બ્રેકિંગ ન્યુઝ
VTV / આરોગ્ય / Which disease is more common in Bhadra? What food is essential, what treatment and care to prevent illness
Vishal Khamar
Last Updated: 11:24 PM, 18 September 2023
ADVERTISEMENT
આયુર્વેદ નિષ્ણાત ડો. રાજેશ ભટ્ટે સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે આ મહિનામાં તાવ એસીડીટી માઈગ્રેન સહિતના પિત્તજન્ય રોગોમાં ઉછાળો આવે છે. તેમણે વધુમાં કહ્યું કે શરદ ઋતુ એ રોગોની માતા છે. આ ઋતુમાં પિત્તજન્ય રોગનું પ્રમાણ સૌથી વધુ રહે છે અને આયુર્વેદ તેમાં શ્રેષ્ઠ પરિણામ આપે છે સાથે દર્દીને આવા રોગ જડમૂળથી મટાડવામાં પણ મદદરૂપ બને છે.
ADVERTISEMENT
વાત-પિત્ત, પિત્ત-કફ, વાત-પિત્ત-કફ પ્રકૃતિ ધરાવતી વ્યક્તિઓને ભાદરવા દરમિયાન તકલીફ થવાની સંભાવના વધુ રહે છે. વાત-કફ પ્રકૃતિનાં વ્યક્તિને કફની વિકૃતિથી ખાંસી, શરદી, સાઈનસ પણ આ ઋતુમાં વધી શકે છે. આયુર્વેદના ત્રિદોષ સિદ્ધાંત અનુસાર આરોગ્યની જાળવણી માટે વાયુ, પિત્ત અને કફનું સંતુલન જળવાય તે જરૂરી છે, પરંતુ જીવનમાં સતત બદલાવ આવતો રહેવો એ પણ કુદરતી છે. કુદરતી પરિબળો જેવાં કે દિવસ અને રાત દરમિયાન સૂર્યપ્રકાશ, તાપમાનમાં બદલાવ. ચંદ્રનો ઉદય અને અસ્તને પરિણામે જીવસૃષ્ટિ પર ચંદ્રનાં કિરણોની પણ અસર બદલાતી રહે છે તો વળી પંદર દિવસે બનતાં પખવાડિયા દરમિયાન જેમ જેમ પૂનમ તરફ દિવસો જાય તેમ તેમ ચંદ્રનું બળ, તેજસ્વિતા અને ચંદ્ર કિરણની સૌમ્યતા વધે છે. તેથી ઊલટું પૂનમથી અમાસ તરફ જતાં ચંદ્રનું બળ અનુક્રમે ક્ષીણ થતું જાય છે. વનસ્પતિઓની ઉત્પત્તિ, વિકાસ, જળાશયોમાં થતું પાણીનું બાષ્પીભવન, પ્રાણીઓ, મનુષ્યોનાં શરીર પર પણ સૂર્ય-ચંદ્રનાં કિરણોની તથા બાહ્ય વાતાવરણમાં થતાં ફેરફારની અસર અનુભવાય છે.
કોલવડા સરકારી આયુર્વેદ હોસ્પિટલની ઓપીડી ૬૦૦ને પાર
કોલવડા આયુર્વેદ હોસ્પિટલ સાથે સંકળાયેલા ડો. રાજેશ ભટ્ટના મતે હાલમાં કોલવડા સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં ૧૦૦ દર્દીથી શરૂ થયેલી ઓપીડી અત્યારે ૬૦૦ દર્દી સુધી પહોંચી છે. કોરોનાકાળ દરમિયાન આ હોસ્પિટલે ૧૦૦ ટકા રિઝલ્ટ આપ્યું છે. રોજના ૨૦૦ દર્દીની સારવાર કરવામાં આવતી હતી. જેમાં એલોપથી અને આયુર્વેદ બંને દવાથી દર્દીઓ સાજા થયા છે.
ભાદરવાનાં તાપ ક્યા રોગનું પ્રમાણ વધારે
- આંખ લાલ રહેવી, બળતરા થવી
- માથું તપી જવું, ચક્કર આવવાં, માઇગ્રેન, સાયનોસાયટિસ, માથાનો દુઃખાવો થવો.
- અરુચિ, અપચો, ભૂખ ન લાગવી, એસિડિટી, પિત્તના ઝાડા, છાતીમાં બળતરા.
- પેશાબ ઓછો થવો, પેશાબમાં બળતરા થવી.
- હાથ-પગનાં તળિયામાં દાહ થવો, હથેળી-તળિયાંની ચામડી રુક્ષ થઇ ઊતરવી, ચીરા પડવા-બળતરા થવી.
- શરીર ભારે અનુભવાવું, ઝીણો તાવ રહેતો હોય તેવું લાગવું.
- સ્ત્રીજન્ય રોગ થવા.
આવી અનેક નાની મોટી તકલીફ ભાદરવાના તાપથી શરીર પર થતી હોય છે. લાઈફ સ્ટાઈલ ડિસઓર્ડર, આર્થરાઇટિસ કોલેસ્ટ્રોલ, વાનો દુખાવો, જૂની શરદી, લિવરના રોગ, કિડનીના રોગ, સ્ત્રીજન્ય રોગ, આંખ, કાન, ગળાના રોગ, હાડકાંનો ઘસારો, એસિડિટી, વાળના રોગ આ સિઝનમાં સૌથી વધુ ઊથલો મારે છે.
સારવાર અને કાળજી
દૂધી, ગલકાં, તુરિયાં, દૂધ, દૂધપાક, ખડી સાકરવાળું દૂધ, ઈલાયચીવાળું દૂધ, ઘીમાં તળેલી પૂરી વગેરે ખોરાકમાં સામેલ કરવાં. તેનો આ સિઝન પૂરતો ભોજનમાં વધારે ઉપયોગ કરવો. કાળજીમાં તડકામાં ન ફરવું, અથાણાંનો ત્યાગ કરવો, ભોજનમાં લીલાં મરચાં ખાવાનું ટાળવું, મગજને શાંત રાખવું આખી બાંયનાં કપડાં પહેરવાં, તડકામાંથી એકદમ ઠંડાં વાતાવરણમાં ન જવું, ઘરમાં સાંજે લીમડા કે ગૂગળનો ધૂપ કરવો.
શી કાળજી લેવી ?
ભાદરવાના તાપથી બચવા ટોપી, છત્રી વગેરેથી માથું ઢાંકવું.
ભાદરવામાં કયો ખોરાક લેવો હિતાવહ
સવારના નાસ્તામાં તીખા, તળેલા, મસાલેદાર પદાર્થોને બદલે ઘઉંના ફાડા, દૂધ, ખજૂર, બદામ, સાકરથી બનાવેલો સૂપ કે પછી સાકર નાંખી મીઠું કરેલું દૂધ, તાજી રોટલી, પરોઠાં જેવો નાસ્તો કરવો. ભૂખ લાગતી ન હોય તો પણ ખાલી પેટે વ્યવસાય-વિદ્યા અંગે કે અન્ય કામે બહાર જવાને બદલે કેળાં, સફરજન, નાસપતિ જેવાં ફળો, ખજૂર-અંજીરનો નાસ્તો કરવો. જે પચવામાં સરળ રહે તથા બિલકુલ ન ખાવાથી ખાલી પેટે થતી એસિડિટી-બળતરાને રોકે છે. કાકડી, પાકી પીળી કાકડી ભીંડા, દહીં, ખાટી છાશ, ખાટાં સફરજન, ટામેટાં વગેરે અમ્લપિત્ત હોવાથી ભાદરવામાં પથ્ય નથી.
સારવાર
સારવારમાં અવિપત્તિકર ચૂર્ણ લેવું. શતાવરી કે યષ્ટિમધુ ડોક્ટરની સલાહ અનુસાર લેવાં. એક ચમચી અજમો, જીરું, સંચળ મિક્સ કરીને જમ્યા પછી લેવાં, ખાંડની અવેજીમાં ખડી સાકરનો ઉપયોગ કરવો. તાપમાં બહાર ફરવાનું વધુ થતું હોય તેઓએ નિયમિત અંતરે પાણી, લીંબુનું સાકરવાળું શરબત, શતાવરી-સાકરવાળું દૂધ કે મોળી-ખાટી ન હોય તેવી છાશમાં સાકર નાંખી બનાવેલી લસ્સી, ખસ-ગુલાબનું શરબત, ધાણા-વરિયાળી-સાકરનું શરબત પીવાનું રાખવું. સારવારમાં મોટા ભાગે દર્દીનાં લક્ષણો કે ક્યારેક નાડી પરીક્ષણ પણ કરવામાં આવે છે. જીર્ણ તાવ, ઇમ્યૂનિટીના અભાવથી રોગ વારંવાર થતા હોય તેઓ કડુ, કરિયાતું, ગળો, સારિવા જેવાં ઔષધો યોગ્ય માત્રા-વિધિથી ડોક્ટરની સલાહ અનુસાર લઇ શકે છે. દરેક શારીરિક તકલીફનાં લક્ષણોને રોગનું નામ આપી નિદાન કરવું શક્ય ન પણ બને. પરંતુ દોષ આધારિત લક્ષણો અને ઋતુની અસરને ધ્યાનમાં રાખી આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિથી ખોરાકમાં સાવચેતી, લાઈફસ્ટાઈલમાં ચીવટ અને સામાન્ય ઔષધોથી તકલીફ દૂર થતી હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.