબુ ના રાખી શક્યો અને તે તરત જ મેદાન છોડીને ડ્રેસિંગ રૂમમાં ગયો હતો. વધુમાં સીરાજ અને વિરાટ કોહલી પણ ભારે હૈયે જતા દેખાયા હતા.
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત ક્રિકેટ વર્લ્ડ કપનો તાજ પોતાને નામ કરી લીધો છે. ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઇન્ડિયાને છ વિકેટે હરાવી વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો છે. જેને લઈને વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયા પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે.ટીમ ઓસ્ટ્રેલિયાને ઈનામી રકમ તરીકે 4 મિલિયન ડોલર મળ્યા છે.
વિરાટ કોહલી પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો
તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલીએ વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ રન બનાવ્યા છે. વિરાટે ટૂર્નામેન્ટમાં 765 રન બનાવ્યા છે, આ દરમિયાન તેણે 3 શાનદાર સદી પણ ફટકારી છે. વિરાટને સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પસંદ કરવામાં આવ્યો હતો. ફાઈનલ મેચમાં પણ વિરાટ કોહલીએ ટીમ માટે 54 રનની મહત્વની ઈનિંગ રમી હતી. વિરાટે ભીની આંખો સાથે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટની ટ્રોફી પોતાના હાથમાં લીધી.
ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વર્લ્ડ કપ 2023માં શાનદાર બોલિંગ કરી હતી. ભલે તે ફાઈનલ મેચમાં ઘણી વિકેટ ન લઈ શક્યો હોય, પરંતુ તે આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યો છે. શમી આ વર્લ્ડ કપમાં માત્ર 7 મેચ રમ્યો હતો અને આ સાત મેચમાં તેણે 24 વિકેટ ઝડપી હતી. શમીને અંતિમ મેચમાં માત્ર એક વિકેટથી સંતોષ માનવો પડ્યો હતો.