ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદમાં અમિત શાહે કાર્યકર્તાઓ સાથે ઉજવ્યું નવું વર્ષ, શુભેચ્છા પાઠવવા ઉમટ્યા નેતાઓ!
Last Updated: 11:10 AM, 10 November 2026
ADVERTISEMENT
નવા વર્ષની શરૂઆત સાથે જ રાજકીય નેતાઓ અને કાર્યકર્તાઓમાં શુભેચ્છાઓની આપ-લે શરૂ થઈ ગઈ છે. ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પણ અમદાવાદમાં પોતાના નિવાસસ્થાને નવા વર્ષની ઉજવણી કરી હતી. સવારે લગભગ 8:30 વાગ્યાથી અમિત શાહે કાર્યકર્તાઓને મળીને નવા વર્ષની શુભેચ્છાઓ આપવાની શરૂઆત કરી હતી. આ પ્રસંગે ભાજપના હોદ્દેદારો, સંગઠનના પદાધિકારીઓ, ધારાસભ્યો અને સાંસદો સહિત અનેક આગેવાનો અમિત શાહને શુભેચ્છા પાઠવવા પહોંચ્યા હતા. અમિત શાહ પણ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરીને તેમને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી રહ્યા હતા. તેઓ સવારે 11 વાગ્યા સુધી કાર્યકર્તાઓ સાથે નવા વર્ષની ઉજવણી કરવાના હતા. જોકે, આ સ્નેહમિલન દરમિયાન બે એવી ઘટનાઓ બની કે કાર્યક્રમને થોડીવાર માટે અટકાવવો પડ્યો હતો.
ADVERTISEMENT

સૌપ્રથમ વાત કરીએ અમિત શાહના પૌત્રની, જેની જીદ સામે ખુદ કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ ઝૂકવું પડ્યું હતું. નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે માટે અમિત શાહ સ્ટેજ પર હાજર હતા. તેમની સાથે પત્ની સોનલબેન શાહ પણ ઉપસ્થિત હતાં. આ દરમિયાન જય શાહનો દીકરો પણ સ્ટેજ પર આવ્યો હતો. શરૂઆતમાં તો તેણે દાદા સાથે મીઠાઈ ખાઈને આનંદ માણ્યો હતો, પરંતુ ત્યારબાદ તે દાદાને તેડી લેવાની જીદ કરવા લાગ્યો હતો. અમિત શાહે પૌત્રને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પૌત્ર પોતાની જીદ પર અડગ રહ્યો હતો. અંતે પૌત્રે દાદાની આંગળી પકડીને સ્ટેજ પરથી નીચે ઉતરવાનો આગ્રહ કર્યો હતો. પૌત્રના પ્રેમભર્યા આગ્રહ સામે અમિત શાહે પણ તેની વાત માનવી પડી હતી અને સ્ટેજ પરથી નીચે ઉતરવું પડ્યું હતું. આ કારણે થોડી ક્ષણો માટે સ્નેહમિલન કાર્યક્રમ અટકી ગયો હતો.
ADVERTISEMENT
આ ઉપરાંત બીજી એક ઘટનાએ પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સવારે 8:30 વાગ્યાથી શુભેચ્છા મુલાકાત ચાલી રહી હતી ત્યારે અચાનક સવારે 9:10 વાગ્યાની આસપાસ અમિત શાહને એક ફોન આવ્યો હતો. ફોન પર વાત કરવી જરૂરી જણાતાં તેઓ તરત જ સ્ટેજ પરથી નીચે ઉતર્યા હતા. ત્યારબાદ સાઇડમાં આવેલા એક્ઝિટ ગેટ પાસે પ્લાસ્ટિકની ખુરશી પર બેસીને આશરે ત્રણ મિનિટ સુધી ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન સ્નેહમિલન કાર્યક્રમ થોડા સમય માટે અટકી ગયો હતો. ફોન પરની વાતચીત પૂર્ણ થયા બાદ અમિત શાહ ફરીથી કાર્યકર્તાઓને મળવા અને શુભેચ્છાઓ પાઠવવા માટે જોડાયા હતા.
ADVERTISEMENT
અમિત શાહના નિવાસસ્થાને યોજાયેલા આ સ્નેહમિલન કાર્યક્રમમાં ગુજરાતના અનેક મોટા રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ અમિત શાહને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત અમદાવાદ શહેર અને ગાંધીનગરના તમામ ધારાસભ્યો પણ શુભેચ્છા આપવા પહોંચ્યા હતા. આણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ લાકડીના સહારે અમિત શાહને શુભેચ્છા પાઠવવા આવ્યા હતા. રાજ્યના DGP અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પણ અમિત શાહ સાથે મુલાકાત કરીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે વર્ષ 2019ની ચૂંટણી બાદ અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા ત્યારથી નવા વર્ષના અવસર પર પોતાના નિવાસસ્થાને કાર્યકર્તાઓ માટે શુભેચ્છા મુલાકાત અને સ્નેહમિલનનું આયોજન કરે છે. આ પરંપરા મુજબ આ વર્ષે પણ તેમણે અમદાવાદમાં પોતાના નિવાસસ્થાને કાર્યકર્તાઓ અને ભાજપના આગેવાનો સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી. જોકે, આ વખતના સ્નેહમિલનમાં રાજકીય મુલાકાતો કરતાં પૌત્રની મીઠી જીદ અને દિલ્હીથી આવેલા ફોનના કારણે બે વખત અટકેલો કાર્યક્રમ વધુ ચર્ચામાં રહ્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો