Moscow Drone Attack News: આ હુમલો એવા સમયે થયો છે જ્યારે રશિયાની એર ડિફેન્સ સિસ્ટમ પણ સક્રિય હતી તેમ છતાં રશિયા ડ્રોન હુમલાથી બચી શક્યું નથી
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ફરી એકવાર મોટા સમાચાર
રશિયાની રાજધાની મોસ્કોમાં ફરી એકવાર ડ્રોન હુમલો
ડ્રોન હુમલાનો આરોપ યુક્રેન પર લગાવવામાં આવ્યો
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રશિયાની રાજધાની મોસ્કોમાં ફરી એકવાર ડ્રોન હુમલો થયો છે. આ હુમલાનો આરોપ યુક્રેન પર લગાવવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે, આ હુમલો એવા સમયે થયો છે જ્યારે રશિયાની એર ડિફેન્સ સિસ્ટમ પણ સક્રિય હતી તેમ છતાં રશિયા ડ્રોન હુમલાથી બચી શક્યું નથી. હુમલામાં બે ઈમારતોને નુકસાન થયું હતું. ડ્રોન હુમલાનો વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મોસ્કોના મેયરે પણ હુમલાની પુષ્ટિ કરી છે.
એરપોર્ટ બંધ કરવા આદેશ
રશિયાએ સાવચેતીના પગલા તરીકે તેનું નુકાવો એરપોર્ટ બંધ કરી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મોસ્કોના IQ ક્વાર્ટર નામની બહુમાળી ઇમારત પર હુમલો કરવામાં આવ્યો હતો. બિલ્ડિંગમાં રહેણાંક એપાર્ટમેન્ટ્સ અને સરકારી ઓફિસો છે. અહેવાલો અનુસાર આ હુમલામાં એક વ્યક્તિ ઘાયલ પણ થયો છે. મોસ્કોમાં અન્ય એક ઈમારત પર ડ્રોન હુમલાના પણ સમાચાર છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક મહિલા તેના એપાર્ટમેન્ટમાં સૂતી જોવા મળી રહી છે જ્યારે તેની બિલ્ડિંગ સાથે ડ્રોન અથડાય છે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને પણ મોસ્કોની બે ઈમારતો પર ડ્રોન હુમલાની પુષ્ટિ કરી છે. જોકે તેમણે કહ્યું કે, આ હુમલામાં વધારે નુકસાન થયું નથી. હુમલો રવિવારે સવારે થયો હતો. રશિયાના સંરક્ષણ મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે, રશિયાના એર ડિફેન્સે પશ્ચિમ મોસ્કોમાં યુક્રેનિયન ડ્રોનનો નાશ કર્યો છે. ગયા અઠવાડિયે પણ મોસ્કોમાં બે ડ્રોન હુમલાના સમાચાર હતા. યુક્રેન પર પણ આનો આરોપ હતો.
શું કહ્યું વ્લાદિમીર પુતિને ?
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને શનિવારે કહ્યું હતું કે, આફ્રિકન પહેલ યુક્રેનમાં શાંતિનો આધાર બની શકે છે, પરંતુ યુક્રેનિયન હુમલાઓ સમસ્યાને જટિલ બનાવી રહ્યા છે. પુતિન શુક્રવારે સેન્ટ પીટર્સબર્ગમાં આફ્રિકન નેતાઓને મળ્યા બાદ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા.