બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:02 PM, 21 March 2025
24 કલાક બાદ આસમાને જશે તાપમાનનો પારો
ADVERTISEMENT
રાજ્યમાં દિવસેને દિવસે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. 24 કલાક બાદ તાપમાન વધતા ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ હાલ ઉત્તર પશ્ચિમ - ઉતરના પવન ફૂંકાઇ રહ્યા છે ત્યારે 24 કલાક બાદ 2થી 3 ડીગ્રી તાપમાન વધવાની શક્યતા છે. એક વેસ્ટર્ન ડીસ્ટર્બન સક્રિય થશે જેના કારણે તાપમાન વધશે. આજના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં મહતમ તાપમાન 37 ડિગ્રી રહેવાની શક્યતા છે. રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 37.4 નોંધાયું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે, 21 માર્ચ પછી ક્યાંક વાદળો આવવાની સાથે વરસાદી છાંટા થઈ શકે છે. જેના કારણે મહત્તમ તાપમાન ઘટશે અને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે. જૂનાગઢના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં, ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં વાદળો આવશે. કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડવાની શક્યતાઓ રહેશે. આ વખતે હોળી આસપાસથી હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ રહેશે.
ADVERTISEMENT
જાણીતી મોડલ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે કર્યો આપઘાત
આણંદમાં બોરીયાવી પાલિકાના કારોબારી ચેરમેનની પત્નીએ એકાએક આપઘાત કરી લીધો હતો. જેમાં રૂષિલ પટેલના પત્ની રિદ્ધિ સુથારે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. યુવતીએ લાંભવેલ પાસેની કેનાલમાં આપઘાત કર્યો હતો. ત્યારે હાલ મૃતદેહનું નડિયાદ સિવિલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. અને પોસ્ટમોર્ટમ બાદ પરિવારને મૃતદેહ સોંપાયો હતો. પોસ્ટમોર્ટમમાં રિદ્ધિના મોતનું કારણ પાણીમાં ડુબી જવાથી થયું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ રિદ્ધિ સુથાર મોડલિંગ અને ઇનફ્લ્યુએન્સરનું કામ કરતી હતી. ત્યારે સમગ્ર ઘટનાને લઇ વડતાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જેમાં રૂષિલ પટેલે આણંદની રિદ્ધિ સુથાર સાથે કર્યા હતા પ્રેમ લગ્ન કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત પતિ રાજકીય વગ ધરાવતો હોવાથી ભીનું સંકેલાશે તેવી પણ ચર્ચા જોર પકડી રહી છે.
ગુજરાત બોર્ડ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી જાહેર
થોડા દિવસ અગાઉ ધોરણ 10 અને 12 ની બોર્ડીની પરિક્ષા પૂર્ણ થઇ છે અને થોડા દિવસોમાં પરિણામ જાહેર કરવામાં આવનાર છે. ત્યારે તાજેતરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સમાં ગ્રેસિંગ આપવામાં આવ્યું છે. જેમાં ધો.12 સાયન્સમાં મેથ્સ, કેમેસ્ટ્રીમાં 1-1 માર્કસનુ ગ્રેસિંગ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાત બોર્ડ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી. વધુમાં બોર્ડ દ્વારા મેથ્સમાં ગુજરાતી માધ્યમમાં 1 માર્કનુ ગ્રેસિંગ આપવામાં આવ્યું છે. તથા કેમેસ્ટ્ર્રીમાં હિન્દી માધ્યમમાં 1 માર્કનું ગ્રેસિંગ અપાયું હતું. મેથ્સ ગુજરાતી માધ્યમમાં એક પ્રશ્ન ખોટો હોવાના કારણે અને કેમેસ્ટ્રી હિન્દી માધ્યમમાં પણ એક પ્રશ્ન ખોટો હોવાના કારણે એક એક માર્કસનું ગ્રેસિંગ આપવામાં આવ્યું હતું.
ગુજરાતમાં ખેલ સહાયકના ઉમેદવારો માટે ખુશીના સમાચાર
ખેલ સહાયકમાં વય મર્યાદા વધારવા મુખ્યમંત્રીએ મંજૂરી આપી હતી. ત્યારે સમગ્ર બાબતે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જાહેરાત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ખેલ સહાયકમાં 2 વર્ષની વય મર્યાદા વધારવામાં આવી છે. જેમાં ખેલ સહાયકની વયમર્યાદા 38 વર્ષથી વધારીને 40 વર્ષ કરવામાં આવી છે. જોકે ઘણા સમયથી ખેલ સહાયકમાં વયમર્યાદા બાબતે વિચારણા ચાલુ હતી.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ઉમેદવારોના બહોળા હિતમાં મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. ખેલ સહાયકની ભરતી વારંવાર નથી આવતી. ત્યારે લાયક ઉમેદવારોને તક મળી રહે તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં હવે ખેલસહાયકની વયમર્યાદામાં 2 વર્ષનો વધારો કરીને 38 વર્ષના બદલે 40 વર્ષ કરી દેવામાં આવતા લાયક ઉમેદવારને સારી તક મળી શકશે.
AAP સંગઠનમાં ફેરફાર
આમ આદમી પાર્ટીએ કેટલાક રાજ્યો માટે નવા પ્રભારી તેમજ સહ પ્રભારીની નિમણૂક કરી છે. આમ આદમી પાર્ટીની PAC બેઠકમાં ગુજરાત, ગોવા, પંજાબ અને છત્તીસગઢમાં નવા પ્રભારી અને સહ-પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાતના પ્રભારી તરીકે ગોપાલ રાયની નિમણૂંક કરવામાં છે જ્યારે સહ-પ્રભારી તરીકે દુર્ગેશ પાઠકની નિમણૂંક કરવામાં આવી છે જ્યારે ગોવામાં પ્રભારી પંકજ ગુપ્તા તેમજ સહ-પ્રભારી અંકુશ નારંગ જી, આભાસ ચંદેલા અને દીપક સિંગલાને જવાબદારી સોંપવામાં આવી છે. તો પંજાબના પ્રભારી તરીકે મનીષ સિસોદિયાને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સહ પ્રભારી તરીકે સત્યેન્દ્ર જૈનની નિમણૂંક કરવામાં આવી છે. આ સાથે સાથે રાષ્ટ્રીય સંગઠન મંત્રી સંદીપ પાઠકને છત્તીસગઢના પ્રભારી તરીકે વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે દિલ્હી પ્રદેશ પ્રમુખની જવાબદારી સૌરભ ભારદ્વાજને અને જમ્મુ અને કાશ્મીર સંયોજકની જવાબદારી મેહરાજ મલિકને સોંપવામાં આવી છે.
આ તારીખથી શરૂ થશે ચારધામ યાત્રા
Char Dham Yatra Registration: હિમાલયની પવિત્ર ચારધામ યાત્રા 2025 માટે આધાર કાર્ડ નંબર દ્વારા ઓનલાઈન નોંધણી આજથી એટલે કે ગુરુવાર, 20 માર્ચ, 2025 થી શરૂ થઈ ગઈ છે. આ યાત્રા 30 એપ્રિલથી ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખોલવાની સાથે શરૂ થશે. કેદારનાથના દરવાજા 2 મેના રોજ ભક્તો માટે ખોલવામાં આવશે અને બદ્રીનાથ ધામના દરવાજા 4 મેના રોજ ભક્તો માટે ખોલવામાં આવશે. ઉત્તરાખંડ પ્રવાસન વિકાસ પરિષદે ચારધામ યાત્રા માટે નોંધણી ફરજિયાત બનાવી છે જેથી શ્રદ્ધાળુઓ નિર્ધારિત તારીખે દર્શનનો લાભ મેળવી શકે. રસ ધરાવતા પ્રવાસીઓ registrationandtouristcare.uk.gov.in વેબસાઇટની મુલાકાત લઈને આધાર કાર્ડ દ્વારા ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. હેલી સેવા માટેની ટિકિટ heliyatra.irctc.co.in પરથી બુક કરાવી શકાય છે.
પાકિસ્તાનમાં નમાજ દરમિયાન બોમ્બ બ્લાસ્ટ
પાકિસ્તાનના પેશાવરમાં શુક્રવારની નમાજ દરમિયાન કિસ્સાખાની બજારમાં આવેલી જામા મસ્જિદમાં એક મોટો વિસ્ફોટ થયો. આ બોમ્બ વિસ્ફોટમાં 5 લોકોના મોત અને 30 અન્ય ઘાયલ થયાના અહેવાલ છે. વિસ્ફોટ સમયે મસ્જિદમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નમાઝ અદા કરી રહ્યા હતા. પાકિસ્તાનમાં વધી રહેલા આતંકવાદી હુમલાઓ દેશની આંતરિક સુરક્ષા માટે પડકાર બની ગયા છે. પાકિસ્તાનમાં આતંકવાદ સંબંધિત ઘટનાઓ સતત વધી રહી છે. મોટાભાગના આતંકવાદી હુમલા બલુચિસ્તાન પ્રાંતમાં થઈ રહ્યા છે. આ વિસ્ફોટ બાદ સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. આ હુમલાની જવાબદારી કોઈ આતંકવાદી સંગઠને લીધી નથી. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. પેશાવર પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની રાજધાની છે. આ શહેર પાકિસ્તાન માટે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વ્યાપારિક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે. પેશાવર પાકિસ્તાનના સૌથી જૂના શહેરોમાંનું એક છે. આ ઉપરાંત, આ પ્રાંત લાંબા સમયથી આતંકવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું છે. અફઘાનિસ્તાન સરહદની નજીક હોવાને કારણે, તે આતંકવાદીઓ માટે એક મહત્વપૂર્ણ છુપાવાનું સ્થળ બની ગયું છે.
સતત પાંચમા દિવસે રોનકમાં શેર બજાર
ભારતીય શેરબજારો આજે સતત પાંચમા દિવસે લીલા નિશાનમાં બંધ થયા. સપ્તાહના છેલ્લા દિવસે શેરબજારમાં ફરી એકવાર સારી રિકવરી જોવા મળી. શુક્રવારે, BSE સેન્સેક્સ 557.45 પોઈન્ટ (0.73%) વધીને 76,905.51 પર બંધ થયો. જ્યારે NSEનો નિફ્ટી 50 ઇન્ડેક્સ 159.75 પોઈન્ટ (0.69%) વધીને 23,350.40 પોઈન્ટ પર બંધ થયો. તમને જણાવી દઈએ કે આજે બજાર ઘટાડા સાથે લાલ નિશાન પર ટ્રેડિંગ શરૂ કર્યું હતું. પરંતુ થોડા સમય પછી, જ્યારે ખરીદીનું વર્ચસ્વ વધ્યું, ત્યારે તે ગ્રીન ઝોનમાં આવી ગયું. ગુરુવારે, BSE સેન્સેક્સ 899.01 પોઈન્ટના વધારા સાથે 23,190.65 પોઈન્ટ પર અને નિફ્ટી 283.05 પોઈન્ટના વધારા સાથે 23,190.65 પોઈન્ટ પર બંધ થયો હતો. આજે સ્થાનિક શેરબજાર માટે વૈશ્વિક સંકેતો નબળા રહ્યા છે . આજના કારોબારમાં મુખ્ય એશિયન બજારોમાં વેચવાલી જોવા મળી. ગુરુવારે શરૂઆતમાં અમેરિકન બજારો પણ નબળા બંધ થયા હતા. ફુગાવાના ભય અને ટેરિફ અંગે ચાલી રહેલી અનિશ્ચિતતાને કારણે યુએસ બજારો નબળા પડ્યા. ગુરુવારે, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ 11 પોઇન્ટ ઘટીને 41,953.32 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટમાં ૫૯ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો અને તે ૧૭,૬૯૧.૬૩ પર બંધ થયો. જ્યારે S&P 500 ઇન્ડેક્સ લગભગ 12 પોઈન્ટ નબળો પડીને 5,662.89 પર બંધ થયો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.