બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Bhupat vadodaria death anniversary Today 4 october 2020

શ્રદ્ધાંજલિ / મીડિયા વિશ્વના પ્રકાશ-સ્તંભ ભૂપત વડોદરિયાને શત શત નમન

Gayatri

Last Updated: 10:48 AM, 4 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રીય સ્તરે અને પ્રાદેશિક સ્તરે પત્રકારત્વ માટે વર્તમાન સમય સંકટ અને કસોટીનો કાળ છે. આવા સંકટના સમયે પત્રકારત્વ જ્યારે દિશાહીનતાનો અનુભવ કરી રહ્યું છે ત્યારે તેમાં એક દીવાદાંડીરૂપ વ્યક્તિત્વની ખોટ અનુભવાય છે. આવા વ્યક્તિત્વની હાજરી સૌના માટે પ્રત્યક્ષ કે પ્રચ્છન્ન રીતે માર્ગદર્શકનું કામ કરતી હોય છે. ભૂપત વડોદરિયા ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે આવું દીવાદાંડીરૂપ વ્યક્તિત્વ હતું. તેનો પ્રત્યક્ષ અનુભવ ‘સમભાવ’ દૈનિકના આરંભકાળથી તેમની હયાતીનાં વર્ષો દરમિયાન દેશ અને સમાજજીવનના પ્રત્યેક સંકટના અવસરે થતો રહ્યો છે.

  • પત્રકારત્વ એક ખોજ: ભૂપત વડોદરિયા
  •  ભૂપતભાઈ ભલે સ્વયં એક અખબારના તંત્રી-માલિક હતા
  • મીડિયા જગત આજે તેમની ખોટ તીવ્રપણે અનુભવે છે

આજના વર્તમાન અસમંજસકાળમાં ભૂપતભાઈનું સ્મરણ થઈ આવે છે તેનું આ જ કારણ છે. ભૂપતભાઈ ભલે સ્વયં એક અખબારના તંત્રી-માલિક હતા, પરંતુ સમગ્ર પત્રકાર સમુદાય સાથે તેમના જીવંત સંપર્કો રહેતા. અખબારના કટાર લેખકો સાથે પણ તેમના સંવાદ ચાલતા રહેતા. તેના કારણે દ્વિધા અને અનિશ્ચિતતા તેમજ અસમંજસના સમયમાં આ ચર્ચા-સંવાદ દિશા-દર્શનની ગરજ સારતા હતા અને તેનો પ્રભાવ સૌની પોતાની મર્યાદામાં રહીને પણ અખબારી લેખન અને અભિવ્યક્તિમાં પ્રતિબિંબિત થતો. 

ભૂપતભાઈની હયાતીમાં ‘સમભાવ’ના એ અઢી દાયકા દરમિયાન દેશ અને ગુજરાતે તેમજ સમાજજીવને પણ અનેક પ્રકારના કુદરતી અને રાજકીય સંકટોમાંથી પસાર થવાનું બન્યું અને એવા પ્રત્યેક સમયે પત્રકારના કર્તવ્યની વાત આવે ત્યારે અભિપ્રાયની કેળવણીના પાયામાં વાચકને કેન્દ્રમાં રાખીને ચાલવાની વાત મહત્ત્વની બની રહેતી. આવી ચર્ચા વખતે  ભૂપતભાઈ એક વાત જરૂર કહેતા કે પત્રકારત્વની ખરી કારકિર્દી ‘ફૂલછાબ’ દૈનિકથી આરંભાઈ હોવાથી સૌરાષ્ટ્ર ટ્રસ્ટ મારું ગોત્ર ગણાય. એ ગોત્રનો મંત્ર વાચક હતો. (એ સમયે તો સમાચારનાં અન્ય માધ્યમો હતાં નહીં), પરંતુ એ પછીનાં વર્ષોમાં અખબારી આલમની વૃત્તિ-પ્રવૃત્તિના નિરીક્ષણ બાદ ભૂપતભાઈનું તારણ એવું હતું કે અખબારી જગત પોતે પક્ષકાર બન્યું છે. સમાચારોમાં વિવેકબુદ્ધિની બાદબાકી થઈ ગઈ છે. ભૂપતભાઈની આ જ વાતને વિસ્તારીને આજે આપણે વાચકની સાથે દર્શકને મૂકી શકીએ અને અખબારી જગતના સ્થાને મીડિયા જગતને મૂકીને વાત કરીએ તો સ્થિતિ વધુ સ્પષ્ટ થાય. 

ભૂપતભાઈએ ત્યારે જે વાત કરી હતી એ અત્યારે તેના વધુ ઉગ્ર અને વરવા સ્વરૂપે જોવા મળી રહી છે. મીડિયા સ્વયં લોકોના અભિપ્રાયની કેળવણીના બદલે આ કે તે પક્ષકારની ભૂમિકામાં આવી ગયું છે. મીડિયા માટે આ સ્થિતિ સારી નહીં ગણી શકાય. પ્રિન્ટ મીડિયાથી ઇતર પ્રકારનાં સમાચાર માધ્યમોના વિકાસની સાથે આજે ઇન્ફર્મેશન ટેક્નોલોજીના પ્રતાપે ચોવીસ કલાક વાચક-દર્શક સમુદાય સાથે સંકળાયેલા રહેવાના કારણે એક તરફ મીડિયાની તાકાત વધી છે, વિસ્તરી છે તો બીજી બાજુ લોકોની સમજ પણ વિકસી છે. આજનો વાચક કે દર્શક માત્ર એક માધ્યમ પર વિશ્વાસ રાખીને બેસી રહેતો નથી. મીડિયાની વિશ્વસનીયતાની કટોકટીમાંથી સર્જાયેલી સ્થિતિએ લોકોને માર્ગ દર્શાવ્યો છે. લોકો એકથી વધુ માધ્યમ દ્વારા માહિતીના એકથી વધુ આયામ સમજવાનાે પ્રયાસ કરે છે. અલબત્ત, આવું દરેક પ્રસંગે-દરેક સમયે સાર્વત્રિક રીતે બનતું નથી. આખરે તો એ વ્યક્તિગત રસ અને રુચિનો મુદ્દો બની રહે છે.

અગાઉ એવું કહેવાતું કે વાચકને શું જોઈએ છે એ અંગે તે સભાન નથી. એથી અનૈતિક તત્ત્વો વાચકનાં રસ-રુચિ સાથે ચેડાં કરી શકતા. આજે હવે તમામ વાચક કે દર્શકની બાબતમાં આવું કહી શકાય તેમ નથી, પરંતુ જ્યારે મીડિયા કોઈના પક્ષકારની ભૂમિકામાં આવી જાય છે ત્યારે પરિસ્થિતિ ખતરનાક-સ્ફોટક બને છે. આવા સમયે વાચક-દર્શક ગેરમાર્ગે દોરાય એવી સંભાવના વધી જાય છે. આજની પરિસ્થિતિ એટલા માટે પણ જોખમી છે કે મીડિયાને માર્ગદર્શન આપી શકે, તેમને કર્તવ્યબોધ કરાવી શકે એવી એડિટર્સ ગિલ્ડ જેવી સંસ્થાઓ પણ નિષ્પ્રભાવી અને અક્ષમ બની રહી છે ત્યારે કોઈને પ્રકાશના કિરણ માટે ક્યાંય નજર દોડાવવાનું મન થાય તો કોના પ્રત્યે દૃષ્ટિપાત કરે?

મીડિયાના આદર્શ કહેવાતા લોકો અને સંસ્થાઓની ખુદની હાલત દયનીય છે. એવા સમયે ભૂપતભાઈનું સ્મરણ થઈ આવે છે. ભૂપતભાઈ એક એવું વ્યક્તિત્વ હતા કે જેમના પ્રત્યે સૌને સમાદર હતો. ભૂપતભાઈ પાસેથી માર્ગદર્શન મેળવનારાઓને તેમના સર્વગ્રાહી વિચાર અને તાટસ્થ્યની ખાતરી રહેતી. એક અખબારના તંત્રી-માલિક રહીને તેઓ અસંખ્ય લોકોનું માર્ગદર્શન કરતા રહ્યા. તેમની હયાતીમાં સૌના માટે એક આશ્રય અને આશ્વાસન હતું. પત્રકારત્વની એક એવી દીવાદાંડી, જે સૌને દૂરથી અને નજીકથી પ્રકાશ અને માર્ગ દર્શાવતી. મીડિયા જગત આજે તેમની ખોટ તીવ્રપણે અનુભવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bhupat Vadodaria Death Anniversary પત્રકારત્વ ભૂપત વડોદરિયા શ્રદ્ધાંજલિ Bhupat Vadodaria
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ