અમદાવાદમાં છેલ્લા 6 મહિનામાં મેમો નહીં ભરનારા 800 વાહનચાલકોના લાયસન્સ રદ કરાયા. વધુમાં ઇ-મેમોને લઇને ગુજરાત HCની ટકોર બાદ અમદાવાદ-રાજકોટ પોલીસ એક્શનમાં આવી છે.
ઇ-મેમો ના ભર્યો હોય તો અમદાવાદીઓ ચેતી જજો. કારણ કે અમદાવાદમાં 30 હજાર વાહન ચાલકોને SMSથી ઇ-મેમો ભરવાની જાણ કરાઈ છે. 26 જૂને લોક અદાલત કાર્યક્રમમાં પણ ઇ-મેમો ભરી શકાશે. શહેરમાં છેલ્લા 6 મહિનામાં મેમો નહીં ભરનારા 800 વાહનચાલકોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસે QR કોડ અને ઓનલાઈન મારફત પેમેન્ટ કરવાની પણ વ્યવસ્થા ઉપલબ્ધ રાખી છે.
જુઓ અમદાવાદીઓ કઇ રીતે ઓનલાઇન E-Challan ભરી શકાશે?
સૌ પહેલાં Ahmedabad City Police પર ક્લિક કરો. પછી તમારી સમક્ષ નીચે આ રીતે એક સ્ક્રીન દેખાશે. જેમાં તમે તમારો ગાડી નંબર સર્ચ કરીને ઓનલાઇન ઇ-મેમો ભરી શકશો.
હાઇકોર્ટે કહ્યું હતું કે, 'ઈ-મેમો ન ભરનારા સામે FIR કરો'
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે રાજ્યમાં ટ્રાફિક નિયમો કડક બનાવવા અંગે સૌથી મોટા સંકેત આપ્યા હતા. જે અંતર્ગત રાજ્યમાં ટૂંક સમયમાં ઈ-કોર્ટ પ્રોજેકટ શરૂ કરાશે. જેમાં ટ્રાફિક નિયમનું પાલન ન કરનારા વિરૂદ્ધ FIR થશે. ટ્રાફિક નિયમનું પાલન નહીં કરનારા વિરુદ્ધ ઈ-મેમો સાથે ફરિયાદ થશે. ટ્રાફિક નિયમનું પાલન ન કરનારા લોકો વિરૂદ્ધ હાઇકોર્ટે સૌથી મોટી ટકોર કરી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે, 'ઈ-મેમો ન ભરનારા સામે FIR કરો.'
ઇ-મેમો નહીં ભરનાર સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પણ લાલ આંખ કરી છે
બીજી બાજુ ઇ-મેમો નહીં ભરનાર સામે ગુજરાત હાઇકોર્ટ બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પણ લાલ આંખ કરી છે. ઇ-મેમો નહીં ભરનારને કોર્ટે નોટિસ ફટકારી હતી. એક જ દિવસમાં 10 હજાર લોકોને ગ્રામ્ય કોર્ટે નોટિસ ફટકારી હતી. 26 જૂનના રોજ લોક અદાલતમાં ઇ-મેમો નહીં ભરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. નોટિસ બાદ પણ ઇ-મેમો ન ભરનારા સામે કોર્ટ કાર્યવાહી કરશે. જાન્યુઆરીથી લઇને અત્યાર સુધી 90 હજાર ઇ-મેમો ભરવાના બાકી છે.
રાજકોટ ટ્રાફિક ACPએ લોકોને ટ્રાફિક મેમા ભરી દેવા તાકીદ કરી છે
આ સિવાય રાજકોટમાં પણ રાજકોટ ટ્રાફિક ACPએ લોકોને ટ્રાફિક મેમા ભરી દેવા તાકીદ કરી છે. 26 જૂન સુધીમાં મેમો નહીં ભર્યો હોય તો કેસ લોક અદાલતમાં જશે. ત્યારે ACPની તાકીદ બાદ રાજકોટમાં ઈ-મેમો ભરવા લોકોની લાઈન લાગી રહી છે. લોક અદાલતમાં ફરિયાદની જાહેરાત બાદ લોકો ઇ-મેમો ભરવા પહોંચ્યા હતા. ટ્રાફિક ઓફિસે મેમો ભરવા લોકોની લાંબી લાઇન જોવા મળી રહી છે. ટ્રાફિક શાખા દ્વારા મોબાઈલમાં મેસેજ પણ મોકલવાની શરૂઆત કરાઈ છે.'
પત્ર અંગે સ્પષ્ટતા કરવામાં ન આવતા રાજકોટ CP અને ટ્રાફિક ACPને કોર્ટે નોટીસ પાઠવી
જો કે, આ મામલે ટ્રાફિક પોલીસ દ્વારા પત્ર અંગે સ્પષ્ટતા કરવામાં ન આવતા વકીલે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેના લીધે રાજકોટ CP અને ટ્રાફિક ACPને કોર્ટની નોટીસ પાઠવી છે. વાહનચાલકોને પૂરતી માહિતી ન આપતા રાજકોટ કોર્ટે નોટીસ આપી છે. કોર્ટે ઇ-મેમો અંગે વાહનચાલકોને સાચી માહિતી આપવા જણાવ્યું. કોર્ટે કહ્યું અન્યથા કોર્ટની કાર્યવાહી માટે તૈયાર રહો.
રાજકોટવાસીઓને છેલ્લા પાંચ વર્ષમાં ટ્રાફિક પોલીસે 180 કરોડનો દંડ ફટકાર્યો
તમને જણાવી દઇએ કે, રાજકોટને સુરક્ષિત રાખવા માટે આઇવે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. શહેરમાં ચોરી, લૂંટફાટ જેવી પ્રવૃત્તિઓ રોકવા માટે થર્ડ આઇનું પ્રોટેક્શન આપવામાં આવ્યું. જેની પાછળ 70 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો પરંતુ આ કરોડોના ખર્ચે વસાવેલા સીસીટીવી ઇમેમોમાં બહુ ચર્ચાસ્પદ બન્યા છે. કારણ કે રાજકોટવાસીઓને છેલ્લા પાંચ વર્ષમાં ટ્રાફિક પોલીસે 180 કરોડનો દંડ ફટકાર્યો. વળી તે કુલ વાહનોની સંખ્યા કરતા બમણાથી પણ વધારે. અત્યાર સુધીમાં રાજકોટ ટ્રાફિક પોલીસે 24.30 લાખ નાગરિકોને ઇ-મેમો ફટકાર્યો. જો કે 150 કરોડનો દંડ ભરવાનો બાકી છે.