એસટી બસમાં અપડાઉન કરતા કોઈપણ વિદ્યાર્થીઓ અને મુસાફરો હવેથી એસટીનો બસ પાસ રાજ્યના કોઇપણ ડેપોમાંથી કઢાવી શકશે. એસટી દ્વારા સેન્ટ્રલાઇઝ સિસ્ટમના ભાગરૂપે હવે ઓનલાઇન સિસ્ટમ શરૂ કરી છે. જેને પરિણામે વિદ્યાર્થીઓનું શિક્ષણ અને મુસાફરોનો સમય પણ બગડતો અટકશે અને સરળતાથી પાસ પાસ મેળવી શકાશે.
ક્યારેક નાનાં સેન્ટરોમાં વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કેટલાક ડેપોમાં પાસ નીકળતા નથી. કેટલાક એસટી ડેપોમાં સર્વર બંધ રહેતું હોય છે. આવાં અનેક કારણોસર વિદ્યાર્થીને પાસ કઢાવવા આમથી તેમ ફરવું પડે છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોને આકર્ષવા અને નિગમની આવકમાં વધારો થાય તે માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે.
એસટી બસોમાં જીપીએસ સિસ્ટમ લગાવ્યા બાદ હવે મુસાફરોને ટિકિટ આપવા માટે સ્માર્ટ પીએસ ઈટીએમ અમલમાં છે. જે જીપીએસ સિસ્ટમથી સજ્જ છે જેને હવે ડેપોનાં કમ્પ્યૂટર સાથે કનેક્ટ કરવામાં આવી રહ્યાં છે. જેના કારણે કેટલા મુસાફરોને બસમાં ટિકિટ અપાઈ ક્યા બસ સ્ટોપ પર બસ પહોંચે ત્યારે કેટલી સીટ ખાલી હશે, ક્યા સ્ટોપેજની કેટલી આવક થઈ. આ સહિતની તમામ માહિતી નિગમની કચેરીમાં અધિકારી તેમનાં ટેબલ પર જોઈ શકશે અને લેટેસ્ટ ડેટા મેળવી શકશે.
આ અંગે અમદાવાદ વિભાગના નિયામક એન.બી. સિસોદિયાએ જણાવ્યું હતું કે હવેથી એક્સપ્રેસ બસના કન્ડક્ટર જીપીએસથી સજ્જ પીએસ ઇટીએમ મશીન દ્વારા મુસાફરોને ટિકિટ આપશે.