બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Insufficient quantity of petrol-diesel in Anand district and diesel shortage in Aravalli district

સમસ્યા / આણંદમાં 60% પંપ પર પેટ્રોલ મળતું નથી, અરવલ્લીમાં વાવણી ટાણે જ ડીઝલની અછતથી ખેડૂતો પરેશાન

Dhruv

Last Updated: 12:46 PM, 15 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદમાં 60 ટકા પંપો પર પેટ્રોલ-ડીઝલનો જથ્થો ન હોવાના બોર્ડ લાગતા અને અરવલ્લીમાં વાવણી ટાણે 5 ટકા પંપો પર જ ડીઝલ હોવાથી વાહનોની લાંબી કતારો.

  • આણંદ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો અપૂરતો જથ્થો
  • આણંદ જિલ્લાના 60 ટકા પમ્પો પર જથ્થો ન હોવાના લાગ્યા બોર્ડ
  • અરવલ્લી જિલ્લાના 5 ટકા પંપો પર જ ડીઝલ હોવાથી લાંગી લાંબી કતારો 

છેલ્લાં કેટલાંક સમયથી રાજ્યમાં પેટ્રોલ-ડીઝલને લઈને અફવાઓનું બજાર ગરમાયું છે. રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ ખૂટ્યું હોવાની અફવાઓ વચ્ચે પેટ્રોલ-ડીઝલને લઇને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. આણંદ જિલ્લાના 60 ટકા પંપો પર પેટ્રોલ-ડીઝલનો જથ્થો ન હોવાના બોર્ડ લાગ્યા છે. પેટ્રોલ-ડીઝલના અપૂરતા જથ્થાને લઈને અંદાજીત 30 લાખ વાહન ચાલકો પ્રભાવિત થયા છે. અપૂરતા જથ્થાને લઈ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી ગઇ છે.

અરવલ્લીના 5 ટકા પંપો પર જ ડીઝલ હોવાથી ખેડૂતો પરેશાન

બીજી બાજુ અરવલ્લી જિલ્લામાં પણ ડીઝલની શોર્ટેજથી ખેડૂતો પરેશાન થઇ ગયા છે. જિલ્લાના 5 ટકા પંપો પર જ ડીઝલ હોવાથી પેટ્રોલ પંપ પર લોકોની લાંબી કતારો લાગેલી જોવા મળી રહી છે. વાવણીના સમયે જ ડીઝલ ખૂટતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઇએ કે, સરહદી જિલ્લામાં ડીઝલની સૌથી મોટી માંગ હોય છે. ખેતર ખેડવામાં ટ્રેક્ટર ચલાવવા ડીઝલની સૌથી વધારે જરૂર પડતી હોય છે.  ડીઝલની શોર્ટેજ વચ્ચે અરવલ્લીમાં પેટ્રોલ પંપ પર ટ્રેક્ટરોની લાંબી લાઇન લાગી છે.

ગઇકાલે અરવલ્લીમાં પેટ્રોલ-ડીઝલની અફવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે અમરેલી, અમદાવાદની માફક અરવલ્લીમાં પણ પેટ્રોલ-ડિઝલની તંગીની અફવા વહેતી થતાં પેટ્રોલ પંપ પર લોકો ઉમટી પડ્યા હતા. વાહનચાલકો અને ખેડૂતોએ પેટ્રોલ-ડીઝલ લેવા દોટ લગાવી હતી. જેને પગલે માલપુરના ગોવિંદપુર પાસે પેટ્રોલ પંપ પર અફરાતફરીનો માહોલ ઊભો થયો હતો. જેમાં ખાસ ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. કારણ કે, એક બાજુ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે. જેથી ખેતીમાં વાવેતર સહિતના કામની મોસમ પૂરબહારમાં ખીલી છે. આવા ખરા ટાણે જ ડીઝલની તંગીની અફવાએ જોર પકડતા ખેડૂતો ટ્રેક્ટર, બાઇક પર પ્લાસ્ટિકના ડ્રમ લઇ પેટ્રોલ-ડિઝલ ખરીદવા ઉમટી પડ્યા હતા.

બે દિવસ અગાઉ અફવાને પગલે અમદાવાદમાં લાગી હતી કતારો

બે દિવસ અગાઉ એટલે કે ગત તા. 12 ના રોજ ખાડી દેશ દ્વારા ભારતને ઈંધણ આપવાના ઈન્કારની અફવાને પગલે મોડી રાત્રે અમદાવાદ સહિત અન્ય જિલ્લાના પેટ્રોલપંપ પર લાંબી લાઇન લાગી હતી.આગામી ચાર દિવસ સુધી પેટ્રોલ પંપ પર પેટ્રોલની સપ્લાય અટકી જશે તેવા બનાવટી મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેને પગલે ગઇકાલે મોડી રાત્રે આશ્રમ રોડના નહેરૂ બ્રીજ, પાલડી અને APMC પાસેના પેટ્રોલ પંર ખૂબ મોટા પ્રમાણમાં લોકોએ વાહનો લઇને લાંબી કતારો કરી દીધી હતી. મોડી રાતથી લોકો પેટ્રોલ પંપ પર ટુ વ્હીલર અને કાર લઇને એકઠા થવા લાગ્યા હતા.જેંને લઈને રસ્તા પર ટ્રાફિક જામ થાય તે રીતે વાહનોની લાંબી લાઇનો લાગી ગઇ હતી. જો કે, પેટ્રોલ પંપના સંચાલકોએ જણાવ્યું હતું કે, પેટ્રોલનો પુરવઠો યથાવત છે.

અગાઉ સાવરકુંડલાના પેટ્રોલ પંપ પર પણ વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી હતી

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ગત તા.11 ના પણ અમરેલીના સાવરકુંડલામાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલ પુરાવવા વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી હતી. સાઉદી અરબ અને કુવૈતથી ભારતને પેટ્રોલ નહીં મળવાની અફવાઓ વાયુવેગે પ્રસરતા મધરાત્રે ભારે અફડાતફડી મચી જવા પામી હતી. પેટ્રોલ પંપ બંધ રહેવાની અને પેટ્રોલ મોંઘું થવાની વાત વહેતી થતાં સાવરકુંડલામાં મોટાભાગના પંપ પર મધરાતે લોકો દોડી આવ્યા હતા. અફવાને પગલે લોકોએ ઊંઘમાંથી ઊઠી વાહનો લઇ પેટ્રોલ પંપ પર દોટ મૂકી હોય તેવો ઘાટ સર્જાયો હતો.બીજી તરફ પેટ્રોલ પંપ પર મધરાતે એકસામટો ઘસારો જોવા મળતા પેટ્રોલ પંપ માલિકો અને કર્મચારીઓ પણ અચરજ પામી ગયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ