બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 6 youths lost their lives while playing cricket in the ground in Gujarat in last 30 days
Malay
Last Updated: 04:21 PM, 26 February 2023
ADVERTISEMENT
યુવાનોમાં હાર્ટ ઍટેકના પ્રમાણમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. ખાસ કરી અત્યારસુધી આવા બનાવની અંદર હાર્ટ ઍટેકથી માત્ર વૃદ્ધ લોકોના મોત થતા હોવાનું સામે આવતું હતું. પરંતુ તબીબોના તારણ અને અનુભવ મુજબ હવે કોરોના પછી યુવાનોમાં પણ હાર્ટ ઍટેકના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં જ કેટલીક એવી ઘટનાઓ પણ સામે આવી છે કે જેમાં મેદાનમાં ક્રિકેટ રમતી વખતે યુવકોને હાર્ટ ઍટેક આવ્યો અને થોડા સમય પછી તેમનું મોત થઈ ગયું. ગઈકાલે પણ આવો જ બનાવ સામે આવ્યો હતો. તો યુવનાએ ક્રિકેટ ગ્રાઉન્ડ પર શું કાળજી રાખવી જોઈએ જાણીએ એક્સપર્ટ પાસેથી...
વધુ પડતાં મોબાઈલનો ઉપયોગ ન કરવો
આ અંગે ક્રિકેટ એક્સપર્ટે જણાવ્યું કે, ક્રિકેટ રમતા યુવાનોના આકસ્મિક મોત થઈ રહ્યા છે. યુવાનોમાં હ્રદય રોગના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. તેઓએ જણાવ્યું કે, ફૂડ હેબિટના કારણે યુવાનોના મોત થાય છે. યુવાનોને લંચમાં પૌષ્ટિક આહાર આપવો જોઈએ. પીઝા બર્ગર જેવા જંકફુડ ક્રિકેટ રસિકોએ ન ખાવા જોઈએ. સ્ટ્રેસ અને વધુ પડતાં મોબાઈલનો ઉપયોગ પણ આની પાછળ જવાબદાર છે. જીમ અને મોબાઈલનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ.
ADVERTISEMENT
આ મામલે શું કહ્યું હાર્ટ સ્પેશિયાલિસ્ટે?
આ અંગે હાર્ટ સ્પિશિયલિસ્ટ ડો. રાજેશ તેલીએ જણાવ્યું હતું કે, નાની ઉમરે હાર્ટ ઍટેક આવવુએ ખૂબ જ ચિંતાનો વિષય છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, મારા અભ્યાસકાળામાં પણ મને શીખડાવવામાં આવ્યું હતું કે સામાન્ય રીતે 50 વર્ષથી ઉપરની વ્યક્તિને હાર્ટ ઍટેક આવતો હોય છે. પરંતુ અહીં 20 વર્ષ જેટલી નાની ઉમરના યુવાનોને હાર્ટ ઍટેક આવવાના કિસ્સા સામે આવી રહ્યા છે. તે એક ચિંતાનો વિષય છે.
હાર્ટ ઍટેક આવવાના શું કારણો છે?
હાર્ટ ઍટેક આવવાના મુખ્ય કારણોમાં હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. રાજેશ તેલી જણાવ્યું હતું કે હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, લોહીની અંદર ચરબી અને કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ, વારસાગત બીમારી અને ધુમ્રપાન તેમજ દારૂનું સેવન પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે યુવાનોને હાર્ટ ઍટેક આવવા પાછળના કારણોમાં જણાવ્યું હતું કે, યુવાનોમાં તનાવનું પ્રમાણ તેમજ ભણતરનું સ્પર્ધાત્મક વાતાવરણ ખૂબ જ વધી ગયુ છે. જે હાર્ટ ઍટેકનો મુખ્ય કારણ છે.
હાર્ટ ઍટેકથી બચવા શું કરવું જોઈએ?
હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. રાજેશ તેલી વધુમાં જણાવ્યું હતું કે, નાની ઉંમરે હાર્ટ ઍટેકથી બચવા માટે આહાર, વિહાર અને વિચાર પણ એક મહત્વનું સાબિત થતું હોય છે. જેથી એટેકથી બચવા આહાર, વિહાર અને વિચાર પર ધ્યાન આપવું જોઈએ. આમ આપણી જીંદગીમાં આપણી જીવનશૈલી પણ તેટલી મહત્વની હોય છે.
અમદાવાદમાં ક્રિકેટ રમતી વખતે યુવકને આવ્યો એટેક
ક્રિકેટ રમતા રમતા 30 દિવસમા 6 યુવાનોના મોત થયા છે. અમદાવાદના ભાડજમાં ક્રિકેટ રમતાં રમતાં એક આશાસ્પદ યુવાનનું મોત થયું હતું. ભાડજમાં શનિવારે સાંજના GST ઓફિસર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ટીમ ક્રિકેટની મેચ રમાઈ રહી હતી. આ દરમિયાન બોલિંગ કરી રહેલા ટીમના સભ્ય અને બોલર વસંત રાઠોડને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેને કારણે તે થોડી વાર બેસી ગયો હતો. ટીમના બીજા સભ્યોએ પણ રમત બંધ રાખીને તેને છાતીમાં પંપ માર્યા હતા ત્યાર બાદ વસંતને ભાડજ ડેન્ટલ કોલેજમાં સારવાર માટે લઈ જવાયો હતો જ્યાં તેનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી.
અમદાવાદમાં સરકારી નોકરી કરતો હતો યુવક
વસંત રાઠોડ અમદાવાદમાં સરકારી નોકરી કરતો હતો તે બચત ભવનમાં કર્મચારી હતો. શનિવારે ભાડજના મેદાનમાં GST ઓફિસર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ટીમ વચ્ચે ક્રિકેટની મેચ ગોઠવાઈ હતી અને વસંત બોલિંગ કરી રહ્યો હતો જે દરમિયાન તેને હાર્ટએટેક આવતાં છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તે નીચે બેસી ગયો હતો.
ગયા રવિવારે રાજકોટમાં હાર્ટ ઍટેકથી યુવકનું થયું હતું મૃત્યુ
રાજકોટમાં ગયા રવિવારે એક યુવકનું ક્રિકેટ રમતી વખતે હાર્ટ ઍટેક આવતા દુઃખદ અવસાન થયું હતું. રાજકોટના રેસકોર્ષ મેદાનમાં ક્રિકેટ રમતી વખતે જીગ્નેશ ચૌહાણ નામનો યુવક અચાનક ઢળી પડ્યો હતો. તાત્કાલિક યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જીગ્નેશ ચૌહાણનું હાર્ટ ઍટેકના કારણે મોત નીપજ્યું હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. જીગ્નેશ ચૌહાણ છેલ્લા કેટલાક સમયથી મીડિયા સાથે સંકળાયેલ હતો. તેમજ તેના પિતા પણ હયાત નથી. પિતાના નિધન બાદ તેણે પરિવારની જવાબદારી ઉપાડી લીધી હતી. ત્યારે ઘરના આધારસમા જીગ્નેશના નિધનથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. મીડિયા જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
ગત રવિવારે સુરતમાં પણ યુવકનું નિપજ્યું હતું મોત
ગયા રવિવારે સુરતમાં ક્રિકેટ રમીને ઘરે આવેલા એક યુવકનું મોત થતાં ચકચાર મચી ગઈ હતી. સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી જોલી એન્કલેવમાં રહેતો પ્રશાંત કેનેડામાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. તે થોડા દિવસ પહેલા જ કેનેડાથી સુરત આવ્યો હતો. રવિવારે સવારે મિત્રો સાથે ક્રિકેટ રમવા માટે ગયો હતો. પરિવારના જણાવ્યા મુજબ, ક્રિકેટ રમીને ઘરે પરત આવ્યા બાદ પ્રશાંતને અચાનક છાતી દુખાવો અને ગભરામણ શરૂ થઈ હતી. જેથી તેણે આ અંગે પરિવારને જાણ કરતા તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે, હોસ્પિટલ ખાતે હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જેને લઈને પરિવારજનોની રોકકડથી હોસ્પિટલમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. પ્રશાંતનું અચાનક મોત નિપજતા પરિવારમાં માતમ છવાયો હતો. ડોક્ટરોએ યુવકના મૃત્યુ પાછળનું કારણ હાર્ટ ઍટેક જણાવ્યું હતું.
15 ફેબ્રુઆરીએ ક્રિકેટ રમીને પરત ફરતા યુવકનું મોત
4 દિવસ પહેલાં પણ રાજકોટ ખાતે ક્રિકેટ રમીને પરત ફરી રહેલા યુવકનું હાર્ટ ઍટેકના કારણે મોત નિપજ્યું હતું. બનાવની વિગત અનુસાર, ભરત બારૈયા નામનો યુવક ભાણેજના લગ્ન માટે ડીસાથી રાજકોટ આવ્યો હતો. આ દરમિયાન ગત 15 ફેબ્રુઆરીએ રાજકોટના શાસ્ત્રીમેદાન ખાતે ક્રિકેટ રમીને ભરત તેના સંબંધીઓ અને મિત્રો સાથે પરત ફરતા અચાનક બેભાન થઈ ઢળી પડ્યો હતો. જેથી તેને 108 મારફત તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ આ યુવાનને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું, જેની તપાસમાં હાર્ટ ઍટેકથી મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને બનાવની જાણ થતાં પોલીસની ટીમ દોડી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક ભરત ત્રણ બહેનોનો એકમાત્ર ભાઈ હોવાનું તેમજ ભાણેજના લગ્ન માટે રાજકોટ ખાતે આવ્યો હોવાનું સામે આવ્યું હતું. ભાણેજનાં લગ્નનું રીસેપ્શન યોજાય તે પહેલાં જ અચાનક યુવકનું મોત નિપજતા મોતનો માતમ છવાયો હતો.
30મી જાન્યુઆરીએ હાર્ટ ઍટેકથી બે યુવકોના થયા હતા મોત
ગત જાન્યુઆરી મહિનામાં બે અલગ-અલગ ઘટનામાં ક્રિકેટ અને ફૂટબોલ રમતાં બે યુવકોના હાર્ટ ઍટેકના કારણે મોત થયાનું હોવાનું સામે આવ્યું હતું. એક ઘટનામાં યુવકને રાજકોટના રેસક્રોસ મેદાનમાં ક્રિકેટ રમતી વખતે ટેનિસનો બોલ છાતીના ભાગે વાગ્યો હતો. જે બાદમાં યુવકે રનર રાખીને મેચ રમવાનું ચાલુ રાખ્યું અને બાદમાં કારમાં જઈ બેસી ગયા બાદ તેને હાર્ટ ઍટેક આવતા તેનું મોત થયું હતું. તો બીજી ઘટનામાં ફૂટબોલ રમતી વખતે હાર્ટ ઍટેક આવતા 21 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું.
વિગતો મુજબ રાજકોટનો રવિ વાગડે નામનો યુવક 30 જાન્યુઆરીએ મિત્રો સાથે રેસક્રોસ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા ગયો હતો. જ્યાં મેચ દરમિયાન તેને છાતીના ભાગે ટેનિસ બોલ વાગતા તેને શ્વાસ ચડ્યો હતો. જોકે, બાદમાં તેણે એક યુવકને રનર રાખી મેચ રમવાનું ચાલુ રાખી 22 રન બનાવી દીધા હતા. જે બાદમાં તે પોતાની કારમાં જઈ બેસી ગયા બાદ હાર્ટ ઍટેક આવ્યો અને ત્યાં સ્થળ પર જ તેનું મોત થયું હતું.
ફૂટબોલ રમતા એક યુવકનું હાર્ટ ઍટેકથી મોત
ક્રિકેટ પ્લેયરના મોત બાદ હવે ફૂટબોલ રમતા યુવકનું મોત થયું હતું. ફૂટબોલ રમતી વખતે હાર્ટ ઍટેક આવતા 21 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું. વિગતો મુજબ મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા ઓરિસ્સાના વિવેક કુમાર નામના વિદ્યાર્થીનું હાર્ટઍટેકથી મોત નિપજ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.