Team VTV05:56 PM, 25 Mar 22
| Updated: 05:57 PM, 25 Mar 22
આઇપીએલ-૨૦૨૨માં લીગ રાઉન્ડના ૭૦માંથી ૫૫ મુકાબલા મુંબઈનાં ત્રણ સ્ટેડિયમ-વાનખેડે, બ્રેબોર્ન અને નવી મુંબઈ સ્થિત ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં રમાશે. જ્યારે બાકીની મેચ પુણેના એમસીએ સ્ટેડિયમાં રમાવાની છે.
મુંબઈનાં ત્રણેય મેદાન પર ફાસ્ટ બોલર્સ ઘણા પ્રભાવશાળી રહેશે. અહીંની પીચ બેટર માટે પણ અનુકૂળ સાબિત થશે, જ્યારે એમસીએ સ્ટેડિયમ પર સ્પિનર્સ અસરદાર સાબિત થઈ શકે છે. વાનખેડે, બ્રેબોર્ન અને ડી. વાય. પાટીલ સ્ટેડિયમની પીચમાં લાલ માટીનો ઉપયોગ કરવામાં આવે છે. એમસીએ સ્ટેડિયમની પીચ બનાવવામાં કાળી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વાનખેડેમાં જીતનો મંત્ર
આ સ્ટેડિયમમાં છેલ્લા ૧૩ રાત્રી મુકાબલામાંથી ૧૦માં બીજી ઇનિંગ્સમાં બેટિંગ કરનારી ટીમે જીત મેળવી છે. આ મેદાન પર છેલ્લી ૨૦ મેચમાં પહેલી ઇનિંગ્સનો સરેરાશ સ્કોર ૧૭૫ રન રહ્યો છે. અહીં આઇપીએલ-૨૦૨૧ દરમિયાન પાવર પ્લેમાં ફાસ્ટ બોલર્સને ૩૧ વિકેટ અને સ્પિનર્સને માત્ર એક વિકેટ મળી હતી. વાનખેડેમાં જીતનો સરળ મંત્ર છે- ટોસ જીતો, બોલિંગ કરો અને ઝાકળનો ભરપૂર ફાયદો ઉઠાવો. અહીં નાની બાઉન્ડ્રી અને ઝાકળની બહુ મોટી અસર જોવા મળે. આ મેદાન પર મોટા હિટર, ફાસ્ટ બોલર્સ અને સ્વિંગ કરાવનારા બોલર્સની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે. અહીં છેલ્લાં ૨૦ મુકાબલામાં ૭૩ ટકા વિકેટ ફાસ્ટ બોલર્સને મળી છે.
બ્રેબોર્નની આઉટ ફિલ્ડ બહુ ફાસ્ટ છે
આ સ્ટેડિયમમાં ૨૦૧૫થી કોઈ ટી-૨૦ મુકાબલો રમાયો નથી. આ મેદાન પર છેલ્લી નવમાંથી છ મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે જીત મેળવી છે. અહીં પહેલી ઇનિંગ્સનો સરેરાશ સ્કોર ૧૭૩ રનનો છે. બ્રેબોર્ન સ્ટેડિયમમાં પણ પીચ બનાવવા માટે લાલ માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્થિતિમાં બેટરને અનુકૂળ પરિસ્થિતિઓ મળે છે. બ્રેબોર્ન સ્ટેડિયમની આઉટ ફિલ્ડ બહુ જ ફાસ્ટ છે અને વાનખેડે સ્ટેડિયમની સરખામણીએ બ્રેબોર્ન ઘણું મોટું છે. અહીં સ્પિનર્સ ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ બની રહે છે.
મુંબઈમાં ડી. વાય. પાટીલ સ્ટેડિયમની બાઉન્ડ્રી સૌથી મોટી
આ સ્ટેડિયમ પર છેલ્લી પ્રોફેશનલ ટી-૨૦ મેચ ૨૦૧૧માં રમાઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં આ સ્ટેડિયમનો સૌથી વધુ ઉપયોગ ફૂટબોલ મેચ માટે કરવામાં આવ્યો છે. અહીંની બાઉન્ડ્રી મુંબઈનાં અન્ય સ્ટેડિયમની સરખામણીએ સૌથી મોટી છે.
પુણેમાં સ્પિનર્સ બાજી મારશે
અહીંના એમસીએ સ્ટેડિયમમાં છેલ્લાં ચાર વર્ષમાં એક ટી-૨૦ મેચ રમાઈ છે. છેલ્લી ૧૪ મેચમાં અહીં પહેલી ઇનિંગ્સમાં સરેરાશ સ્કોર ૧૭૦ રનનો રહ્યો છે. આ મેચમાં નવ વાર બીજી ઇનિંગ્સમાં બેટિંગ કરનારી ટીમ વિજેતા બની છે. અહીં રાત્રે રમાયેલી મેચમાં ફાસ્ટ બોલર્સનો ઇકોનોમી રેટ અને સ્ટ્રાઇક રેટ ક્રમશઃ ૯.૨૨ અને ૨૨ બોલનો રહ્યો છે. સ્પિનર્સે ૮.૧ રન પ્રતિ ઓવર ખર્ચીને દરેક ૧૯ બોલ પર એક વિકેટ ઝડપી છે. આ સ્ટેડિયમમાં આઇપીએલ-૨૦૧૮ બાદ માત્ર એક આંતરરાષ્ટ્રીય મેચ (૨૦૨૦માં) રમાઈ છે. અહીં કાળી માટીમાંથી પીચ બનાવવામાં આવી છે. બાઉન્ડ્રી પણ મુંબઈની સરખામણીએ નાની છે. અહીં સ્પિનર્સ સરેરાશ ૬.૭૮ની ઇકોનોમીથી દર ૨૩ બોલ પર એક વિકેટ ઝડપે છે.