સાહેબ, વાત મળી છે /
ગુજરાતના DGP તરીકે દિલ્હી દરબારમાંથી નરેન્દ્ર મોદીના માનીતા આ IPS અધિકારી આવશે
Team VTV02:58 PM, 18 Mar 20
| Updated: 04:24 PM, 06 Oct 20
રાજ્યસભાની ચૂંટણીએ આખુ ગુજરાત માથે લીધું હોય એવી સ્થિતિ સર્જાય છે. જો કે મત તો માત્ર ધારાસભ્યો આપવાના છે પણ પ્રજા મત આપવા તત્પર બની હોય તેવી રાજકીય ચર્ચાઓ ગામે ગામ થઈ રહી છે. જોકે આ બધુ જ પતે એટલે જિલ્લા પંચાયત- તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ આવી રહી છે. આ ધ્યાને રાખી સરકાર ગૃહવિભાગમાં ધરખમ ફેરફાર કરી શકે તેવી સુત્રો માહિતી આપી રહ્યા છે.
એપ્રિલમાં DGP શિવાનંદ ઝા નિવૃત થાય છે
ગુજરાત માનીતા અધિકારીઓના હવાલે થાય તેવી સંભાવના
DGP સાથે સાથે IG અને SP પણ બદલી શકે છે
દિલ્હીથી નવા DGP આવી રહ્યા છે?
દિલ્હી દરબારના સુત્રો મુજબ ગુજરાત પોલીસના વડા તરીકે મોદી અને શાહના અંગત મનાતાં એક અધિકારી દિલ્હીથી આવી રહ્યા છે. વાત તો એવી છે કે હાલના DGP શિવાનંદ ઝા એપ્રિલ મહિનામાં નિવૃત થઈ રહ્યા છે. એટલે હવે કોઈ નવા અધિકારીને DGP બનાવવાએ રૂપાણી સરકાર માટે મોટો ટાસ્ક બની ગયો છે. રાજકીય સુત્રો મુજબ ગુજરાત કેડરના IPS રાકેશ અસ્થાના ગુજરાત પોલીસના વડા બને તેવી શક્યતાં છે. નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે રાકેશ અસ્થાના તેમના નજીકના અધિકારી તરીકે મનતા હતા. જો કે અસ્થાના CBIના સ્પેશિયલ ડાયરેક્ટર પણ રહી ચુક્યા છે. જ્યારે તેમના પર ભ્રષ્ટાચારના ખુબ મોટા આરોપ થયા હતા. જેની થોડા દિવસ પહેલાં જ ક્લિનચીટ મળી છે.
કોણ છે રાકેશ અસ્થાના?
1984ની બેચના રાકેશ અસ્થાના ગુજરાત કેડરના IPS અધિકારી છે. જે અત્યારે કેન્દ્ર સરકારમાં ઉડ્ડયન સુરક્ષા એન્ડ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ચીફ તરીકે ફરજ બજાવે છે. હમણાં હમણાં જ CBI vs CBI મામલે થયેલા વિવાદમાં ચર્ચામાં આવેલા રાકેશ અસ્થાનાને લાંચ લેવા મુદ્દે ક્લીન ચિટ આપવામાં આવી હતી. આ વિવાદમાં CBIના પૂર્વ અધિકારી આલોક વર્મા સાથેના તેમના ગજગ્રાહ સપાટી ઉપર આવી ગયા હતા.
SP કક્ષાના અધિકારીઓની પણ થશે બદલી
DGP સિવાય જિલ્લાના SP કક્ષાના અધિકારીઓ અને વડોદરા અને રાજકોટ શહેરના પોલીસ કમિશનર અને ગાંધીનગરના નવા પોલીસ કમિશનરને નીમવા સહિત રાજ્યમાં મોટા ફેરફારો આવી શકે તેમ લાગી રહ્યું છે. વડોદરા શહેરના કમિશનર અનુપમ સિંહ ગેહલોત અને રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિત રાજ્યના રેન્જના IG અને જિલ્લાના SP અધિકારીઓની બદલીઓ થાય તેવા સંકેતો જણાય છે.