Surat News: સુરત BRTS કરિડોરમાં સ્વિંગ ગેટ લગાવવા પાછળ કરોડોનો ખર્ચ કરવા છતાં 278 ગેટમાંથી ફક્ત 50 ગેટ કાર્યરત, શાસકોએ એજન્સીને બ્લેકલિસ્ટ કરવા સ્થાયી સમિતિમાં કરી તાકીદ.
સુરત BRTS રૂટ પર લગાવેલા સ્વિંગ ગેટ શોભાના ગાઠિયા સમાન
કોરિડોર પર લગાવેલા 278 ગેટમાંથી ફક્ત 50 ગેટ કાર્યરત
સ્વિંગગેટ લગાવનાર એજન્સી સામે કાર્યવાહી
Surat News: સુરત BRTS કોરિડોરમાં સ્વિંગ ગેટ લગાવનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સ્વિંગ ગેટ પાછળ રૂ.3.37 કરોડનો ખર્ચ કરવા છતાં યોગ્ય કામગીરી કરવામાં ન આવતા એક્શન લેવામાં આવ્યું છે. મહત્વનું છે કે શહેરના BRTS કોરિડોર પર લગાવેલા 278 ગેટ (સ્વિંગ ગેટ)માંથી ફક્ત 50 ગેટ જ કાર્યરત છે.
ફાઈલ ફોટો
તબક્કાવાર લગાવાયા હતા 278 જેટલા સ્વિંગ ગેટ
સુરત મહાનગર પાલિકા દ્વારા 162 BRTS બસ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. BRTS કોરિડોરમાં ઘૂસતા ખાનગી વાહનોને અટકાવવા માટે વિવિધ બસ સ્ટોપ પર ઓટોમેટિક સ્વિંગ ગેટ લગાડવામાં આવ્યા છે. ફેઝ-1 અને ફેઝ-2 અંતર્ગત 278 જેટલા સ્વિંગ ગેટ તબક્કાવાર લગાડવામાં આવ્યા હતા. જેમાંથી હાલમાં 50 સ્વિંગ ગેટ ચાલુ હાલતમાં છે.
સ્વિંગગેટને લઈને માંગવામાં આવ્યા ખુલાસા
ત્યારે ગત ગુરુવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં અંદાજે 2 વર્ષથી બંધ હાલતમાં જોવા મળી રહેલા સ્વિંગ ગેટને લઈને ખુલાસા માંગવામાં આવ્યા હતા. કરોડોનો ખર્ચ કરવા છતાં સ્વિંગ ગેટ કામ ન કરતા પાલિકાએ નોંધ લીધી હતી. એજન્સીને 3.73 કરોડની સામે 3.37 કરોડની ચૂકવણી કરવા છતાં કોરિડોરમાં લગાવેલા 278માંથી ફક્ત 50 ગેટ કાર્યરત હોવાથી શાસકોએ તેની ગંભીર નોંધ લીધી હતી.
ફાઈલ ફોટો
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને માંગ્યો રિપોર્ટ
સ્વિંગ ગેટના મેઈન્ટેનન્સનું કામ સંભાળતી એજન્સીનું કામ સંતોષકારક ન હોવાનું સામે આવતા એજન્સીને બ્લેક લિસ્ટ કરવા શાસકોએ સ્થાયી સમિતિમાં તાકીદ કરી હતી. જેથી સિટી લિંક પાસે સ્વિંગ ગેટ મામલે સુરત મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે રિપોર્ટ માંગ્યો હતો.